ઘટના અને લોક પ્રતિભાવઃ ભારતમાં અને વિદેશમાં...

તાજેતરમાં કેનેડાના ટોરોન્ટોમા એકાદ બે કલાકમાં ૧૨૫ મીમી એટલે કે અંદાજે ૫ ઇંચ જેટલો વરસાદ પડ્યો.તેના પગલે હાઇવે પર અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા.વીજ પુરવઠો ખોરવાતા ટ્રાફિક સિગ્નલો બંધ થઈ ગયા.આ આફતમાં એક બેનની દીકરી જે પોતાની કાર લઈને જઈ રહી હતી એ રસ્તા પર ભરાયેલા પાણીમાં ફસાઈ ગઈ.

એણે પોતાની માતાને ફોન કરીને જણાવ્યું કે ફલાણી જગ્યાએ રસ્તા પર ખૂબ પાણી ભરાયાં છે. મારી કાર બંધ પડી ગઈ છે. ટ્રાફિક સિગ્નલ બંધ છે.એક ભલો માણસ આ જગ્યાએ ઊભો રહીને વાહનોને દિશા બતાવવાનું કામ કરી રહ્યો હતો. ત્યાં જ પોલીસ વાન આવી અને એમણે એ સજ્જનને જ ત્યાંથી ભગાડ્યો. અને પછી પોલીસ વાન જતી રહી!

હવે આ ઘટના આપણે ત્યાં ઘટી હોય તો પોલીસને માથે વાળ ઉખડી જાય એટલા માછલાં ધોવાયા હોત. લોકોએ ભરપેટ પોલીસની નિંદા કરી હોત.

 પણ કેનેડાના સોશિયલ મીડિયા પર એનાથી ઊલટું જ થયું. લોકોએ કૉમેન્ટમાં પેલા ભલા માણસને એ જગ્યાએથી તગેડી મૂકવાના પોલીસના પગલાંને યોગ્ય ગણાવ્યું!

   છે ને આશ્ચર્યની વાત. લોકોએ લખ્યું કે પોલીસે એ વ્યક્તિને ભગાવી દઇને યોગ્ય જ કર્યું છે. વધુમાં લખ્યું કે ડ્રાઈવિંગ-વાહનચાલનની તાલીમ દરમિયાન સહુને ટ્રાફિક સિગ્નલો બંધ થઈ જાય ત્યારે કેવી રીતે વર્તવું, વાહનોનું નિયમન કેવી રીતે કરવું, એ શીખવવામાં આવે જ છે. એટલે આવી સ્થિતિમાં કોઈની મદદની અપેક્ષા રાખ્યા વગર તાલીમ દરમિયાન મળેલા જ્ઞાન અને જાણકારીને આધારે યોગ્ય વર્તન કરવું, રસ્તો કાઢવો એ આપણી સહુની ફરજ છે.

અન્ય કેટલાકે તો એવું લખ્યું કે એ સજ્જનનો ઈરાદો જરૂર સારો હતો પરંતુ આવી સ્થિતિમાં ત્રાહિત વ્યક્તિ વાહન વ્યવહારનું જાતે નિયમન કરવા પ્રયત્ન કરે તો ગેરસમજને લીધે અંધાધૂંધી સર્જાય અને અકસ્માતો થઈ શકે!

આ પ્રતિભાવો ભલે આશ્ચર્યજનક લાગે પરંતુ ત્યાંના લોકોની સમજણ, નિયમો પાળવાની પ્રતિબદ્ધતા અને તાલીમનો ઉપયોગ કરી આફતમાંથી જાતે ઉગારવાના પ્રયત્ન માટેની નિષ્ઠા દેખાય છે.

ભારતમાં અને ખાસ કરીને કેનેડા,અમેરિકા કે યૂરોપના દેશોમાં એક ઘટના માટેના લોક પ્રતિભાવોમાં ખૂબ ભિન્નતા જાેવા મળે છે.

આપણે લોક સેવા પોલીસની ફરજ ગણીએ છે પણ રસ્તા પરની શિસ્ત પાળવામાં માનતા જ નથી. એટલે ત્યાં ટ્રાફિક પોલીસના એક પણ જવાન કે અમલદારની હાજરી વગર, હજારો વાહનોની અવરજવર માત્રને માત્ર ટ્રાફિક સિગ્નલો દ્વારા નિયંત્રિત થાય છે. જ્યારે આપણે ત્યાં સિગ્નલો પોલીસ હાજર હોય તો જ પાળવાની વૃત્તિ જાેવા મળે છે. નજર ચૂકવીને બંધ સિગ્નલમાં વાહન દોડાવી જવું, રોંગ સાઇડ વાહન ચલાવવું એ બહાદુરીનું કામ છે.પરિણામે ચાર રસ્તે એકાદ નાની ઘટના બને તો અરાજકતા ફેલાઈ જાય છે,ચારે તરફથી કોઈ જ ના નીકળી શકે એવો ટ્રાફિક જામ સર્જાય છે.

આપણે ત્યાંની સરખામણીમાં ૫ ઇંચ વરસાદ ખૂબ વધારે તો નથી જ. આપણે ત્યાં હેલી દરમિયાન થોડાક કલાકોમાં દશ બાર પંદર કે વીસ ઇંચ વરસાદ ખાબકે છે અને એવું બને ત્યારે આફતની વિરાટતા અને વ્યાપકતાને ધ્યાનમાં લીધા વગર તંત્ર પર નિષ્ફળતાની ટીકાઓનો મારો ચાલે છે.

