પાટણ-
નગરપાલિકાના સત્તાધીશોની નિષ્ક્રિયતા અને જે-તે વિસ્તારની પ્રાથમિક સમસ્યાઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવતા આગામી ચૂંટણીમાં તેના પડઘા પડશે. જેના ભાગરૂપે સોમવારે ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં આવેલા કર્મભૂમિ સોસાયટી અને ઉત્સવનગર સોસાયટીના સ્થાનિકએ સોસાયટીના ગેટ પર ચૂંટણી બહિષ્કારના બેનર્સ લગાવતાં પાટણનું રાજકારણ ગરમાયુ છે. બીજી તરફ દરેક વિસ્તારોમાં આ રીતે બેનરો લાગશે, તેવા ભયને પગલે રાજકીય પક્ષોમાં હડકંપ મચી છે.પાટણ નગરપાલિકાની ગત 5 વરસની ટર્મમાં અઢી વર્ષ કોંગ્રેસ અને અઢી વર્ષ ભાજપે શાસન કર્યું હતું. તેમ છતાં શહેરના મોટાભાગના વિસ્તારોની પ્રાથમિક સુવિધાઓ સહિત સમસ્યાઓમાં કોઇ નિરાકરણ આવ્યું નથી. જેમાં ખાસ કરીને રખડતા પશુઓની સમસ્યાનો કોઇ જ નક્કર ઉકેલ આવ્યો ન હતો. તેમજ અનેક રજૂઆતો કરવા છતાં જે-તે વિસ્તારના પ્રશ્નો નહીં ઉકેલાતા તેના પડઘા આગામી નગરપાલિકાની ચૂંટણીમાં પડશે. તેની શરૂઆત થઇ ગઇ હોય, તેમ સોમવારે શહેરની ઉત્સવનગર સોસાયટીના સ્થાનિકોએ વિવિધ પ્રશ્નોને લઇ ચૂંટણી બહિષ્કારનું એલાન કરી ગેટ પર બેનર્સ લગાવ્યા છે.