ડાંગ-
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં એક સાંધે તો તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. એક બાજૂ સ્થાનિક નેતાઓમાં મતભેદો જાેવા મળી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં જિલ્લા તેમજ તાલુકા પ્રમુખોની સાથે જ કાર્યકર્તાઓ પણ કોંગ્રેસને રામ-રામ કહી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જાેડાઇ રહ્યા છે. આથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ ભાંગી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેનો સીધો ફાયદો ભાજપને થાય તેવું સ્પષ્ટ દેખાય રહ્યું છે. ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં કોંગ્રેસને મોટું નુકસાન થયું છે. પૂર્વ તાલુકા પ્રમુખ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો સહિત 100થી વધુ કાર્યકર્તાઓએ આજે કોંગ્રેસને રામરામ કરી ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
જેને લઇ ડાંગ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ડાંગ જિલ્લામાં કોંગ્રેસના સુપડાસાફ થઈ ગયા હોય એવું સ્પષ્ટ થઈ રહ્યું છે. વિધાનસભા પેટા ચૂંટણી પહેલા ધારાસભ્ય મંગળ ગાવીત ત્યાર બાદ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પ્રમુખ અને તેમના સમર્થકો ભાજપમાં જાેડાયા પછી મોટા ભાગના સરપંચોએ ભાજપના વિકાસને જાેઈ કોંગ્રેસ સાથે છેડો ફાડી કોંગ્રેસની જૂની વિચારધારાને રામ રામ કરીને ભાજપના વિકાસ રથમાં સવાર થયા છે.
ત્યારે આજે ફરી એકવાર ડાંગ જિલ્લાના સુબિર ખાતે મંત્રી ગણપપત વસાવા અને ચૂંટણી ઇન્ચાર્જ અશોક ધોરાજીયાની ઉપસ્થિતિમાં સુબિર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ યશોદા રાઉત, જિલ્લા પંચાયતના 3 સભ્યો તેમજ સુબિર, સેપુઆંબા અને કેશબંધ ગ્રામ પંચાયતના સરપંચ સહિતના તમામ સભ્યો ભાજપમાં જાેડાયા હતા. મંત્રી ગણપત વસાવાએ તમામ લોકોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર આપ્યો હતો. ડાંગમાં છેલ્લા 6 મહિનામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત હજારોની સંખ્યામાં લોકોએ ભાજપનો ખેસ પહેરિ લેતા હવે કોંગ્રેમાં આંગળીના વેઢે ગણાય એટલા કાર્યકરો રહ્યા છે ત્યારે ડાંગ જિલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણી કોંગ્રેસના સુપડાસાફ થઈ જાય તો નવાઈ નહિ.