નડિયાદ : રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની લહેર વહી રહી છે. ખેડા જિલ્લામાં તાલુકા મથકોની કચેરીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ધસારો જાેવા મળી રહ્યો છે. ચૂંટણીના ઉન્માદમાં કોરોના ગાઇડલાઇન્સનો છડેચોક ભંગ થતો જાેવાં મળ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખેડા જિલ્લામાં ૮ તાલુકા પંચાયતો અને ૫ નગરપાલિકાની ચૂંટણી આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. ગુરુવારે ભાજપે તેનાં ઉમેદવારો જાહેર કર્યાં હતાં. હવે એક જ દિવસ બાકી હોવાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે આજે સમગ્ર જિલ્લાના તાલુકા મથકોની કચેરીએ ઉમેદવારો ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા છે.
નડિયાદ, માતર, ખેડા, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, ગળતેશ્વર અને વસો તાલુકા પંચાયત તેમજ નડિયાદ, કપડવંજ, કણજરી, કઠલાલ અને ઠાસરા નગરપાલિકાની ચૂંટણી આગામી ૨૮મીના રોજ યોજાશે. ગુરુવારે ભાજપે સમગ્ર જિલ્લામાં પોતાના ઉમેદવારોની ઘોષણા કરી હતી, જેનાં કારણે આજે તાલુકા મથકોની કચેરીઓમાં ભારે ભીડ જાેવાં મળી હતી. કોઈને જાણે કોરોનાનો ડર ન હોય તેમ ટોળાંઓ ભેગાં કર્યાં હતાં. નવાઈની વાત તો એ હતી કે, વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ છડેચોક થઈ રહેલાં કોરોનાના નિયમના ભંગને જાેઈ રહ્યો હતો. જાેકે, આ પહેલાં પોતપોતાના મત વિસ્તારમાં ઉમેદવારોને તેમનાં ટેકેદારોએ હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી દીધી હતી. ક્યાંક ઉત્સવની જેમ ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
કોંગ્રેસે ફોન કરી મેન્ડેટ આપ્યાં!
કોંગ્રેસે ખેડા જિલ્લામાં ઉમેદવારોની યાદી બહાર પાડ્યાં વગર જ ઉમેદવારોને ટેલીફોનથી જાણ કરી ફોર્મ ભરવાની સૂચના આપી દીધી છે, જેનાં કારણે બંને પક્ષના ઉમેદવારો આજે કચેરી ખાતે ઉમટી પડ્યાં હતાં. આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે મતદારોને રિઝવવા માટે કોણ સફળ થશે તે ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.