ડીસા, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાવર્ત્રિક વરસાદ થઇ રહ્યો છે. જેમાં ગઈકાલે મોડી સાંજે દાંતીવાડામાં બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યા બાદ છેલ્લા ૨૪ કલાકમાં ડીસામાં પણ પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના પગલે ડીસાના આખોલ ચાર રસ્તા પાસે આવેલી દુકાનોમાં પાણી ભરાઇ જતાં વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. ડીસામાં રવિવારના રોજ વહેલી સવારે ત્રણ કલાકમાં જ ૫ ઇંચ જેટલો વરસાદ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બનાસકાંઠા જિલ્લામાં શનિવારે બપોર બાદ વરસાદની હેલી શરૂ થઈ ગઈ છે. જેમાં દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ મોડી સાંજે અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. દાંતીવાડામાં શનિવારે સાંજે બે કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મેઘરાજાએ આખી રાત ધીમી ધારે અમી વરસાવ્યા બાદ આજે વહેલી સવારથી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ડીસા પંથકમાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડતા રોડ રસ્તા પર પાણી જ પાણી જાેવા મળ્યા હતા. ભારે વરસાદ થતા અનેક નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું.
ભારે વરસાદના પગલે ડીસાની સિંધી કોલોની, લાલચાલી, તેરમિનાળા અને સંતઅન્ના હાઇસ્કુલ પાસેના વિસ્તારોમાં એકથી બે ફૂટ જેટલું પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સંતઅન્ના હાઇસ્કુલ પાસે તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જ્યારે ડીસાના આખોલ ચાર રસ્તા પાસે આવેલા શોપિંગ સેન્ટરોમાં પાણી ઘૂસી જતાં દુકાનદારોને મોટું નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. શનિવારે દાતીવાડા અને આજે ડીસામાં ભારે વરસાદ બાદ પાટણ જિલ્લામાં પણ મેઘરાજાએ મંડાણ કર્યું છે. જેમાં પાટણ, સરસ્વતી, સિદ્ધપુર અને ચાણસ્મા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ગાજવીજ સાથે એક ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. વરસાદના કારણે પાટણના બે રેલવે ગરનાળા, કોલેજ રોડ પર બનાવાયેલા અંડરબિજ, શ્રમજીવી રોડ, કે.કે ગર્લ્સ હાઈસ્કૂલ ઝવેરી બજાર, બુકડી, રાજકા વાડા, બી એમ હાઈસ્કૂલ રોડ, પારેવા સર્કલ અને પિતાંબર તળાવ સહિતના નિચાણવાળા વિસ્તારો પાણી ભરાઈ ગયા છે.બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં છેલ્લે છેલ્લે પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું છે. ખાસ કરીને ડીસામાં આજે વહેલી સવારે ત્રણ કલાકમાં જ ૫ ઇંચ જેટલો વરસાદ થયો હતો. તેને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા, અનેક ઘરોમાં પાણી ઘુસી જતા લોકોના માલસામાનને નુકસાન થયું છે. ડીસાના આખોલ ચોકડી પર આવેલી ૧૦૦ જેટલી દુકાનોમાં પાણી ઘૂસી ગયું હતું. આ સિવાય કંસારીના આજુબાજુના વિસ્તારોમાં પણ ધમાકેદાર પડેલા વરસાદના કારણે તબાહી સર્જાઇ છે. અહીં ગામમાં જવાનો મુખ્ય માર્ગ પર પાણી ભરાઇ ગયા હતા અને મોટાભાગના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. અગાઉ એક મહિના સુધી વરસાદ ખેંચાતા ખેડૂતોના પાકને નુકસાન થયું હતું અને હવે મોડે મોડે પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં થોડો ઘણો જે પાક તૈયાર થયો હતો તેમાં પણ નુકસાન થયું છે, કંસારી પંથકમાં મોટા ભાગના ખેતરોમાં બે-ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઇ જતાં ખેડૂતોને ફરી એકવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.