જામનગરમાં યુવાનોનો હાથમાં સળગતી મશાલ લઈ અંગારા પર રાસ

જામનગર, નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ તાલીરાસ, પંચિયારાસ, ટિપ્પણીરાસ, દાંડિયારાસ અને ચોકડીરાસ જેવા વિવિધ રાસ રમતા હોય છે, પરંતુ જામનગરનું એક ગરબીમંડળ છે, જે છેલ્લા સાત દાયકાથી પોતાને ત્યાં રમાતા અવનવા રાસના કારણે પ્રખ્યાત છે. રણજિતનગર વિસ્તારમાં યોજાતા પટેલ યુવક મંડળના મશાલરાસ, દાંતરડારાસ, તલવારરાસ ખેલૈયાઓ અને જામનગરની જનતા માટે હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. મશાલરાસમાં ખેલૈયાઓ જ્યારે અંગારા પર ઉઘાડા પગે સ્ટેપ લે છે ત્યારે ઉપસ્થિત સૌ લોકો મંત્રમુગ્ધ બની જાય છે. શહેરના રણજિતનગર વિસ્તારમાં પટેલ યુવક મંડળ દ્વારા છેલ્લા સાત દાયકાથી ગરબીનું આયોજન કરવામા આવે છે. હાલ અહીં ફક્ત યુવાઓ અને કિશોરો જ ગરબે ઘૂમે છે. પટેલ યુવક મંડળ દ્વારા સળગતી મશાલનો રાસ, તલવારરાસ, દાંતરડારાસ, કણબી હુડોરાસ, ગુલાંટરાસ જેવા અવનવા રાસ રમવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારના રાસ અન્ય ગરબીઓમાં ઓછા જાેવા મળતા હોય છે. પટેલ યુવક મંડળની ગરબીમાં યુવાઓ દ્વારા રજૂ કરાતો મશાલરાસ હંમેશાં આકર્ષણના કેન્દ્રમાં રહે છે. અન્ય તમામ રાસ ખેલૈયાઓ સ્ટેજ પર રજૂ કરે છે, પરંતુ મશાલ રાસ નીચે જમીન પર રમવામાં આવે છે. રાસની શરૂઆતમાં ખેલૈયાઓ બંને હાથમાં સળગતી મશાલ સાથે રાસ લે છે. રાસ દરમિયાન ખેલૈયાઓ જમીન પર સૂઈ જઈ સ્વસ્તિકની આકૃતિ પણ બનાવે છે. રાસ પૂરો થવા આવે ત્યારે ખેલૈયાઓ જ્યાં રમતા હોય છે એના સર્કલમાં આગ લગાવવામાં આવે છે અને સર્કલની અંદર પણ સળગતા કપાસિયા ઠાલવવામાં આવે છે, જેના પર ખેલૈયાઓ ખુલ્લા પગે સ્ટેપ લઈ રાસ રમે છે. પટેલ યુવક મંડળના ખેલૈયાઓ અલગ અલગ ગ્રુપમાં મશાલ રાસ ઉપરાંત દાંતરડારાસ, તલવારરાસ અને ગુલાંટરાસ પણ ખેલૈયાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution