આણંદ, સોજીત્રા નગરપાલિકાના ત્રણેક વિસ્તારોમાં છેલ્લા પાંચેક દિવસથી ઝાડા-ઉલ્ટીનો વાવર એકાએક વર્કયો છે. જેના કારણે સોજીત્રા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સીસી પટેલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. રોગચાળો વકરવા પાછળનું કારણ પાણીજન્ય હોવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી હતી. દર્દીઓની સારવાર કરનાર આરોગ્ય કેન્દ્રના તબીબે પણ પાણીના કારણે બિમારી હોય તેવા મોટાભાગના કેસોમાં જાેવા મળ્યું હોવાનું અને સંભવિત પાણીની લાઇનમાં ગટર કે અન્ય કચરો ભળી ગયાની સંભાવના વ્યકત કરી હતી. જાણવા મળતી વિગતોમાં સોજીત્રામાં તળાવની નજીકમાં વર્ષો પૂર્વ પાણીના બે કૂવા બનાવવામાં આવ્યા હતા. જેમાંથી સમ્પ દ્વારા પાણીને ટાંકી, શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાર બોરકુવાઓમાં પહોચાડવામાં આવે છે. પરંતુ કુવામાંના પાણીનું પૂરતા પ્રમાણમાં કલોરીનેશન ન થવાના કારણે કાળઝાળ ગરમીમાં ઝાડા-ઉલ્ટીનો વાવર વર્કયાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ પૂર્વ કાઉન્સિલરોએ સોજીત્રાના ચોકડી વિસ્તારમાં ગટરો ઉભરાતી હોવાની રજૂઆત કરવા છતાં પાલિકા દ્વારા સત્વરે કામગીરી હાથ ધરી ન હતી. ઉભરાતી ગટરો પૈકી પાણીની લાઇન સાથે મીકસ થઇ જવાથી ઝાડા-ઉલ્ટીનો રોગચાળો વકર્યાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. શહેરના ખારાકુવા, તળપદાવાસ સહિતના વિસ્તારોમાં ઝાડા-ઉલ્ટીનો વાવર વકરતા અંદાજે ૧૫૦ જેટલા લોકોને પીએચસી અને ખાનગી દવાખાનામાં દાખલ કરીને સારવાર લેવાની ફરજ પડી હતી. રોગચાળાને નાથવા આરોગ્ય વિભાગ દ્વારા ૧૦ ટીમો બનાવીને ટેબલેટ-કલોરીનના વિતરણ સાથે તબીબો દ્વારા આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું અને અંદાજે પ૮ દર્દી હોવાનું પાલિકાના વહીવટદારે જણાવ્યુ હતું.
પાલિકાએ કલોરીનેશન સહિતના મામલે આરોગ્ય વિભાગને નોટિસ આપી
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના એપેડેમિક ઓફિસર ડો.રાજેશ પટેલ સહિતની ટીમે આજે સોજીત્રા શહેરમાં પાણી સપ્લાય કરનાર કુવા, બોરકુવા સહિતના જળસ્ત્રોતનું નિરીક્ષણ કર્યુ હતું. ત્યારબાદ પાણીના અપૂરતા કલોરિનેશનના કારણે પાણીજન્ય રોગચાળો વકરતો હોવા અંગે સોજીત્રા પાલિકાને નોટિસ આપવામાં આવી હતી. ડો.રાજેશ પટેલે જણાવ્યું હતું કે, બોરમાંથી સીધા પાણી સપ્લાયના બદલે કલોરીનેશન પ્લાન્ટ તૈયાર કરીને તેમાંથી પાણીનું વહન કરવા પાલિકાને જણાવાયું છે. ઉપરાંત ત્રંબોવાડથી પાણી પુરવઠાની લાઇન દ્વારા પાણી શહેરમાં આવે છે. આ લાઇનમાં કદાચ લીકેજ હોઇ શકેની સંભાવનાના પગલે તેનું ચેકીંગ કરાવવા પણ જણાવાયું છે.