મુંબઈ
મહારાષ્ટ્રમાં કોરોના વેક્સિનેશન રોકી દેવામાં આવ્યું છે. તો રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૬ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. દેશના ઘણા વિસ્તારમાં કોરોના વેક્સિનની કમીની વાતો સામે આવી રહી છે. આ વચ્ચે મહારાષ્ટ્રમાં ૧૮થી ૪૪ વર્ષ સુધીના ઉંમરના લોકો માટે કોરોના વેક્સિનની કમીને કારણે રસીકરણ રોકી દેવામાં આવી છે. વેક્સિનની કમીને કારણે આ ર્નિણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ રસીની કમીને કારણ ૧૮-૪૪ ઉંમર વર્ગ માટે રસીકરણને સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આ ઉંમર વર્ગ માટે સરકાર દ્વારા ખરીદવામાં આવેલા બધા ડોઝ હવે ૪૫થી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે. મહત્વનું છે કે મહારાષ્ટ્ર સિવાય દિલ્હીમાં પણ કોરોના વેક્સિનની કમીનો દાવો કરવામાં આવ્યો છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સિસોદિયાએ કહ્યુ કે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવૈક્સીનનો ભંડાર સમાપ્ત થઈ ગયો છે. જેના કારણે ૧૭ શાળાઓમાં બનાવવામાં આવેલા આશરે ૧૦૦ રસી કેન્દ્રોને બંધ કરવા પડ્યા છે. તો મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૬૭૮૧ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે ૮૧૬ લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સારવાર બાદ ૫૮૮૦૫ લોકો સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી ૫૨,૨૬,૭૧૦ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. તો ૭૮,૦૦૭ લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી ૪૬,૦૦,૧૯૬ લોકો કોરોનાને માત આપી ચુક્યા છે.