ક્રિકેટની ઘેલછામાં અન્ય રમતોના ગળે ટૂંપો

ભારતમાં ભગવાન બાદ જેના નામનો ચારેકોર જયજયકાર થતો હોય તો એ ક્રિકેટર છે. ભારતમાં ક્રિકેટ પ્રત્યે લોકોને એટલી બધી ઘેલછા છે કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, કોઈ પણ ક્રિકેટ અને ક્રિકેટરોને ઘૂંટણિયે પડે છે અને તેઓના શિરે જંગી રકમનો અભિષેક કરીને જાણે ભગવાનને પ્રસન્ન કરતા હોય એવી ધન્યતા અનુભવે છે. તેમની આ નીતિરીતિનો વિરોધ નથી. ક્રિકેટરોને કરોડો રૂપિયા મળે તેનો પણ વિરોધ નથી. પરંતુ ક્રિકેટ સિવાયની અન્ય રમતોના ગળે ટૂંપો દેવાઈ રહ્યો છે. અન્ય રમતોના ખેલાડી વર્ષોની આકરી મહેનત બાદ પણ તેઓને યોગ્ય રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવતા નથી. તેમની નોંધ લેવામાં આવતી નથી. તેમને ક્રિકેટરો જેવો માનમરતબો પણ આપવામાં આવતો નથી. તાજેતરમાં જ ટી-૨૦ વિશ્વકપ જે અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો તેમાં વિશ્વ ચેમ્પિયન બનનાર ભારતીય ટીમ પાછળ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને બીસીસીઆઈ ઓળઘોળ થઈ ગઈ હતી.

 વિજયી બન્યા કે તરત જ બીસીસીઆઇના દ્વારા જંગી ઇનામી રકમની જાહેરાત કરવામાં આવી હતી કે વિજેતા ટીમને રૂપિયા ૧૨૫ કરોડના રોકડ ઈનામો આપવામાં આવશે. આ ઈનામો માત્ર વિજેતા ટીમ માટે નથી. પરંતુ ૧૫ ખેલાડીઓની આખી ટીમ જે વિશ્વ કપ માટે પસંદ થઈ હતી તેમને દરેકને આ ઇનામી રોકડ અપાશે. મેદાન પર ૧૧ ખેલાડી રમતા હોય છે જે દરેકને ૫.૫ કરોડ રૂપિયાનું રોકડ ઈનામ તો અપાશે જ, તે સાથે બારમો ખેલાડીને પણ આટલી જ રકમ આપવામાં આવશે. સૌથી વધુ અચરજની વાત એ છે કે ૧૫ ખેલાડીઓમાં બાકીના ત્રણ ખેલાડીઓ કે જેઓ એક પણ મેચમાં રમ્યા નથી, અને બારમા ખેલાડી તરીકે પણ જેમનું નામ આવ્યું નથી તેઓને પણ રોકડ પુરસ્કાર આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. સંજુ સેમસંગ,યશસ્વી જયસ્વાલ અને યુજવેન્દ્ર ચહલ એવા ખેલાડીઓ છે કે જેઓ એક પણ મેચ રમ્યા નથી છતાં અન્ય વિજેતા ખેલાડીઓની જેમ તેઓને પણ રૂપિયા પાંચ પાંચ કરોડનું રોકડ ઇનામ આપવાની જાહેરાત થઈ. જરા કલ્પના કરો કે માત્ર ૧૫ની ટીમમાં સામેલ થવાથી રૂપિયા પાંચ કરોડની રકમ મળે છે.

 જ્યારે ક્રિકેટમાં ભારત પ્રથમવાર વિશ્વકપ ચેમ્પિયન બન્યું ત્યારે સુનિલ વોલસન નામનો એક ખેલાડી એવો હતો કે જે એ વિશ્વકપની એક પણ મેચમાં રમ્યો નહતો. છતાં અન્ય ખેલાડીઓને એ સમયે જેટલી રકમ આપવામાં આવી હતી એટલી જ રકમ સુનિલ વોલસનને આપવામાં આવી હતી. વર્ષોપછી આજે પણ આ જ પરંપરાને અનુસરવામાં આવે છે અને ક્રિકેટરો પર કરોડો રૂપિયાનો વરસાદ કરવામાં આવે છે. ટી-૨૦ વિશ્વકપ વિજેતા ટીમના કોચ રાહુલ દ્રવિડ હતા તેમને પણ રૂપિયા પાંચ કરોડ આપવાની ઘોષણા થઈ હતી.

