સુરત-
સુરત પોલીસ ફરી વિવાદમાં આવી છે. સાંજ પડતા જ કેટલાક કર્મીઓ ટમ્પા ચાલકો પાસેથી પૈસા ઉઘરાવતા હોવાની ફરિયાદો સામે આવતી રહે છે. આ અંગેનો વધુ એક બનાવ સામે આવ્યો છે. સુરતના એએસઆઈ એક ટેમ્પા ચાલક પાસેથી ૨૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. આ અંગેનો વીડિયો વાયરલ થયા બાદ સુરત પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જોકે, આ પ્રથમ વખત નથી જ્યારે સુરતમાંથી આવો વીડિયો વાયરલ થયો છે. આ પહેલા પણ લાંચ માંગવાના વીડિયો વહેતા થઈ ચૂક્યા છે.
સુરત પોલીસ આમ તો ગુનાખોરી ઉકેલવામાં છેલ્લા એક અઠવડિયામાં લોકોની વાહવાહી મેળવી રહી છે. ત્યારે આ જ પોલીસના કેટલાક જવાનો પોલીસનું નામ બગાડી રહ્યા છે. કેટલાક પોલીસ કર્મચારી પોતાની પાસે રહેલા ખાખી વર્દીના પાવરના જોરે લોકોને રંજાડતા હોવાની સતત ફરિયાદ આવી રહી છે. સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ ધર્મરાજ સાંજ પડતાની સાથે પોલીસ સ્ટેશનની બહાર આવેલા ઓવર બ્રિજ નીચે બેસી જાય છે. જે બાદમાં ત્યાંથી પસાર થતા ટેમ્પાઓને અટકાવી પીયુસીની માંગણી કરે છે. જો ટેમ્પા ચાલક પાસે પીયુસી ન હોય તો તેમની પાસે દંડના ૫૦૦ રૂપિયાની માંગણી કરે છે. ત્યાર બાદ પતાવટ માટે રૂપિયા ૨૦૦ની માંગણી કરે છે.
આમ કરીને તેઓ દંડની રકમ સરકારમાં જમા કરવાને બદલે પોતાના ખિસ્સામાં મૂકે છે. આવા જ એક ટેમ્પો ચાલકને તેઓએ અટકાવ્યો હતો અને દંડની રકમ પેટે ૫૦૦ રૂપિયાની માંગણી કરી હતી. જે બાદમાં કેસ પતાવવા માટે ૨૦૦ રૂપિયાની માંગણી કરી હતી. આ સમયે ટેમ્પા ચાલકે વીડિયો બનાવી લીધો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. આ વીડિયો વાયરલ થતાં જ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.