સુરત, મોબાઇલ ફોન અને હિંસક ગેમ્સનાં ચલણ વચ્ચે નાની ઉંમરનાં બાળકોમાં પણ સહનશીલતા અને સહિષ્ણુતા કેટલી હદે ઓછી થઇ રહી છે તેનું ઉદાહરણ વરિયાવ ખાતે જાેવા મળ્યું હતું. શહેરનાં છેવાડે આવેલાં વરિયાવ વિસ્તારમાં નાનાભાઇએ પતંગની દોરી નહીં આપતાં ગુસ્સા અને આવેશમાં આવીને ૧૦ વર્ષીય બાળકે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. ઉત્તરાયણને ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે ત્યારે પતંગની દોરીથી વાહન ચાલકોનાં ગળા કપાવા સહિત અકસ્માતોનાં બનાવો બની રહ્યાં છે. બીજી તરફ વાલીઓને સાવધ કરતો કિસ્સો સુરતમાં નોંધાયો છે જેમાં પતંગનાં દોરાની માથાકૂટમાં માઠું લાગી જતાં ૧૦ વર્ષનાં બાળકે ફાંસો લગાવી જીવનનો અંત આણ્યો છે. બાળકનાં અકાળે મૃત્યુથી તેનાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સુરતનાં વરિયાવ વિસ્તાર કંટારા ગામમાં ભલાભાઈ દલપતભાઈ રાઠોડ તેના ચાર બાળકો અને પત્ની સાથે રહે છે. ત્યારે ભલાભાઈ અને તેની પત્ની મજૂરી કામ માટે ખેતરે જતા રહ્યાં હતાં. આ દરમિયાન બાળકો ઘરે એકલા હતાં. ઉત્તરાયણ અગાઉ આ બાળકો પતંગ ઉડાવી રહ્યાં હતાં. બાળકો પૈકી કેતને પોતાનાં નાનાભાઇ ક્રિશ પાસે પતંગ ચગાવવા માટે દોરી માંગી હતી પરંતુ ક્રિશે મોટાભાઇને પતંગ ચગાવવા માટે દોરી નહીં આપતાં તેણે આવેશમાં આવી ઘરમાં છતની એંગલ સાથે ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ૧૦ વર્ષીય કેતનનાં આપઘાતની જાણ દીકરીએ કરી હતી. જેથી માતા પિતા ખેતરેથી દોડી આવ્યા હતાં. બાદમાં બાળકને હોસ્પિટલ લઈ આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.