ભારતીય બિઝનેસમેનોના સિલિકોન વેલીની કંપનીઓમાં રોકાણને કારણે રોજગારમાં વધારો



અમેરિકામાં ભારતીય બિઝનેસમેનો રોજગાર આપવામાં અન્ય તમામ દેશોના ઇમિગ્રન્ટ્‌સ કરતા આગળ છે. ભારતીય બિઝનેસમેન આ વર્ષે લગભગ ૧૫ લાખ લોકોને રોજગાર આપશે. જ્યારે છેલ્લા ૫ વર્ષમાં ભારતીય મૂળના લોકો ૫૦ લાખને રોજગાર આપી ચૂક્યાં છે. એશિયન અમેરિકન ઇન્સ્ટીટ્યૂટ, ઇન્ડિયાસ્પૉરા અને ફિલાડેલ્ફિયા યુનિવર્સિટીના રિપોર્ટ અનુસાર ભારતીય ઉદ્યોગસાહસિકો અમેરિકાના તમામ ૫૦ રાજ્યમાં રોજગાર આપી રહ્યાં છે.

અમેરિકાની લગભગ ૩૫ કરોડની વસ્તીમાં ભારતીયોની સંખ્યા ૫૦ લાખ જેટલી છે. જ્યારે ભારતીયો વર્ષે સરેરાશ ૨૫ લાખ કરોડનો ટેક્સ ચૂકવે છે. છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ભારતીયોએ રોજગાર આપવામાં અન્ય ઇમિગ્રન્ટ્‌સ કરતા આગળ નીકળી ગયા છે. આ પહેલા કેનેડા અને યુરોપના બિઝનેસમેનો રોજગાર આપવામાં આગળ હતા. ભારતીય બિઝનેસમેનોના સિલિકોન વેલીની કંપનીઓમાં રોકાણને કારણે રોજગારમાં વધારો થયો છે. આ ટ્રેન્ડ હજુપણ યથાવત છે.

રિપોર્ટ અનુસાર અમેરિકામાં આ વર્ષે ભારતીય ઉદ્યોગપતિઓ સૌથી વધુ એઆઇ સેક્ટરમાં ૧૦ લાખ નોકરી આપશે. અમેરિકી ફોર્ચ્યુન એઆઇ લીસ્ટમાં ભારતીયોની ૧૬ અગ્રણી કંપની છે. ગત વર્ષે પાંચ વર્ષ દરમિયાન ભારતીય ઉદ્યોગપતિઓએ ૫૦ લાખ નોકરીઓ આપી હતી. જેમાં ૨૭ લાખ આઇટી સેક્ટરમાં છે. લાઇફ સાયન્સ, ટેલિકોમ્યુનિકેશન, એનર્જી અને ઑટોમોબાઇલમાં એઆઇના ઉપયોગથી નોકરીઓમા વધારો થયો છે.

અમેરિકામાં ૬૧૦ યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે. જેમાંથી ૧૫૦ ભારતીયોની માલિકીના છે. તેનાથી અમેરિકામાં લગભગ અઢી લાખ લોકોને રોજગાર મળ્યો છે. જેમાં કેમ્બ્રિજ મોબાઇલ ટેલિમેટિક્સનો ગ્રોથ સૌથી વધારે છે. તેના કારણે અમેરિકામાં રોડ સેફ્ટીના ક્ષેત્રે ધરખમ પરિવર્તનો થયા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution