ટોક્યો-
સ્ટોક માર્કેટમાં આવતા ઉતાર ચઢાવ સામાન્ય રીતે સરકારની નીતિઓ અથવા તો માનવ સર્જીત કે કુદરતી આપત્તિઓ જેવા પરિબળો પર આધાર રાખતા હોય છે.જાેકે જાપાનમાં એક જાનવરના કારણે સ્ટોક માર્કેટના કેટલાક શેરમાં ઉછાળો આવ્યો છે અને સંખ્યાબંધ રોકાણકારો માલામાલ થઈ રહ્યા છે. પહેલા તો આ પ્રકારની વાત પર વિશ્વાસ ના બેસે પણ આ હકીકકત છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે એક પાંડાના પ્રેગનન્ટ થવાના કારણે સ્ટોક માર્કેટમાં બે રેસ્ટોરન્ટ ચેનના સ્ટોકમાં ૩૦ ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. જાપાનની બે રેસ્ટોરન્ટ ચેનના સ્ટોકમાં ભારે તેજી જાેવા મળી રહી છે.
વાત એવી છે કે, જાપાનની રાજધાની ટોકયોમાં આવેલા ઓએનો નામના ઝૂમાં એક પાંડા છે. આ પાંડા પ્રેગનન્ટ હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઝૂમાં આવતા લોકો માટે આ પાન્ડા આકર્ષણનુ મુખ્ય કેન્દ્ર છે. હવે તે પ્રેગનન્ટ છે તેના કારણે રોકાણકારોને લાગે છે કે, ઝૂમાં આવતા લોકોની સંખ્યામાં ભારે ઉછાળો આવશે. ઝૂની આસપાસ જેટલી પણ રેસ્ટોરન્ટ છે તેની કમાણી વધશે.
એ પછી શિયોકેન નામની રેસ્ટોરન્ટના શેરમાં ૧૧ ટકાની તેજી જાેવા મળી છે. ટોટેનકો નામની રેસ્ટોરન્ટના શેરના ભાવમાં ૨૯ ટકા જેટલો ઉછાળો જાેવા મળ્યા છે. આ બંને રેસ્ટોરન્ટના શેરમાં તેજીનુ કારણ પાંડાની પ્રેગનન્સી જ છે. આ ઝૂ કોરોના સંક્રમણના કારણે ગયા ડિસેમ્બર મહિનાથી બંધ હતુ અને ચાર જૂનથી જ ખુલ્યુ છે.૨૦૧૭માં પણ શિનશિન નામના પાન્ડાએ એક બચ્ચાને જન્મ આપ્યો ત્યારે પણ સ્ટોક માર્કેટમાં તેજી આવી હતી. આ ઘટના પણ જૂનમાં જ બની હતી અને હવે ઈતિહાસ ફરી એક વખત પોતાને જ દોહરાવી રહ્યો છે.