દિલ્હી-
ઉત્કૃષ્ટ બુદ્ધિમત્તાવાળા બાળકોની મેનસા મેમ્બર્સ ક્લબમાં 4 વર્ષની શીખ બાળકીને સામેલ કરવામાં આવી છે. દયાલ કૌર પોતાના પરિવારની સાથે બર્મિંઘમમાં રહે છે. તેણે ઘણી જ ઓછી ઉંમરથી શીખવાની અસાધારણ ક્ષમતા પ્રદર્શિત કરી અને તે અંગ્રેજી વર્ણમાળાના તમામ અક્ષરોને 14 મહિનાની ઉંમરથી જ ઓળખવા માંડી હતી.
દયાલ કૌરે મેનસા ટેસ્ટમાં સામેલ થવા માટે ઉત્સુક્તા વ્યક્ત કરી અને કોરોના વાયરસના કારણે લાગુ લોકડાઉનના કારણે તેમાં ઑનલાઇન માધ્યમથી સામેલ થઈ તથા 145 આઈક્યૂ સ્કોર મેળવ્યો. આ ઉપલબ્ધિએ તેને બ્રિટનની એ ટોચની એક ટકાની વસ્તીમાં સામેલ કરી દીધી, જેને પ્રકૃતિનું આ અસાધારણ વરદાન પ્રાપ્ત છે. બ્રિટન મેનસાના મુખ્ય કાર્યકારી અધિકારી જૉન સ્ટીવેંજે કહ્યું કે, “અમે દયાલ કૌરના મેનસામાં સ્વાગત કરીને ખુશ છીએ, જ્યાં તે લગભગ ૨ હજાર જૂનિયર અને કિશોર સભ્યોના સમુદાયમાં સામેલ કરવામાં આવી છે.
દયાલ કૌરના પિતા સરબજીત સિંહ શિક્ષક છે. તેમણે કહ્યું કે, હવે સત્તાવાર રીતે એ સાબિત થઈ ગયું કે તે પોતાની ઉંમર કરતા ઘણી વધારે મેઘાવી છે. તેમણે કહ્યું કે, હવે અમારા માટે એ મહેસૂસ કરવું સ્વાભાવિક છે કે અમારી બાળકી વિશેષ છે, પરંતુ આ મામલે એ વાસ્તવિક સબૂત છે કે તે લાખોમાં એક છે.