રાજકોટ-
સાણંદ શહેરના ગુંદાવાડીમાં આવેલા રૂવાલા કોમ્પલેક્ષમાં રહેતા અને મેટોડા જીઆડીસીમાં આવેલી એક કંપનીમાં એન્જીનીયર તરીકે નોકરી કરતા સંજય ભગવાનભાઈ વાણીયા (ઉ.વ.ર૮) એ ફ્રેન્ડશીપ કલબમાં જાેડાવવાની લ્હાયમાં રૂા.૩.૪૪ લાખ ગુમાવ્યા હતા. તેની સાથે ઓનલાઈન છેતરપીંડી કરનાર સન્ની પંકજ પારેખ અને તેની બહેન નેહાને અમદાવાદ રૂરલની સાણંદ પોલીસે ઝડપી લીધા બાદ આજે બંને સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવાઈ હતી.
પોલીસને સંજયે જણાવ્યું કે ગઈ તા.૧૭-૬-ર૦ર૧ ના રોજ તેના મોબાઈલમાં ટેકસ્ટ મેસેજ આવ્યો હતો. જેમાં ફ્રેન્ડશીપ કરવા માટે અંક મોબાઈલ નંબર પર કોલ કરવા જણાવાયું હતું. જેથી તેણે તે નંબર ઉપર કોલ કરતા સામે છેડે રહેલી યુવતીએ પોતાનું નામ ધારા જણાવ્યું હતું. તેની સાથે ફ્રેન્ડશીપ માટે વાત કરતા તેને ફ્રેન્ડશીપ મેમ્બર બનવા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને આ માટેની રૂા.૨૪૦૦ ફી ભરવી પડશે તેમ કહી એક વોટસએપ નંબર ઉપરથી મેસેજ કર્યો હતો. જેથી તેણે તે નંબર ઉપર ઓનલાઈન રૂા.ર૪૦૦ ટ્રાન્સફર કરી દીધા હતા. થોડીવાર પછી ફરીથી ધારાએ કોલ કરી ફ્રેન્ડશીપ મેમ્બરનું આઈકાર્ડ બનાવવું પડશે તેમ કહી બીજાે એક મોબાઈલ નંબર આપી મયુર પટેલ સાથે વાત કરી લેવાનું કહેતા તેણે તે નંબર ઉપર વાત કરતા આઈકાર્ડ માટે રૂા.૨૧૫૦૦ ભરવાનું કહેવાતા તેણે સામે છેડે પોતાને મયુર તરીકે ઓળખાવનારે જે વોટસએપ નંબર ઉપરથી મેસેજ કર્યો હતો તે નંબર ઉપર પોતાના બેન્ક એકાઉન્ટમાંથી રૂા.૨૧૫૦૦ ટ્રાન્સફર કરી નાખ્યા હતા. આ રકમ જમા થયા બાદ મયુરે કહ્યું કે તમારૂ આઈકાર્ડ બની ગયું છે તમે ફ્રેન્ડશીપ માટે ભુમી જૈન સાથે વાત કરી લો. જેથી તેણે જે નંબર આપ્યા હતા તેની ઉપર કોલ કરી પોતાને ભુમી જૈન તરીકે ઓળખાવનાર યુવતી સાથે વાત કરતા તેણે ફ્રેન્ડશીપની ડીપોઝીટ માટે વધુ રૂા. ૫૦ હજાર ભરવાનું કહ્યું હતું. એટલુ જ નહી આ રકમ રીફંડ મળી જશે તેવી પણ ખાત્રી આપી મયુર સાથે વાત કરવાનું કહેતા તેણે ફરીથી તેની સાથે વાત કરી તેના કહ્યા મુજબ રૂા.પ૦ હજાર પણ ઓનલાઈન તેના ખાતામાં જમા કરાવી દીધા હતા. ત્યારબાદ તેણે ભુમી જૈન સાથે બે-ત્રણ દિવસ મોબાઈલ પર વાતચીત કરી હતી. તેણે રૂબરૂ મળવાનું કહેતા તે માટે ફરીથી મયુર સાથે વાત કરવાનું કહેતા આ માટે રૂા.૪૫૩૦૦ ની માંગણી કરાતા આ રકમ પણ તેણે ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધી હતી. આ પછી બે-ત્રણ દિવસ તેણે ભુમી જૈન સાથે વાત કરી બહારગામ ફરવા જવાનું કહેતા આ માટે અલગથી રકમની માંગણી કરી હતી. જે માંગણી મુજબ તેણે ફરીથી રૂા.૭૭૩૯૯ પોતાના મિત્ર પંકજ મકવાણા કે જે હુડકો ચોકડી પાસે રહે છે, તેની પાસેથી લઈ ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા. આ પછી તેને શંકા જતા મયુર અને ભુમી સાથે પૈસા રીફંડ માટે વાત કરતા બંનેએ તેને કહ્યું કે અમે તમને રીફંડ આપી દેશું પરંતુ આ માટે તમારે એક એગ્રીમેન્ટ કરવું પડશે. જેની માટે વધુ રૂા.૧.૪૮ લાખ ભરવા પડશે તેવી માંગણી કરતા તેણે સસરા પાસેથી આંગળીયા મારફત રકમ મંગાવી તે રકમ પણ ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધી હતી. આમ છતાં મયુરે જીએસટીના નામે વધુ રૂપીયા ભરવાનું કહેતા તેને શંકા ગઈ હતી. આખરે ગઈ તા.રપ ઓગષ્ટના રોજ સાણંદ પોલીસે તેની સાથે છેતરપીંડી કરનાર સન્ની અને નેહાને ઝડપી લીધાનું કહેતા આજે ફરીયાદ નોંધાવી હતી. આ બંને આરોપીઓનો હવે સાયબર ક્રાઈમ પોલીસ ટ્રાન્સફર વોરંટથી કબ્જાે લેશે. સાયબર ક્રાઈમ પોલીસ મથકના સુત્રોના જણાવ્યા પ્રમાણે ફરીયાદી સંજયને તો અત્યાર સુધી પોતાની સાથે ઓનલાઈન છેતરપીંડી થઈ રહ્યાની જાણ પણ ન હતી. તે આરોપીઓ કહે તે મુજબ તેમને નાણાં મોકલાવતો હતો. સાણંદ પોલીસે જયારે તેને જાણ કરી ત્યારે છેતરાઈ ગયાની ખબર પડી હતી