સુરત-
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાના ભાઈ મેહુલ વાવલિયા સામે એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સુરતના વોર્ડ નંબર 4 કાપોદ્રાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાના ભાઈ મેહુલ વાવલિયા પર મહિલાએ ગંભીર આરોપ લગાવ્યા છે. છૂટાછેડા લઈ ચૂકેલી 35 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ નોંધાતા તેની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મહિલાએ વિરોધ કરતા આરોપીએ તેને ઢોર માર માર્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. મળતી માહિતી મુજબ 35 વર્ષીય પીડિતા સુરતમાં રહે છે. ઘરે સાડી પર ડાયમંડ ચોંટાડવાનું કામ કરતી પીડિતાના છૂટાછેડા થઈ ગયા છે. પીડિતાના ભાઈ હાલમાં જ કાર ડ્રાઈવિંગ શીખ્યો હતો. પીડિતાને પણ કાર ડ્રાઈવિંગ શીખવું હતું, જેથી તે ભાઈના ઓળખાણથી કાપોદ્રા ખાતે આવેલા શિવ મોટર ડ્રાઈવિંંગમાં ડ્રાઈવિંગ ક્લાસિસ કરવા ગઈ હતી. આરોપી મેહુલ છગન વાવલિયા તેણે કાર ડ્રાઈવિંગ શીખવા આવતો હતો. આરોપી મેહુલે પીડિતાને જણાવ્યું હતું કે, ટેસ્ટ લાઇસન્સ માટે તેને નવસારી ખાતે જવાનું રહેશે. આરોપી મેહુલે બીયર પીને પીડિતા સાથે દુષ્કર્મ કર્યું હતું. જોકે, પીડિતાએ વિરોધ કરતા તેને ઢોર માર માર્યો હોવાનો પણ તેણે આક્ષેપ કર્યો હતો. પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે, આ ઘટના દરમિયાન તેણે ભાગવાની પણ ન કોશિશ કરી હતી, પરંતુ તે સમગ્ર વિસ્તારથી અજાણ હતી. ઘટના બાદ તે પહેલા ઘરે ગઈ અને ત્યારપછી સ્મિમેર હોસ્પિટલ ગઈ હતી. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. કાપોદ્રા પોલીસે આરોપી મેહુલ સામે દુષ્કર્મ, માર મારવાની કલમ સહિત એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે તેની ધરપકડ પણ કરી લીધી છે.