સુરત અને ઉકાઈમાં ઉપરવાસ સહિત વરસાદે વિરામ લેતા ડેમના દરવાજા બંધ કરાયા

સુરત-


સુરત જિલ્લામાં વરસાદનું જોર ઘટતા આજે લાંબા સમય બાદ ઉઘાડ નીકળ્યો હતો. ઉઘાડ નીકળતાની સાથે જ જનજીવન રાબેતા મુજબ થયું હતું. ઉપરાંત તાપી નદીના જળસ્તરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ઉકાઈના ઉપરવાસમાં પણ વરસાદનો વિરામ થતાં ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરી દેવાયું હતું.

શહેર તથા જિલ્લામાં વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ત્યારે સતત વીસેક દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે મેઘરાજાએ વિરામ લેતાં આકાશમાં સુર્યનારાયણના દર્શન થયા હતા. તો સાથે જ જનજીવનની ગાડી પણ પાટા પર આવી છે. 

શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલાં પાણીના કારણે ગંદકીએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. વિતેલા 48 કલાકથી સુરત સહિત તાપી નદીના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદનું જોર નરમ પડતા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતા ડેમનાં તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution