કોરોના સામેના જંગમાંજનશક્તિના સમર્થનથી મોટી તાકાત મળી: કેન્દ્રીય ગૃહમંત્રી

ગાંધીનગર-

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન દ્વારા એક લાખ કોરોના વોરિયર્સને કીટ પહોંચાડવાના જન અભિયાન "કોરોના સેવાયજ્ઞ"ના સમાપન પ્રસંગે યોજાયેલાં "ધન્યવાદ જ્ઞાપન સમારોહ"માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સેવાયજ્ઞમાં સહયોગ આપનારા દાતાઓનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના સામેના જંગમાં 130 કરોડ દેશવાસીઓની જનશક્તિના સમર્થનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને મોટી તાકાત મળી છે. આ સેવાયજ્ઞનું સમાપન એ અલ્પ વિરામ છે, તેમ જણાવી શાહે જનસેવાનો યજ્ઞ નિરંતર ચાલુ રહે તેવો અનુરોધ પણ કર્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નિરંતર જનસેવાના ભાગરૂપે યુવાનો સો ટકા રસીકરણના કેન્દ્ર સરકારના લક્ષ્યાંકને સિદ્ધ કરવા પુરુષાર્થ કરે, કારણ કે સો ટકા રસીકરણ જ કોરોનાને નાથવાનું અસરકારક શસ્ત્ર છે. તેમણે દિવાળીના તહેવારો સુધી દેશભરના ગરીબ-જરૂરતમંદ લોકોને નિ:શુલ્ક પાંચ કિલો અનાજ આપવાની યોજનાને જન-જન સુધી પહોંચાડવા યુવાનોને અનુરોધ પણ કર્યો હતો. તેમજ આ સેવાયજ્ઞમાં સહયોગ આપનારા દાતાઓને ધન્યવાદ પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ કોરોના સામેના જંગમાં રાજભવનને પ્રેરિત થવાની પ્રેરણા આપી હતી, જે અંગે ગુજરાત રાજભવને "કોરોના સેવાયજ્ઞ" દ્વારા સેવાનું જન અભિયાન હાથ ધર્યું. આ અભિયાન અંતર્ગત એક લાખ ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ સુધી જીવન જરૂરી ચીજ-વસ્તુઓ પહોંચાડીને પ્રેરણારૂપ કાર્ય કર્યું છે. રાજ્યના પ્રત્યેક જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સહેલાઈથી પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસોની પણ તેમણે માહિતી આપી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સેવાયજ્ઞને ઉદાહરણરૂપ કાર્ય ગણાવી આ અભિયાન સાથે જોડાયેલાં સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કોરોના સેવાયજ્ઞ અભિયાનમાં સહયોગી એવી યુવા અનસ્ટોપેબલ સંસ્થાના સ્થાપક અમિતાભ શાહે સંસ્થા દ્વારા સેવાના કાર્યો અવિરત ચાલુ રખાશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે કોરોના સેવાયજ્ઞમાં સહયોગ આપનારા સૌ દાતાઓનું પ્રશસ્તિપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution