લોકસત્તા વિશેષ તા. ૧૩
વડોદરા મહાનગર પાલિકાની ખાલી તિજાેરી પર રીંગ કરીને તરાપ મારવાના રોડ કોન્ટ્રાકટર અને ભાજપના કેટલાક નેતાઓના ખેલને લોકસત્તા જનસત્તા દ્વારા ખુલ્લો પાડવામાં આવતા આજે તેના ઘેરા પ્રત્યાધાતો પડ્યા હતા. આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ મામલે ભડકો થતાં રા. ૩ કરોડમાં સેટીંગ કરી રૃપિયા ૧૩૦ કરોડના રોડના કામોની રીંગ પાર પાડવાનો ખેલ સ્થાયી સમિતિમાં ઉધો પડ્યો હતો. જેમાં રીંગ કરી આવેલા કોન્ટ્રાકટરોના રોડના કામો રીઈનવાઈટ કરી નવેસરથી ટેન્ડર મંગાવવા માટેનો ઠરાવ આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં કોન્ટ્રાકટરોએ કરેલી રીંગ સાથે તંત્ર દ્વારા બનાવવામાં આવેલા અંદાજમાં પણ મોટા પાયે ગેરરીતી કરવામાં આવી હોવાના એક સભ્યના ઘટસ્ફોટથી બેઠકમાં સોંપો પડી ગયો હતો.
આ અંગે પ્રાપ્ત જાણકારી અનુસાર શહેરમાં રસ્તાની કામગીરી કરવા માટે પ્રતિ વર્ષે મંગાવવામાં આવતા વાર્ષિક ઈજારાના ટેન્ડરની જેમ આ વર્ષે પણ ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા. જેમાં કોર્પોરેશનને આર્થિક ફટકો પડે તે રીતે કેટલાક કોન્ટ્રાકટરોએ રીંગ કરી રૃપિયા ૧૩૦ કરોડના કામોની વહેંચણ કરી લીધી હતી. કોન્ટ્રાકટરોએ કરેલી રીંગને વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાંખમાં હેમખેમ પાર પાડવા માટે ભાજપના કેટલાક નેતાઓ સાથે ગોઠવણ કરવામાં આવી હતી. લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર રૃપિયા ૧૩૦ કરોડના રોડના કામે નિર્વિધ્ન મંજુર કરાવવા માટે ભાજપના જુદા જુદા નેતાઓ સાથે મળી કુલ રૃપિયા ૩ કરોડમાં સેટીંગ કરવામાં આવ્યું હતું.વડોદરા શહેરની પ્રજાના પરસેવાની કમાઈના રૃપિયાને આ રીતે વેડફાટ કરવાની વૃતિ સામે આવતા લોકસત્તા જનસત્તાએ તેનો વિસ્તૃત અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. જેના પડધા આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં પડયા હતા. આ બેઠકમાં સ્થાયી સમિતિના સભ્ય ડો. શિતલ મિસ્ત્રી, મનોજ પટેલ (મંછો) અને અજીત દધીચે રોડના કામોની રીંગ અંગે નારાજગી વ્યક્ત કરવા સાથે કામોના અંદાજમાં ઈરાદાપૂર્વક ગેરરીતી કરી કોન્ટ્રાકટરને ફાયદો કરાવવામાં આવ્યો હોવાનું જણાવતા સૌ ચોંકી ગયા હતા. ત્યારે ગોઠવણથી આવેલા ટેન્ડરની રીઈનવાઈટ કરવા સાથે તેના અંદાજ અંગે પણ નવેસરથી પ્રક્રિયા કરવાના આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાયી સમિતિના ર્નિણયથી રૂા. ૧૫ કરોડનો ફાયદો
રીંગથી આવેલા રોડના ટેન્ડરમાં કામગીરીમાં પથ્થર પેવીંગ, વરસાદી ગટર, કર્બિંગ અને પેવરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલેકે રસ્તાની કારપેટ કરવા સાથે આ કામગીરી પણ ૯ ટકા વધુના ભાવે કરવામાં આવે. પરંતું આજના એજન્ડમાં જ ઝોનની એક કામગીરીમાં આ તમામ કામગીરી ૧૫થી ૩૦ ટકા ડાઉનમાં આવી હતી. એટલેકે ઝોન કક્ષાના વાર્ષિક ઈજારામાં પથ્થર પેવીંગ, વરસાદી ગટર, કર્બિંગ અને પેવરની કામગીરી૧૫થી ૩૦ ટકા ઓછા ભાવમાં કરવામાં આવે છે. ત્યારે આ ૧૩૦ કરોડ રૃપિયાના ટેન્ડરમાં ઝોનના વાર્ષિક ઈજારાની ગણતરી કરવામાં આવે તો કોર્પોરેશનને અંદાજે રૃપિયા ૧૫ કરોડનું નુકશાન જતું હતું. સ્થાયી સમિતિના આજના ર્નિણયથી કોર્પોરેશનને રૃપિયા ૧૫ કરોડનો ફાયદો થશે તેમ સભ્યોએ જણાવ્યું હતું.
