આણંદ : આણંદ જિલ્લામાં સરકારી સેવાના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને કોરોના વેક્સિન આપવાનો આજથી જિલ્લાભરમાં પ્રારંભ થયો હતો. જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલે સ્વયમ સર્વ પ્રથમ વિધાનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન લીધી હતી. વેક્સિન લીધાં બાદ કલેક્ટર આર.જી. ગોહિલે જિલ્લાના નાગરિકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે, આ કોરોના વેક્સિન સંપૂર્ણ સલામત છે, કોઈ આડ અસર નથી અને કોઈ ચિંતાનું કારણ પણ નથી. કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સિન લેવી જરૂરી પણ છે.
આણંદ જિલ્લામાં પહેલાં તબીબોને વેક્સિન આપવામાં આવી હતી, જેનાં પરિણામો સફળ રહ્યાં છે. કલેક્ટરએ વધુમાં જાહેર જનતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે, રસી લીધાં બાદ ૪૫ મિનિટ બાદ કોઇ આડ અસર થઇ નથી. સમગ્ર જિલ્લાની જનતાએ જ્યારે પોતાનો વારો આવે ત્યારે આ વેક્સિન લેવી જોઇએ. વેક્સિન સલામત છે, જેથી કોઈ જ આડ અસર નથી, જ્યારે વારો આવે ત્યારે વેક્સિન લેવામાં કોઈપણ પ્રકારના ગભરાટ કે શંકામાં આવ્યા વગર લેવાં કલેક્ટરએ નાગરિકોને અનુરોધ કર્યો હતો.
કોવિડ–૧૯ રસીકરણ કાર્યક્રમ મુજબ જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમાર, અધિક કલેક્ટર પી.સી.ઠાકોર, પૂરવઠા અધિકારી ગોપાલ બામણિયાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિદ્યાનગર ખાતે કોરોનાની રસી લઇને આ અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ જિલ્લાના તમામ પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ પોલીસ અધિક્ષક, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર દ્વારા પણ કોરોનાની વેક્સિન લેવામાં આવી હતી.
આણંદ જિલ્લામાં કુલ ૨૩ ૨સીકરણ કેન્દ્રો (આણંદ-૧૦, પેટલાદ-૪, બોરસદ-૪, ખંભાત-૨, ઉમરેઠ-૧, આંકલાવ-૧, તારાપુ૨-૧)ઉપર થઈને અંદાજીત ૪૫૦૦થી ૫૦૦૦ જેટલાં અધિકારી કર્મચારીઓને કોરોનાની રસી મૂકવાનું આયોજન જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિદ્યાનગર ખાતે ડો.રાજેશ પટેલે સૌનું સ્વાગત કર્યું હતું. અહીં તમામ આરોગ્ય કર્મીઓએ કલેક્ટર સાથે સમૂહ તસવીર પણ લેવડાવી હતી.