પાલનપુર : સાટા પદ્ધતિમાં લગ્ન કર્યા બાદ સંસારમાં ઝડઘો થતાં પાલનપુરના બે દંપતી સાત વર્ષથી એકબીજાથી વિખૂટા પડ્યા હતા. જાેકે, પાલનપુર મહિલા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરની ટીમે તેમને સમજાવી તેમના ઘરનો માળો વિખેરાતો બચાવી લીધો હતો.
કેટલાક સમાજાેમાં હજુ સાટા પદ્ધતિથી લગ્ન કરવાનો રિવાજ અમલમાં છે. જેમાં પરિવારના પુત્રને સામે જે યુવતી સાથે પરણાવવામાં આવે તે પરિવારના યુવકના લગ્ન પોતાની દીકરી સાથે કરવામાં આવે છે. આ રિવાજને પરિણામે એક પરિવારમાં ઘર કંકાસ થાય તો સામેના દંપતીને પણ ભોગવવાનો વારો આવે છે. આવો જ કિસ્સો પાલનપુર નજીકના ગામમાં સામે આવ્યો છે.
આ અંગે પાલનપુર મહિલા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર જીગીશાબહેને જણાવ્યું હતું કે, પાલનપુર નજીકના બે ગામોમાં રાજના લગ્ન ઉર્મિલા અને રાજની બહેન સંગીતાના લગ્ન ઉર્મિલાના ભાઇ મિતેશ સાથે (પાત્રોના નામ બદલ્યા છે.) કરવામાં આવ્યા હતા. ઘરેલુ હિંસાના કારણે બંને પરિવારો વચ્ચે ઝઘડો થતાં છેલ્લા સાત વર્ષથી આ યુગલ વિખૂટાં પડી ગયા હતા.
આ કેસ અમારા મહિલા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં આવતાં કાઉન્સેલર ગાયત્રીબેન સાથે મળી ચારેય જણાંને ભેગા કરી સમજાવવામાં આવ્યા હતા. જેમાં મોટી સફળતા મળતાં તેઓ સાથે રહેવા માટે રાજી થઇ ગયા હતા. ચારેય વચ્ચે સુખદ સમાધાન થતાં ચાર જણાંનો માળો વિખેરાતો બચાવ્યાનો અમને આનંદ છે.