રીંગ કરનાર કોન્ટ્રાકટરો સામે ડામરના બોગસ બીલની પુનઃ તપાસની માંગ
કોર્પોરેશનમાં થોડા વર્ષો અગાઉ ડામરના બોગસ બીલનું કૌભાંડ ખુબ ગાજ્યું હતું. જેમાં દિવ્ય સિમંધર નામની કંપની સામે કોર્પોરેશને રીફાઈનરીના બોગસ બીલ રજુ કરવા બદલ પોલીસ ફરિયાદ પણ દાખલ કરી હતી. જેની સાથે દિવ્ય સિમંધરને તે સમયે બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા હતા. આ સમયે તત્કાલિકન કમિશનર અજય ભાદુએ કોર્પોરેશનમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૧૯ દરમ્યાન રોડના કામ કરનાર તમામ કોન્ટ્રાકટરોના બીલોની તપાસ કરવા માટેના આદેશ આપ્યા હતા. સ્થાયી સમિતિની આજની બેઠકમાં આ તપાસ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જે બોગસ બીલોની બંધ પડેલી તપાસ પુનઃ શરૃ કરવા માટે કમિશનરને જાણ કરવામાં આવી હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું હતું.
કોન્ટ્રાકટરો સાથે બેઠક કરનાર અલ્પેશ લિંબાચ્યા સામે સવાલ ઉઠ્યા
રસ્તાના રૃપિયા ૧૩૦ કરોડના કામોના મામલે આજે સ્થાયી સમિતિની બેઠક અને તે પૂર્વે મળેલી પક્ષની સંકલન સમિતિની બેઠકમાં ઉગ્ર શાબ્દિક ટપાટપી થઈ હતી. જેમાં કોન્ટ્રાકટરો દ્વારા કરવામાં આવેલી રીંગ અંગે ગંભીરતા દાખવા સ્થાયી સમિતિના સભ્યોએ તેને રીઈનવાઈટ કરવા પર ભાર મુક્યો હતો. ત્યારે ભાજપ પક્ષના નેતા અલ્પેશ લિમ્બાચીયા દ્વારા ટેન્ડર સ્થાયી સમિતિમાં આવે તે પહેલાં જ કોન્ટ્રાકટરો સાથે કરેલી મિટીંગ આજે ભાજપમાં ચર્ચાનો વિષય બની હતી. એટલું જ નહીં બેઠકમાં કોન્ટ્રાકટરોની બ્રીફ લઈને ફરતા હોય તેવો માહોલ ઉભો થતા નેતા તરીકેને તેમની ભૂમિકા સામે પણ પક્ષમાં સવાલો ઉઠ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરીને અલ્પેશ લિંમ્બાચીયાએ કોન્ટ્રાકટરો સાથે કરેલી બેઠકના વિડીયો ફરતા થતાં અનેક તર્કો વહેતા થયા છે.
પોતાને ડોન સમજતા દત્તુએ પાણીની ગ્રાંટ દબાણ પૂર્વક રોડમાં ફેરવી
કોર્પોરેશનમાં ધાર્યું કામ કરાવવા માટે હંમેશા શામ-દામ-દંડની નિતિ અપનાવી પોતાને કોન્ટ્રાકટરોના ડોન સમજતા દત્તુએ વડોદરા શહેરના નાગરિકોને તરસે મારી રસ્તાના ટેન્ડરો બહાર પાડવાનું ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું છે. શહેરમાં રસ્તાના કામો કરવા માટે કોઈ અલગ ગ્રાંટ નહીં હોવાથી ટેન્ડર બહાર પડી શકે તેમ નહતા. ત્યારે કોન્ટ્રાકટરોના ડોન બની ફરતા દત્તુએ વહીવટી તંત્રના અધિકારી પર દબાણ ઉભું કરી શહેરના પાણીની વ્યવસ્થા વધુ મજબુત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપનાની સ્માર્ટ સિટી યોજના હેઠળ ફાળવવામાં આવેલી રૃપિયા ૧૫૦ કરોડની ગ્રાંટ બારોબાર રોડના કામોમાં ફેરવી નખાવી હતી. ત્યારે આગામી દિવસોમાં વડોદરા શહેરની પાણીની વ્યવસ્થા ક્યા બજેટમાંથી કરવામાં આવશે તે એક મોટો સવાલ છે. ખાસ કરીને શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પીવાનું પાણી માંડ એક સમય આપી શકાય છે. જ્યાં પાણી આપવામાં આવે છે ત્યાં જમીનથી પાંચથી છ ફૂટ ઉંડા ખાડામાં આપવું પડે છે ત્યારે શહેરીજનોને પીવાનું પાણી આપવાની વ્યવસ્થા કરવાના બદલે એક કોન્ટ્રાકટરના કહેવાથી આટલી મોટી બેદરકારી ભર્યો ર્નિણય કરવા પાછળનો તર્ક પણ સમજાય તેમ નહીં હોવાનું સામે આવ્યું છે. આ મામલે હજી સુધી સ્થાયી સમિતિ કે ચૂંટાયેલી પાંખ પણ અજાણ હોવાનું કહેવાઈ રહ્યું છે.