ત્યાં એવું બન્યું કે હાઇડ્રો વન કે જે ટોરોન્ટો હાઇડ્રોના વીજ વપરાશકારોને વીજ પુરવઠો આપે છે એની એસેટ્‌સમાં પાણી ભરાતા વારાફરતી અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાઈ ગયો. લગભગ ૧.૬૭ લાખ વીજ ગ્રાહકો પુરવઠાથી વંચિત હતા. વીજ કંપની પુરવઠો ક્યારે ફરીથી શરૂ થશે એનો ચોક્કસ અંદાજ આપવાની સ્થિતિમાં ન હતી. કંપનીએ આ બાબત લોક સૂચનામા કબૂલી. આપણું તંત્ર ભાગ્યે જ આવી નિખાલસ કબૂલાત કરે છે. વીજળી ગઈ એટલે લોકોને ગરમ ઠંડુ પાણી મળતું આકસ્મિક જ અટકી ગયું. વીજળીના ચૂલા હોલવાયા એટલે રસોડા બંધ થયા. ટોરોન્ટોના કેટલાક વિસ્તારોમાં બપોરના ૧૨ વાગે ખોરવાયેલો વીજ પુરવઠો છેક રાત્રે આઠ વાગ્યે આવ્યો.

વીસ વીસ માળ ઊંચા એપાર્ટમેન્ટની લીફટ્‌સ બંધ રહી. એટલે ઉપરવાળા ઉપર અને નીચેવાળા નીચે જેવો ઘાટ થયો.

છતાં,શેરીઓમાં લોકટોળા ના ઉમટ્યા, હોબાળો ના થયો,પત્થરમારો જેવી અસહિષ્ણુતા કોઈએ ના આચરી.

આ આશ્ચર્યજનક લાગે એવી વાત છે. મોટી વસતી આટલી બધી ધીરજ રાખે, તંત્રમાં યોગ્ય વિશ્વાસ રાખે અને તંત્ર પણ સતત અપડેટ આપે, લોકોને આશ્વસ્ત કરે. બે હાથે તાળી પડે એ કહેવત તો આપણી, પણ એની વધુ સમજદારી પશ્ચિમમાં જાેવા મળે છે કારણ કે જાહેર જીવનમાં શિસ્તના સંસ્કારો લોકોએ પચાવ્યા છે.

અને આપત્તિને હળવાશથી લેવાની રમૂજની કૉમેન્ટ્‌સમાં નોંધ લેવી ઘટે. હા, મોંઘવારી કે સરકારની નીતિઓ વિરુદ્ધ અભિવ્યક્તિમાં લોકો ખૂબ નીડરતા દાખવે છે. કેટલાકે લખ્યું કે રસ્તા પર પાણી ભરાવાથી વાહનોને નુકશાન થાય તો વીમા છત્ર હેઠળ એ ભરપાઈ થશે ખરું! અન્ય કેટલાકે લખ્યું કે લેક ઑન્ટેરિઓમાં કારો તરી રહી હોય એવું લાગે છે! વળી એવી કૉમેન્ટ પણ થઈ કે જાેતજાેતામાં ચારેકોર પાણી ફરી વળ્યા અને વાહનને તેમાંથી બહાર કાઢવાનો સમય જ ન મળ્યો.

વળી અન્ય કેટલાકે વાહન ચાલકોની ટીકા કરી કે શું તેઓ ટીવીમાં હવામાનના વર્તારા જાેતાં નહતા? આ સ્થિતિ વાહન લઇને બહાર નીકળવા માટે સારી નથી એવું જાણતા નહતા? તો અન્ય એકે ઉપહાસમાં વધારો કરતાં લખ્યું કે જે લોકો વાહન ચલાવતી વખતે ટ્રાફિક સાઇન નથી જાેતા તેઓ ટીવીમાં હવામાનનો વર્તારો જાેશે એવું માનો છો? આફત વચ્ચે લોકોની આ રમૂજ વૃત્તિ સમજણની પીઢતાની અનુભૂતિ કરાવે છે.

 હા,તંત્રની ટીકા વરસાદી પાણીને ભૂગર્ભમા ઉતારવાની અપૂરતી સુવિધાઓ, વધુ પ્રમાણમાં સિમેન્ટની પગથીયા બનાવવાને લીધે જમીનમાં પાણી ઉતરવામાં મુશ્કેલી જેવી બાબતોમાં થઈ ખરી.પરંતુ એમાં પણ ખૂબ સંયમ લોકોએ રાખ્યો.

ટુંકમાં , સમજવાનું એ છે કે નાગરિક સુવિધાઓની તંત્ર પાસે અપેક્ષા રાખીએ તો નાગરિક શિસ્ત પાળવાની તૈયારી હોવી જાેઈએ. વાહન વ્યવહારનું નિયમન એ પહેલી જવાબદારી વાહન ચાલકની છે, એ પછી પોલીસ તંત્રની છે.રસ્તાની શિસ્ત બધા પાળે તો સિગ્નલ એ જ ટ્રાફિક પોલીસ. એટલે કે પોલીસની હાજરી વગર જ વાહન વ્યવહારનું સુચારુ સંચાલન શક્ય છે.

અને આ ઘોડાપૂરથી એક બિલિયન કેનેડિયન ડોલર જેટલું નુકશાન માલ મિલકતને થયાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. જાે કે બીજા જ દિવસથી જન જીવન પૂર્વવત થઈ ગયું એ પણ નોંધવા યોગ્ય છે. ઈન્સ્ટાગ્રામના સૌજન્ય થી મળેલી તસવીરો પૂરની વિકરાળતાની પ્રતીતિ કરાવે છે.

 આ બધું શીખવા અને અપનાવવા જેવું તો છે જ. સવાલ એ છે કે આપણી તૈયારી અને તત્પરતા કેટલી છે, છે ખરી?..

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution