અમદાવાદ-
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ મોંઘવારીનો નવો રેકોર્ડ બનાવી રહી છે. તમામ વિરોધ છતાં સરકારી ઓઈલ કંપનીઓએ સતત પાંચમાં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમત વધારી દીધી છે. શનિવારે પેટ્રોલની કિંમત ૩૧ પૈસા અને ડીઝલની કિંમતમાં ૩૯ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. નવા વર્ષમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આ ૧૭મી વખત વધારો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઑઈલની વેબસાઈટ મુજબ, આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૮૮.૪૪ રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૯૪.૯૩ રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકત્તામાં પેટ્રોલની કિંમત ૮૯.૭૩ રૂપિયા પ્રતિ લીટર તો ચેન્નઈમાં ૯૦.૭૦ રૂપિયા પ્રતિ લીટર છે. જાે ડીઝલની વાત કરીએ તો, દિલ્હીમાં આજે ડીઝલ ૭૮.૭૪ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે, જ્યારે મુંબઈમાં ડીઝલનો ભાવ ૮૫.૭૦ રૂપિયા છે. કોલકત્તામાં ડીઝલની કિંમત ૮૨.૩૩ રૂપિયા પ્રતિ લીટર છે, તો ચેન્નઈમાં ડીઝલ ૮૩.૮૬ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. ગુજરાતની વાત કરીએ તો, રાજ્યના વિવિધ શહેરોમાં આજે પેટ્રોલની કિંમતમાં વધારો જાેવા મળ્યો છે. જેમાં અમદાવાદમાં ૮૫.૩૮ રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ વેચાઈ રહ્યું છે. જ્યારે ભાવનગરમાં સૌથી મોંઘુ ૮૬.૭૦ રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલની કિંમત છે.
જ્યારે સુરત, વડોદરા અને રાજકોટમાં આજની પેટ્રોલ કિંમત ક્રમશઃ ૮૫.૩૯, ૮૪.૭૭ અને ૮૫.૧૬ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે. જણાવી દઈએ કે, દરરોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર થાય છે. સવારે ૬ વાગ્યાથી નવા રેટ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય ચાર્જ જાેડ્યા બાદ તેની કિંમત લગભગ બેગણી થઈ જાય છે. ડૉલરની કિંમત સાથે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડની કિંમતો કેટલી છે? તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર થાય છે.