રાજપીપળા-
રાજપીપળા શહેરમાં છેલ્લા બે મહિનામાં 40 જેટવા ડેન્ગ્યુના પોઝિટિવ કેસો સામે આવતા લોકોમાં ફફડાટ મચ્યો છે તો બીજી બાજુ આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે.રાજપીપળા શહેરના તમામ ખાનગી દવાખાનાઓમાં હાલ શરદી, ખાંસી અને તાવના દર્દીઓ સારવાર મારે આવી રહ્યાં છે ત્યારે કોરોના સંક્રમણ ઓછું થતા ડેંગ્યુ જેવા રોગે ફરી પાછુ માથું ઉચકયું છે.
રાજપીપળા શહેરમાં ડેંગ્યુના કેસો સામે આવતા આરોગ્ય વિભાગે સર્વે સહિતની કામગીરી શરૂ કરી છે.હાલ ચોમાસાની સિઝનમા મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોએ માથું ઊંચક્યું છે જેમાં રાજપીપળા શહેરમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અંદાજે 40 જેટલા ડેન્ગ્યુના પોઝિટિવ કેસો નોંધાયા હોય આરોગ્ય વિભાગની ટિમો જે તે વિસ્તરાઓમાં સર્વેની કામગીરી કરી રહી છે.જોકે ખાસ ફોગીંગની તાતી જરૂરિયાત હોય પરંતુ આરોગ્ય વિભાગ પાસે ફોગીંગ મશીનો બગડેલા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.હાલ આરોગ્ય વિભાગે રાજપીપળા નગરપાલિકાને લેખિત જાણ કરી પાલીકાના મશીનો દ્વારા ફોગીંગ કરવા જણાવ્યું છે.હવે રાજપીપળા શહેરમાં ફોગીંગની કામગીરી ક્યારે થશે એ જોવું રહ્યું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ રીતે સીઝનમાંજ આરોગ્ય વિભાગના ફોગીંગ મશીનો બગડ્યા હતા ત્યારે સિઝન પહેલા એ કેમ રીપેર ના કરાયા કે નવા મશીનોનું આયોજન કરવામાં આવ્યું નહિ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે.જો કે આ બાબતે રાજપીપળા પાલિકાના મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયાએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ માંથી ફોગીંગ મશીન માટે લેટર આવ્યો હતો અમારા દ્વારા ફોગીંગની કામગીરી ચાલુ જ છે.