૨૦૨૩-૨૪ના આર્થિક સર્વે પ્રમાણે, ભારતમાં રિટેલ રોકાણકારો ડાયરેકટ ઈક્વિટીસમાં અંદાજે રૂપિયા ૩૬ લાખ કરોડનું અને મ્યુચ્યુઅલ ફન્ડસના સંચાલન હેઠળની એસેટસમાં રૂપિયા ૨૮ લાખ કરોડનું રોકાણ ધરાવે છે. આમ રિટેલ રોકાણકારો ઈક્વિટીસમાં સીધી અને મ્યુચ્યુઅલ ફન્ડસ મારફત રૂપિયા ૬૪ લાખ કરોડનું રોકાણ ધરાવે છે, એમ ૨૦૨૩-૨૪ના આર્થિક સર્વેમાં જણાવાયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય મૂડી બજારમાં રિટેલ રોકાણકારોની ઈક્વિટીસમાં સીધી અને મ્યુચ્યુઅલ ફન્ડસ મારફત રોકાણ પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.
મ્યુચ્યુઅલ ફન્ડસ જેવા આડકતરા માધ્યમો મારફત રિટેલ સહભાગ વધુ સ્થિર અને નોેંધપાત્ર રહ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૪માં ઈક્વિટી કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો ૩૫.૯૦ ટકા રહ્યો હતો. ડીમેટ ખાતાની સંખ્યા પણ નાણાં વર્ષ ૨૦૨૪ના અંતે વધી ૧૫.૧૪ કરોડ પહોંચી ગઈ હતી.
મ્યુચ્યુઅલ ફન્ડસની એસેટ અન્ડર મેનેજમેન્ટ પણ વાર્ષિક ધોરણે ૩૫ ટકા વધી ગયા નાણાં વર્ષના અંતે રૂપિયા ૫૩.૪૦ લાખ કરોડ પહોંચી ગયાની સર્વેમાં નોંધ કરવામાં આવી છે. ઈન્કમ-ડેબ્ટ લક્ષી સ્કીમ્સને બાદ કરતા મ્યુચ્યુઅલ ફન્ડસની દરેક સ્કીમમાં નેટ ઈન્ફલોસ જાેવા મળ્યો હતો. ભારતીય મૂડી બજારમાં રિટેલ રોકાણકારોના વધેલા સહભાગ આવકાર્ય છે અને બજારને સ્થિરતા પૂરી પાડે છે. મૂડી બજારમાં રોકાણને કારણે રોકાણકારોને તેમની બચત પર વધુ વળતર મળવાનું શકય બન્યું છે. ટેકનોલોજીના વિકાસને કારણે રોકાણકારો માટે બજારમાં સહભાગ લેવાનું સરળ બન્યું હોવાનું પણ સર્વેમાં જણાવાયું છે.