 મજાની વાત તો એ છે કે ટી-૨૦ વિશ્વ વિજેતા ભારતીય ટીમ સાથે રિઝર્વ પ્લેયર તરીકે રીન્કુ સિંહ, શુભમનગીલ,આવેસખાન અને ખલીલ અહેમદ પણ ગયા હતા તેઓને પણ રૂપિયા એક-એક કરોડ મળ્યા. નોંધવા જેવી વાત તો એ છે કે શુભમન ગીલ અને આવેશખાન અમેરિકામાં યોજાયેલ લીગ રાઉન્ડ જેમાં ભારતે ત્રણ મેચ રમી હતી તે રમાયા બાદ તુરત જ ભારત પરત ફરી ગયા હતા.

આ વિશ્વકપમાં ભાગ લેવા ગયેલ ભારતીય ટીમના સપોર્ટિંગ સ્ટાફ સહિત કુલ ૪૨ લોકો જાેડાયેલા હતાં. દરેકને રોકડ ઇનામ આપવામાં આવ્યું છે અને તે પણ રૂપિયા એક કરોડથી ઓછું નથી. આ ઉપરાંત ભારત પરત ફરેલ ટીમને વડાપ્રધાન દ્વારા ટી પાર્ટી માટે બોલાવવામાં આવી હતી અને દરેક ખેલાડીને વડાપ્રધાને વ્યક્તિગત મળી અભિનંદન આપ્યા હતા. ટીમમાં મહારાષ્ટ્રના જે ખેલાડીઓ હતા તેઓનું સન્માન મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેઓને રૂપિયા ૧૧ કરોડના ઇનામની જાહેરાત પણ કરવામાં આવી હતી. ટૂંકમાં બીજી રીતે કહીએ તો ભારતીય ટીમના લિસ્ટ પર જે નામ હતા એ બધાને ઓછામાં ઓછા રૂપિયા એક કરોડના ઇનામથી સન્માનિત કરવામાં આવ્યા છે તેઓને આ રકમ મળે તે અતિશયોક્તિ છે એવું આપણે ન માનીએ, તો પણ તેઓની સરખામણી ભારતના અન્ય રમતોના સ્ટાર ખેલાડીને કેન્દ્ર અને રાજ્ય સરકાર અને તેમના એસોસિએશન દ્વારા ઠેંગો બતાવવામાં આવ્યો છે તે અફસોસજનક છે.

આ કારણે અન્ય રમતોના ખેલાડીઓમાં ભરપૂર રોષ પણ છે. ભારતના બેડમિન્ટનના સુપરસ્ટાર ખેલાડી ગણાતા ચિરાગ શેટ્ટીએ જાહેરમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ક્રિકેટરોને જે રોકડ આપવામાં આવે તેનો અમારે કોઈ વિરોધ નથી, પરંતુ અન્ય રમતોના ખેલાડીઓ સાથે જે ઉપેક્ષાનું વલણ રાખવામાં આવે છે તે ચલાવી લેવાય નહીં. તેને પોતાનો દાખલો આપતા જણાવ્યું હતું કે બેડમિન્ટનમાં ભારતીય ટીમ વિશ્વ કપમાં એટલે કે વિશ્વ કપ સમકક્ષ ગણાતી થોમસ કપમાં અગાઉ સેમિફાઇનલ સુધી પણ પહોંચી શકી નહતી. જ્યારે તે બાદ થોમસ કપ જીતનાર ટીમનો તે પોતે એક મહત્વનો સભ્ય હતો એટલે કે થોમસ કપ જીતીને ભારતીય બેડમિન્ટન ખેલાડીઓએ વિશ્વ ચેમ્પિયન સમકક્ષ સિદ્ધિ મેળવી હતી છતાં તેમની નોંધ કોઈએ લીધી ન હતી કે ના કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે કોઈ ઇનામની જાહેરાત કરી હતી. અર,ે રોકડની તો વાત બાજુએ રહી, પરંતુ કોઈનું પણ સન્માન સુદ્ધાં કરવામાં આવ્યું નહતું.

ચિરાગ શેટ્ટીની આ વાત સો ટકા ગળે ઉતરે એવી છે. કારણકે અન્ય રમતો જેમ કે ભાલાફેંક જેમાં નીરજ ચોપરાએ વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો તેની ફક્ત નોંધ લેવામાં આવી હતી, પરંતુ તેને કોઈ માતબર રકમની ભેટ આપવામાં આવી નહતી. એ જ રીતે રનીંગમાં અને હોકીમાં પણ ભારતીય ખેલાડીઓએ વિશ્વકક્ષાએ ખૂબ સારો દેખાવ કર્યો હોવા છતાં તેઓને કોઈ ખાસ રોકડ રકમ ઇનામ તરીકે આપવામાં આવી નહતી. ભારતીય પહેલવાનો આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું નામ રોશન કરે છે અને ભારતનો ડંકો વગાડે છે તેઓની પણ સંપૂર્ણપણે ઉપેક્ષા કરવામાં આવી છે. તેઓને તેમના એસોસિએશન, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર તરફથી કોઈ ખાસ ઇનામી રકમ આપવામાં આવી નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution