મુંબઈ
૨૦૨૩-૨૪ની (ઓકટોબર-સપ્ટેમ્બર) મોસમમાં ટેકાના ભાવે ચોખાની ખરીદી ૩૦ એપ્રિલ સુધીમાં વાર્ષિક ધોરણે ૬ ટકા જેટલી નીચી જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળમાં ખરીદી નીચી રહેતા એકંદર ખરીદી નીચી જોવા મળી રહી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
૩૦ એપ્રિલ સુધીમાં કુલ ૪.૭૦ કરોડ ટન ચોખાની ખરીદી પાર પડી હતી જે ગઈ મોસમના આ ગાળા સુધીમાં ૪.૯૮ કરોડ ટન રહી હતી.
ચોખાના મુખ્ય ઉત્પાદક રાજ્ય પશ્ચિમ બંગાળમાં ખરીદીમાં ૩૮ ટકા ઘટ જોવા મળી છે. જેની એકંદર ખરીદી પર અસર પડી છે. કલ્યાણકારી કાર્યક્રમો હેઠળ પૂરવઠો કરવા માટે સરકારને વર્ષે અંદાજે ચાર કરોડ ટન ચોખાની આવશ્યકતા રહેતી હોય છે. મોસમના અંત સુધીમાં ખરીદીનો આંક પાંચ કરોડ ટન પહોંચવા અંદાજ છે.
વર્તમાન વર્ષે જો કે ૬.૨૦ કરોડ ટનની ખરીદીનો ટાર્ગેટ છે. ગઈવેળાની મોસમમાં કુલ ખરીદીનો આંક ૫.૬૮ કરોડ ટન રહ્યો હતો.
જાહેર વિતરણ પદ્ધતિ હેઠળ ઘઉંની ફાળવણી પ્રસ્થાપિત કરાશે તો ચોખાની માગમાં ઘટાડો જોવા મળવા સંભવ છે. ૨૦૨૦માં ઘઉંની ફાળવણી પર કાપ મુકાયો હતો એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
આવતા મહિને ઘઉંની ખરીદી સમાપ્ત થઈ ગયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે એમ તેમણે ઉમેર્યું હતું.