અમદાવાદ-
અમદાવાદ શહેરમાં ઘણા સમયથી ફાયરિંગના બનાવો સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં ફાયરિંગ કરતા લોકોના વિડિયો વાઇરલ થઈ રહ્યા છે, જેની સામે પોલીસે પણ ફાયરિંગ કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં વરરાજાએ ઘોડી પર બેસીને ફાયરિંગ કર્યું હોવાનો વિડિયો વાઇરલ થતાં પોલીસે વરરાજાની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં લગ્નના વરઘોડામાં વરરાજાએ ઘોડી પર બેસીને ફાયરિંગ કર્યું હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાઇરલ થયો હતો. આ વિડિયો શહેરના ઓઢવ વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં પોલીસે ફાયરિંગ કરનાર વરરાજાને શોધવા પ્રયાસો શરુ કર્યાં છે. સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે પોલીસે વરરાજાની ઓળખ કરી લીધી છે અને તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.