અમેરિકામાં વિઝા અને માસ્ટરકાર્ડ તથા કેટલાક મર્ચન્ટ્‌સ વચ્ચે સ્વાઈપ ફીના મામલે ડખો


નવીદિલ્હી,તા.૨

અમેરિકામાં નાના મર્ચન્ટની ફરિયાદ છે કે વિઝા અને માસ્ટરકાર્ડ દ્વારા તેમની પાસેથી વધુ ફી વસુલવામાં આવી છે. આ મામલો કોર્ટમાં ગયો છે. પરંતુ ૩૦ અબજ ડોલરના સેટલમેન્ટમાં કોર્ટે ના પાડી દીધી છે. તેથી હવે મામલાનો ઝડપથી ઉકેલ આવે તેમ નથી. હવે પ્રક્રિયા લાંબી ચાલશે અને કદાચ મોટી રકમ પણ આપી પડે.

અમેરિકામાં વિઝા અને માસ્ટરકાર્ડ તથા કેટલાક મર્ચન્ટ્‌સ વચ્ચે સ્વાઈપ ફીના મામલે ડખો ચાલે છે જેમાં ૩૦ અબજ ડોલરમાં સેટલમેન્ટ થવાનું હતું પરંતુ ફેડરલ જજે સેટલમેન્ટ અટકાવી દીધું છે અને તે હવે કદાચ નહીં થઈ શકે. મર્ચન્ટ્‌સનું કહેવું છે કે તેમને ત્યાં જે કાર્ડ સ્વાઈપ થાય તેના પર ઓવર પેમેન્ટ વસુલવામાં આવ્યું છે.

વિઝા અને માસ્ટરકાર્ડ દ્વારા સ્મોલ બિઝનેસિસ અને મર્ચન્ટ્‌સ વચ્ચે માર્ચ મહિનામાં સેટલમેન્ટ થવાનું હતું જેની વેલ્યૂ લગભગ ૩૦ અબજ ડોલર આંકવામાં આવે છે. આ ડીલ થઈ ગઈ હોત તો વિઝા અને માસ્ટરકાર્ડ દ્વારા જે ફી વસુલવામાં આવે છે તે ઘટી હોત અને તેના પર એક કેપ લાગી હોત. આ ઉપરાંત સ્મોલ બિઝનેસિસ પણ ફાયદો થાત કારણ કે મોટા બિઝનેસિસ જે રીતે પોતાની તાકાતના કારણે રેટમાં બાર્ગેન કરી શકે છે એવું નાના બિઝનેસિસ માટે પણ શક્ય બન્યું હોત. પરંતુ હવે આ સેટલમેન્ટ સામે મોટો અવરોધ પેદા થયો છે. અમેરિકામાં સૌથી મોટું રિટેલ ટ્રેડ ગ્રૂપ ગણાતા નેશનલ રિટેલ ફેડરેશને જણાવ્યું કે તે સેટલમેન્ટનો વિરોધ કરશે કારણ કે તેમને જે રાહત મળવાની હતી તે ટેમ્પરરી હતી અને એકંદરે પેમેન્ટ પ્રોસેસિંગ ફી બહુ ઊંચી છે. સેટલમેન્ટ પ્રમાણે સ્વાઈપ ફી પાંચ વર્ષ માટે નિશ્ચિત રાખવાની હતી, પરંતુ મર્ચન્ટ્‌સે તેનો વિરોધ કર્યો અને તેથી એકમત સાધી શકાયો નથી. ન્યૂયોર્કની ઈસ્ટર્ન ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજ માર્ગો બ્રોડીએ જણાવ્યું કે તેઓ આ સેટલમેન્ટને ફાઈનલ એપ્રૂવલ આપે તેવી શક્યતા ઓછી છે. તેનો અર્થ એવો થયો કે સેટલમેન્ટ નહીં થાય તો આ મુદ્દો હવે ટ્રાયલમાં જશે અને લાંબી કોર્ટ કાર્યવાહી થશે. અમેરિકામાં ૨૦૦૫માં એક કેસ થયો હતો જેમાં એવું જણાવાયું હતું કે વિઝા અને માસ્ટરકાર્ડ ક્રેડિટ કાર્ડ સ્વીકારવા બદલ મર્ચન્ટ્‌સે વધારે ઊંચી ફી ચૂકવી હતી. તેમાં એવું કહેવાયું હતું કે વિઝા, માસ્ટરકાર્ડ અને તેની મેમ્બર બેન્કોએ એન્ટી ટ્રસ્ટ કાયદાનો ભંગ કર્યો હતો. વિઝા અને માસ્ટરકાર્ડના નેટવર્ક પર જેટલા ટ્રાન્ઝેક્શન થાય તેના પર તેઓ એક ફી વસુલે છે. આ ફી મર્ચન્ટની સાઈઝ પર આધારિત હોય છે પરંતુ સામાન્ય રીતે ટ્રાન્ઝેક્શનના એક ટકાથી લઈને ૩ ટકા સુધી ફી વસુલવામાં આવતી હોય છે. ૨૦૧૮માં વિઝા અને માસ્ટરકાર્ડ તેમની સામે લાંબા સમયથી ચાલતા કેસનું સેટલમેન્ટ કરવા માટે ૧૯ મર્ચન્ટને ૬.૨ અબજ ડોલર ચૂકવવા તૈયાર થયા હતા. પરંતુ તે સમયે બે મુદ્દા એવા હતા જેનો ઉકેલ લાવવો જરૂરી હતો. એક તો વિઝા અને માસ્ટરકાર્ડે પોતાના કાર્ડનો ઉપયોગ કરવા માટે જે નિયમો નક્કી કર્યા હતા તેનો વિવાદ હતો, બીજું એવા ઘણા મર્ચન્ટ હતા જેઓ આ સેટલમેન્ટમાં હિસ્સો બનવા માગતા ન હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution