છોટાઉદેપુર, તા.૨૫
છોટાઉદેપુર વન વિસ્તારમાં દીપડા,રીંછ સહિતના વન્ય પ્રાણીઓ સારા એવા પ્રમાણમાં છે.આ પ્રકારના વન્ય પ્રાણીઓ પરસ્પર યુદ્ધ કે કુંવા જેવા માળખાઓમાં પડી જવાથી,માનવ સાથેના સંઘર્ષમાં કે અન્ય કોઈ રીતે ઘવાય કે માંદા પડે તો એમને સુરક્ષિત રીતે રાખીને સારવાર કરી શકાય અને સાજા થાય ત્યારે પાછા વનમાં છોડી શકાય એ માટે વાઇલ્ડ એનિમલ કેર સેન્ટરની જરૂર વર્તાતી હતીઆ આવશ્યકતા નાયબ વન સંરક્ષક નિલેશ પંડ્યાની રાજ્ય સરકારના વન વિભાગમાં અસરકારક રજૂઆત થી સંતોષાઈ છે.અને વન્ય પ્રાણીને જરૂરી સુરક્ષા ઘેરા વચ્ચે,મુક્ત વાતાવરણમાં રાખી શકાય એવા બે વિશાળ વાડા એટલે કે એન્કલોઝર અને તેની સાથે જરૂરી પિંજરા ધરાવતા આ વિસ્તારના પ્રથમ વાઇલ્ડ એનિમલ કેર સેન્ટર, માખણીયાનો પાવી જેતપુર તાલુકાના ધાનપુર - ડુંગરવાંટ નજીક પ્રારંભ થયો છે.હાલમાં અહીં ૩૦ બાય ૩૦ મીટર ના બે વિશાળ એનકલોઝરમાં ઘાયલ વન્ય પ્રાણીને રાખીને જરૂરી સારવાર આપવાની સુવિધા રાખવામાં આવી છે.સારવાર હેઠળ રાખવામાં આવેલા વન્ય પ્રાણી ને દિવસ દરમિયાન વાડામાં અને રાત્રે પિંજરામાં રાખવામાં આવશે. આ સેન્ટર ખાતે ડેપ્યુટેશન થી પશુ ચિકિત્સા અધિકારીની નિયુક્તિ કરાશે અને દેખરેખ તેમજ સહાયતા માટે ગાર્ડ,એનિમલ કિપર રાખવામાં આવશે.અહીં ઘાયલ હરણ હોય કે જંગલી ભૂંડની સારવાર થશે.