સનાતન ધર્મમાં શ્રદ્ધાથી પિતૃઓને તર્પણ કરવું એટલે ‘શ્રાદ્ધ’! અને ભાદરવા મહિનામાં સોળ દિવસ સુધી ઉજવાતો શ્રાદ્ધનો સમૂહ એટલે ‘શ્રાદ્ધ પક્ષ’! આ શ્રાદ્ધ પક્ષના દિવસોને પિતૃતર્પણના દિવસો પણ કહે છે. શ્રાદ્ધ પક્ષ ભાદરવી પૂનમથી શરૂ થાય છે અને ભાદરવી અમાસ એ પૂર્ણ થાય છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં એવું કહેવાયું છે કે
आयुःप्रजांधनंचविद्यांस्वर्गंमोक्षंसुखानीच।
प्रयच्छन्तितथाराज्यंपितरःश्राद्धतर्पिता।।
અર્થાત શ્રાદ્ધ અર્પણથી પ્રસન્ન પિતૃ આયુષ્ય, સંતતિ, વિદ્યા, સ્વર્ગ, મોક્ષ જેવા સુખો અને રાજ્ય આપે છે.
સામાન્ય રીતે એવી માન્યતા છે કે મૃત્યુ પછી આત્મા પિતૃ લોકમાં જાય છે. જેના દ્વાર શ્રાદ્ધ પક્ષ દરમિયાન ખૂલે છે. ત્યારે તે આત્મા પોતાની અતૃપ્ત ઇચ્છાઓ પૂર્ણ કરવા પોતાના પરિવાર ને પ્રિયજનો પાસે આવે છે. એટલે શ્રાદ્ધમાં પિતૃઓને યાદ કરીને ભોજન અને દાન પુણ્ય કરવામાં આવે છે.
ભાદરવી પૂનમથી શ્રાદ્ધ શરૂ થાય છે. પૂનમનું શ્રાદ્ધ એ સૌ ઋષિઓને અર્પિત હોય છે એટલે એને ઋષિ શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રતિપદાથી પિતૃઓના શ્રાદ્ધ શરૂ થાય છે. શ્રાદ્ધના બે પ્રકાર હોય છે. કોઈ એક વ્યક્તિને ઉદ્દેશીને કરાતો શ્રાદ્ધ ‘એકોદિષ્ટ શ્રાદ્ધ’ કહેવાય અને ત્રણ પેઢીના પિતૃઓને ઉદ્દેશીને કરાતા શ્રાદ્ધને ‘પાર્વણ શ્રાદ્ધ’ કહેવાય. શાસ્ત્રોમાં ત્રણ પેઢી સુધીના પિતૃઓ માટે શ્રાદ્ધ કરવાનું વિધાન છે. વ્યક્તિનું જે તિથિએ મૃત્યુ થયું હોય, શ્રાદ્ધ પક્ષની એ જ તિથિમાં એમના માટે શ્રાદ્ધ કરાવાય છે. જ્યારે કોઈને પિતૃની મરણ તિથિ વિષે ખ્યાલ ન હોય ત્યારે અથવા જાણ-અજાણ કોઈ પણ પિતૃને શ્રાદ્ધ અર્પિત કરવો હોય ત્યારે ભાદરવી અમાસે અર્પણ કરી શકાય. માટે જ ભાદરવી અમાસને ‘સર્વપિતૃઅમાસ’ પણ કહેવાય છે.
માન્યતા પ્રમાણે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ ગાય, કાગડા અને કૂતરાના સ્વરૂપે ઘરે પધારે છે. માટે દરેક પરિવારમાં સૌથી પહેલા એમને ભોજન પીરસવાની પ્રથા હોય છે. કાગડાઓ માટે ખાસ દક્ષિણ દિશામાં ‘કાગવાસ’ અપાય છે. તો ગાયની પૂજા કરી અને થાળ જમાડવામાં આવે છે. તથા કુતરાઓ માટે પણ ભોજન અપાય છે. આ ઉપરાંત મૃત વ્યક્તિને ઉદ્દેશીને સ્ત્રી, પુરુષ, વડીલ, યુવાન, કુમારી,બાળક કે દંપતીને જમાડવામાં આવે છે. ભોજનમાં દૂધ અને ખીર-પૂરી બનાવવાનું વિશેષ મહત્વ છે. તેમજ પુરુષોને દાનમાં ધોતિયું, ઉપવસ્ત્ર કે અન્ય વસ્ત્રો અને સ્ત્રીઓ કે કુમારિકાને સાડી, ડ્રેસ, ચાંદલો, ચૂડી અને શણગારના દાન અપાય છે.
