હરિયાણામાં માંધાતા ગણાતા ત્રણ ‘લાલ’ના પરિવારો ભાજપમાં આવતા ભાજપ કોંગ્રેસમય

હરિયાણામાં ભાજપના જૂના સમયના લોકો કહે છે કે તેઓએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે કોંગ્રેસના ત્રણ લાલ પરિવારો ભાજપ પર કબજાે કરશે. ઈતિહાસમાં પહેલીવાર હરિયાણાના ત્રણ 'લાલ’ના પરિવાર ભાજપમાં છે. આના પરથી એવું લાગે છે કે પૂર્વ મુખ્યમંત્રીઓના ત્રણ રાજકીય પરિવારો દેવીલાલ, ભજનલાલ અને બંસીલાલની એન્ટ્રી બાદ હવે ભાજપની વંશવાદની રાજનીતિના વિપક્ષો પર આક્ષેપોનો અંત થવો જાેઈએ.

ભાજપે વંશવાદના મુદ્દા પર કોઈ પ્રતિક્રિયા આપી નહતી, પરંતુ તેના પ્રવક્તા રાજીવ જેટલીએ કહ્યું હતું કે ત્રણ લાલોના પરિવારના સભ્યોનું ભાજપમાં જાેડાવું એ પક્ષની નીતિઓ અને ચોથા લાલ મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વ હેઠળના વિકાસ કાર્યોને અનુરૂપ છે. હરિયાણામાં વર્તમાન મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીને સમર્થન છે. આ વાહિયાત અને બાલિશ દલીલને ત્રણેય લાલોના પરિવારવાદ સાથે કોઈ લેવાદેવા નથી તેમ તેમણે કહ્યું હતું.

ખરી વાત તો એ છે કે આ ત્રણેય લાલ પરિવારોના સમર્થનથી ભાજપ હરિયાણામાં ત્રીજી વખત વિધાનસભા ચૂંટણી જીતવાનું સપનું જાેઈ રહ્યું છે. છેલ્લી વખત એટલે કે ૨૦૧૯માં ઓમપ્રકાશ ચૌટાલાના પૌત્ર દુષ્યંત ચૌટાલાના બળ પર ભાજપની સરકાર બની હતી. ચૌટાલા પૂર્વ સીએમ દેવીલાલના પુત્ર છે. પરંતુ હવે ભાજપ બંસીલાલ અને ભજનલાલના પરિવારો દ્વારા હરિયાણામાં ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જીતનો માર્ગ જાેઈ રહી છે. દેવીલાલના બીજા પુત્ર રણજીતસિંહ પહેલેથી જ ભાજપમાં છે અને તે હિસારથી ચૂંટણી હારી ગયા છે. આધુનિક હરિયાણાના સર્જક ગણાતા પૂર્વ મુખ્યમંત્રી બંસીલાલની પુત્રવધૂ તોશામના ધારાસભ્ય કિરણ ચૌધરીના ભાજપમાં પ્રવેશ સાથે ત્રણેય લાલ પરિવારના ભાજપમાં જાેડાવાની પ્રક્રિયા પૂર્ણ થતી જણાય છે. બંસીલાલ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી ભજનલાલ અને દેવીલાલના પરિવારો પણ હાલમાં ભાજપ હેઠળ છે. પૂર્વ સાંસદ અને ભજનલાલના પુત્ર કુલદીપ બિશ્નોઈ ૨૦૨૨માં ભાજપમાં સામેલ થનાર પ્રથમ વ્યક્તિ હતા. તેમના પુત્ર ભવ્ય બિશ્નોઈ હિસારના આદમપુરથી ભાજપના ધારાસભ્ય છે.

એ જ રીતે હરિયાણાના ઉર્જાપ્રધાન અને દેવીલાલના પુત્ર રણજિતસિંહે તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણી હિસાર સંસદીય મતવિસ્તારમાંથી ભાજપની ટિકિટ પર લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતાં. તાજેતરની લોકસભા ચૂંટણી પહેલા તેઓ પાર્ટીમાં જાેડાયાં હતાં. દરમિયાન, દેવીલાલના પૌત્ર આદિત્ય દેવીલાલ, જે ભાજપના હિસાર જિલ્લા એકમના અધ્યક્ષ છે, છેલ્લા કેટલાક વર્ષોથી પાર્ટીમાં છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ બંસીલાલ સરકાર અને ઓમપ્રકાશ ચૌટાલા સરકારની જુનિયર પાર્ટનર પણ રહી ચુકી છે. ભજનલાલના શાસનમાં ભાજપ વિપક્ષમાં રહ્યો છે.

જાેકે, ૨૦૧૪ એ હરિયાણાના ઈતિહાસમાં ટર્નિંગ પોઈન્ટ હતો જ્યારે ભાજપે પોતાની તાકાત પર સરકાર બનાવી હતી. જેજેપી, જેનું નેતૃત્વ દેવીલાલના પૌત્ર અજય ચૌટાલા કરે છે, તે ૨૦૧૯થી ૨૦૨૪ સુધી ભાજપની ગઠબંધન ભાગીદાર હતી. અજય ચૌટાલાના પુત્ર દુષ્યંત ચૌટાલા ૨૦૧૯થી ૨૦૨૪ સુધી હરિયાણાના નાયબ મુખ્યમંત્રી હતાં. પરંતુ જેમ જેમ લોકસભાની ચૂંટણી ૨૦૨૪ નજીક આવી, બંને પક્ષો વચ્ચે બેઠકોને લઈને મતભેદો થયા અને દુષ્યંત ગઠબંધનમાંથી નીકળી ગયાં હતાં.

હવે એવું લાગે છે કે ત્રણેય લાલોના રાજકારણનો અંત આવતાં તેમના પરિવારો અસ્તિત્વની કટોકટીનો સામનો કરી રહ્યા છે. હવે, આ પરિવારોના સભ્યો દેખીતી રીતે હરિયાણાના રાજકારણમાં પોતાને સુસંગત રાખવા માટે ભાજપમાં જાેડાઈને પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી જ હરિયાણામાં ભાજપ હવે કોંગ્રેસ જેવો દેખાય છે.

ભાજપ વિપક્ષ પર અવિરત રીતે વંશવાદના આક્ષેપો કરતો આવ્યો છે. આ મુદ્દે તે એવી છાપ ઉભી કરવા પ્રયત્નશીલ રહે છે કે ભાજપ વંશવાદથી દુર છે. પરંતુ કોંગ્રેસ અને અન્ય વિપક્ષોના રાજકીય પરિવારોના વારસોને ભાજપમાં સમાવીને તે આડકતરી રીતે વંશવાદને જ પ્રોત્સાહન આપે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution