આ મંદિરમાં સ્ત્રી સ્વરૂપમાં કરાય છે હનુમાનજીની પૂજા, જાણો રસપ્રદ દંતકથા

ભારતમાં ભગવાન હનુમાનના સંખ્યાબંધ મંદિરો રહેલાં છે, જેમાં તેમના વિવિધ રૂપના દર્શન થાય છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે, સમગ્ર દેશમાં ભગવાન હનુમાનનું એક એવું પણ મંદિર આવેલું છે કે, જ્યાં તેમની પૂજા મહિલા સ્વરૂપમાં કરવામાં આવે છે.

મંદિરમાં હનુમાનજીના સ્ત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે :

આ મંદિર મધ્યપ્રદેશના ઓરછા પાસે આવેલ રતનપુર ગામમાં આવેલું છે. અહીં હનુમાનજીનું સ્વરૂપ મહિલા જેવું છે. એવું કહેવામાં આવે છે કે, સમગ્ર વિશ્વમાં હનુમાનનું આવું અન્ય કોઈપણ મંદિર નથી.

આ પાછળ રહેલી માન્યતા :

આમ તો કેટલાંક ધાર્મિક પુસ્તકોમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, હનુમાનજીની સ્ત્રી સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે પરંતુ આ અનોખુ મંદિર પુરાણોમાં લખેલી વાત સાબિત કરે છે. જો કે, આ મંદિરની પાછળ કથા રહેલી છે. હકીકતમાં આ મંદિર બિલાસપુરના રાજા પૃથ્વીદેવજુએ કરાવ્યું હતું.

લોકકથા અતિ રસપ્રદ :

લોકકથા મુજબ બિલાસપુરના રાજાને કોઢ હતો એટલે ન તો તે કોઈનો સ્પર્શ કરી શક્તો હતો, ન તો પોતાની વાસનાતૃપ્તિ કરી શક્તો હતો. જો કે, આ રાજા હનુમાનજીનો ભક્ત હતો. કોઢથી પરેશાન રાજાને હંમેશા સુંદર મહિલાઓને સપનું આવતું હતું પણ જીવનમાં ન તો તે લગ્ન કરી શક્તો હતો, ન તો સ્ત્રીઓનો સ્પર્શ કરી શક્તો હતો. એક દિવસ સપનામાં તેને એક મહિલા દેખાઈ.

આ મહિલા દેખાવમાં તો સ્ત્રી જેવી જ હતી, પરંતુ તેનું સ્વરૂપ ભગવાન હનુમાન જેવું હતું. એણે પોતાનું મંદિર બનાવવાની વાત કરી. આની સાથે જ આ મહિલાએ મંદિરની પાછળ તળાવ બાંધવાની પણ વાત કરી હતી. રાજાને જણાવ્યું હતું કે, આ તળાવમાં સ્નાન કરવાથી જ તેનો રોગ દૂર થઈ જશે.

મંદિરમાં કરવામાં આવે છે હનુમાનજીના સ્ત્રી સ્વરૂપની પૂજા :

બીજા દિવસે રાજાએ પોતે સપનામાં જોયેલ મહિલા જેવી જ પ્રતિમા બનાવવા માટેનો આદેશ આપ્યો હતો. આની સાથે જ એક મંદિર તેમજ તળાવનું નિર્માણ પણ કરાવ્યું હતું. વિધિ-વિધાનથી હનુમાનજીની મૂર્તિને મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી. એ દિવસથી આ મંદિરમાં હનુમાનજીના સ્ત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ મંદિરની ખાસિયત છે કે, અહીં ભગવાન હનુમાનજીની પ્રતિમાનો શ્રૃંગાર મહિલાઓની જેમ કરવામાં આવે છે. તેમને સ્ત્રીઓની જેમ જ ઘરેણાં ચડાવવામાં આવે છે એટલી હદ સુધી કે હનુમાનજીની પ્રતિમાને નથણી પણ પહેરાવવામાં આવી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution