મુંબઇ-
મહારાષ્ટ્રમાં ગત ૨૪ કલાક દરમિયાન ૪૮ હજાર ૪૦૧ નવા સંક્રમિતો મળ્યા હતા. જ્યારે ૬૦ હજાર ૨૨૬ નવા દર્દીઓ સ્વસ્થ થયા અને ૫૭૨ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં રિકવરી રેટ હવે ૮૬.૪ ટકા થયો છે. માત્ર મુંબઈની વાત કરીએ તો અહીં ૨૪ કલાકમાં ૨ હજાર ૩૯૫ નવા દર્દીઓ સામે આવ્યા હતા. જ્યારે ૧૩ હજાર ૮૬૮ દર્દીઓ સ્વસ્થ થયા હતા. કોરોનાની બીજી લહેરમાંથી બોધપાઠ લેતા મહારાષ્ટ્ર સરકારે ત્રીજી લહેરથી બચવાની તૈયારી શરૂ કરી દીધી છે.
જે માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના ૧ હજાર ખાનગી પ્રેક્ટિશનર ફેમિલી ડૉક્ટર સાથે વચ્ર્યુઅલ બેઠક કરી હતી. મુખ્યમંત્રીએ ડૉક્ટર્સના પડકારોને સમજવાનો પ્રયાસ કર્યો અને સાથે ત્રીજી લહેરના જાેખમ માટે એલર્ટ રહેવા કહ્યું હતું. ત્રીજી લહેરમાં બાળકોને સૌથી વધુ જાેખમ રહેશે તેવી આશંકાઓ વ્યક્ત કરવામા આવી રહી છે. મુખ્યમંત્રીએ રચેલી ટાસ્ક ફોર્સે ડૉક્ટર્સને જણાવ્યું કે, તેઓ પોતાની પાસે આવતા બાળકોની સારવાર મામલે વધુ એલર્ટ રહે. બાળકોમાં વાઈરલ ઈન્ફેક્શન, શરદી-ખાંસી, તાવ સાથે દૂધ ના પીવા કે જમવું નહીં તેવા લક્ષણો પર વિશેષ ધ્યાન આપવામા આવે. મુખ્યમંત્રીએ ખાનગી ડૉક્ટર્સને જણાવ્યું કે, અત્યારસુધી ખાનગી ડૉક્ટર્સની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી પરંતુ હવે પડકારો વધી શકે છે.