આણંદ, ઉમરેઠ નગરની સીમ વિસ્તારમાં સુથારી નાળ પાસે રસ્તા પર પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાતા સ્થાનિક રહીસો ભારે હાલાકીમાં મુકાવા પામ્યા છે,ત્યારે મંગળવારે એક સ્મશાનયાત્રા પણ ધુંટણ સમાણા પાણી ડહોળીને પસાર થતા સ્થાનિક રહીસોમાં રોષ પ્રવર્તી ઉઠયો છે.ઉમરેઠની સીમ વિસ્તાર સુથારી નાળની આસપાસમાં ૪૦૦ જેટલા મકાનો આવેલા છે,જેઓને અવર જવર કરવાનો મુખ્ય માર્ગ સુથારી નાળમાં છેલ્લા એક સપ્તાહથી પાણી ભરાયેલા છે,તેમ છતાં આ ભરાયેલા પાણીનાં નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતા આજે આ વિસ્તારમાં રહેતા મોહનભાઈ નામનાં વૃદ્ધનું મૃત્યું થતા તેઓની અંતિમક્રિયા માટે સ્મશાનયાત્રા ધુંટણ સમાણા પાણી ડહોળી કાદવ કિચડ વચ્ચે રહીને સ્મશાનગૃહ પહોંચી હતી અને જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોસ ફેલાયો હતો,સ્થાનિક રહીસોએ જણાવ્યું હતું કે સુથારી નાળમાં ભરાયેલા પાણીનાં નિકાલ માટે અનેક વાર નગરપાલિકામાં રજુઆતો કરવા છતાં પાલિકા કે વહીવટીતંત્રનાં અધિકારીઓ દ્વારા પાણીનાં નિકાલ માટે કોઈ કાર્યવાહી નહી કરતા લોકોને પાણી ડહોળીને અવરજવર કરવી પડે છે,તેમજ આજે સ્મશાનયાત્રા પણ પાણી ડહોળીને લઈ જવી પડી હતી.