શ્રાદ્ધ પક્ષમાં રોજ દક્ષિણ દિશાએ અથવા પાણિયારે દીવો કરવાનું પણ વિશેષ મહત્વ છે. કારણ કે દક્ષિણ દિશા એ યમ અને પિતૃઓની દિશા છે. ત્યાં દીવો કરવાથી તેમને મુક્તિ મળે છે. આ ઉપરાંત રોજ ગાયને ચારો નાખવાની અને તેમની પૂંછડીએ પાણી રેડવાની પ્રથા પણ જાેવા મળે છે. આ દિવસોમાં લોકો શિવ મંદિરે દૂધ ચડાવવા અને સીધો આપવાનો આગ્રહ પણ રાખે છે. પીપળે પાણી આપવા અને કીડીઓને અન્ન આપવા તેમજ પક્ષીઓને ચણ અને માછલી ને લોટ આપી પોતાના પિતૃઓને શ્રદ્ધા અર્પિત કરે છે.
શ્રાદ્ધમાં જ્યારે બીજું કંઈ કરવાની સગવડ ન હોય ત્યારે પિતૃઓની મુક્તિ માટે સૌથી સરળ ઉપાય છે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’! પિતૃઓને યાદ કરીને જાે ભગવદ્ ગીતાનું વાંચન કરવામાં આવે તો પણ તેમને મોક્ષ મળે છે. ભગવદ્ ગીતાના વિશેષતઃ પંદરમા અધ્યાય ‘પુરુષોત્તમ યોગ’ કે બારમા અધ્યાય ‘ભક્તિ યોગ’ના પઠનનું વિશેષ મહત્વ છે. શ્રાદ્ધપક્ષમાં ફક્ત ગીતાપઠનથી પણ પિતૃઓને સદગતિ મળી રહે છે.
શ્રાદ્ધનું મહત્વ અને મહિમા યુગોથી ચાલતી આવે છે. શ્રાદ્ધની વિધિ સૌ પ્રથમ બ્રહ્માએ જણાવી હતી. શ્રાદ્ધને લગતી કથાઓ આપણા પુરાણોમાં પણ જાેવા મળે છે. જાે રામાયણની વાત કરીએ તો ભગવાન રામે તેમના પિતા રાજા દશરથનું શ્રાદ્ધ કર્યું હતું. એ કથા પ્રચલિત છે. મહાભારતમાં એક તરફ અનુશાસન પર્વમાં અત્રિ ઋષિની સલાહ અનુસાર ઋષિ નિમિએ શ્રાદ્ધ કર્યું હતું એવી કથા જાેવા મળે છે. તો બીજી તરફ જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધમાં એક ક્ષણ એવો આવે છે જયારે માતા કુંતી વ્યથિત થઈ ને પાંડવોને કર્ણનું સત્ય જણાવે છે. ત્યારે કર્ણ કોઈ અજાણ નહીં, પરંતુ તેમનો જ મોટો ભાઈ અને સૂતપુત્ર નહીં પરંતુ સૂર્યપુત્ર છે એ રહસ્ય ઊજાગર થાય છે. યુદ્ધને અંતે ભગવાન કૃષ્ણ સૌ પાંડવો અને કૌરવો વતી યુધિષ્ઠિરને જ સૌ મૃતકોનું શ્રાદ્ધ કરવા કહે છે. ત્યારે તેમણે કર્ણનું પણ શ્રાદ્ધ કર્યું એવી ઘટના જાેવા મળે છે.