કોલકત્તા-
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેની સાથે જ સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) અને ભાજપ વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. આ બધા વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુરૂવારે કોલકાતામાં લોક્ખો સોનાર બાંગ્લાનો શુભારંભ કરાવ્યો હતો. ત્યાર બાદ તેમણે સોનાર બાંગ્લા બનાવવા રાજ્યના બે કરોડ લોકોના સૂચનો મંગાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આ માટે રાજ્યમાં 30,000 સૂચન પેટી લગાવવામાં આવશે.
જેપી નડ્ડાએ કહ્યું કે, સરકાર રચાશે તો બંગાળમાં આયુષ્માન ભારત યોજના અને પીએમ કિસાન સન્માન નિધિ લાગુ કરવામાં આવશે. તે સિવાય રાજ્યને ભ્રષ્ટાચાર મુક્ત પણ બનાવવામાં આવશે. બીજી બાજુ કોલકાતા પોલીસે ભાજપની પરિવર્તન યાત્રાને મંજૂરી આપવા મનાઈ કરી દીધી હતી. ભાજપે મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઈશારે મંજૂરી ન અપાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેના વિરૂદ્ધ પાર્ટી કોર્ટના દરવાજા ખખડાવશે તેવો દાવો કર્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોલકાતામાં 'લોક્ખો સોનાર બાંગ્લા (મેનિફિસ્ટો) ક્રાઉડસોર્સિંગ અભિયાન'ની શરૂઆત કરી હતી. તે નિમિત્તે રાજ્ય ભાજપના પ્રમુખ દિલીપ ઘોષ અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય પણ ઉપસ્થિત રહ્યા હતા.