સુરત, ગોલ્ડ છોડાવવાનાં બહાને કાપોદ્રાનાં વેપારી પાસે ૨૩.૫૦ લાખ પડાવી ગયેલા ગઠિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. સરથાણા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર મોટા વરાછામાં નીલકંઠ હાઇટ્સ એપાર્ટમેન્ટમાં પુથ્વીરાજ ઘર્મેદ્રભાઇ પાંચાણી તેના પરિવાર સાથે રહે છે. પૃથ્વીરાજ યોગીચોક વિસ્તારના એપ્પલ સ્ક્વેયરમાં ઓફિસ રાખી રોયલ કોર્પોરેટ કન્સલ્ટન્સી નામથી સોના ચાંદીના ઘરેણાં ખરીદવા તેમજ લોન કરાવી આપવાનું કામ કરે છે. ધંધાકીય મિત્ર બ્રિજેશ કાપડિયા તેમના મિત્ર કિશન ધરમશી વઘાસિયાને લઇ પૃથ્વીરાજ પાસે આવ્યો હતો. ૨૯ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ પૃથ્વીરાજની ઓફિસે ગયેલા કિશને જણાવ્યું હતું કે, અમારા ૪૩૭ ગ્રામ સોના ઉપર સી.એસ.બી બેંકમાં ૨૩,૫૦,૦૦૦ ની લોન ચાલુ છે. આ ભરપાઇ કરી ગોલ્ડ છોડાવ્યા બાદ એ તમને આપી દઈશ. તમે તમારા રૂપિયા લઇ બીજા અમને આપી દેજો. સોદો સીધો લાગતા પૃથ્વીરાજે તેમના એકાઉન્ટમાંથી આરટીજીએસ કરી આ રકમ આપી હતી. એટલું જ નહીં તે કિશનને સાથે લઇ સિટીલાઇટ સાયન્સ સેન્ટર સામે આવેલી બેંકમાં ગોલ્ડ છોડાવવા ગયો હતો. બેંકમાં પહોંચ્યા બાદ કિશને હું ચેક તો ઘરે ભૂલી ગયો એમ કહ્યું હતું. કિશન વઘાસિયાએ ચેક મંગાવવાના બહાને ધ્યાન વર્માને કોલ કરતો રહ્યો હતો. જો કે ઘણાં સમય સુધી ધ્યાન નહીં આવતાં પૃથ્વીરાજને શંકા ગઈ અને પૈસા પરત માંગવા માંડ્યા હતાં. જો કે આ દરમિયાન કિશને એક વ્યક્તિને ત્યાં બોલાવ્યો હતો. એ વ્યક્તિને પૃથ્વીરાજે ચેક અંગે પૂછ્યું તો, તેણે મને ધ્યાન વર્માએ કિશનને કોઇ કામ છે એમ કહી મોકલ્યો હોવાની વાત કરી હતી. પૃથ્વીરાજ એ અજાણ્યા સાથે વાત કરી રહયો હતો એ દરમિયાન કિશન વઘાસિયા બેન્કમાંથી ગાયબ થઇ ગયો હતો. આ વાત ધ્યાને આવતાં પૃથ્વીરાજ કિશનને શોધવા ગયો એટલામાં એ અજાણ્યો વ્યક્તિ પણ ફરાર થઇ ગયો હતો. પૃથ્વીરાજે સીએસબી બેંકનાં કિશનનાં એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા એ ૨૩.૫૦ લાખ ફ્રિજ કરવા પ્રોસીજર કરી પરંતુ એ પહેલા તેણે એ રકમમાંથી ૨૩ લાખ રૂપિયા નેહાબેન રૂષિકેશ વર્માના સુરત નેશનલ કો.ઓ.બેંક, કાપોદ્રા શાખાના એકાઉન્ટમાં આર.ટી.જી.એસ થી ટ્રાન્સફર કરી દીધા હતા. આ રીતે ચીટિંગ કરનારા કિશન સામે પૃથ્વીરાજે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.