ઇસ્લામાબાદ:જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હવે ઓક્સફર્ડ યુનિવર્સિટીના ચાન્સેલર પદ માટે ચૂંટણી લડશે. ઈમરાન ખાન પ્રથમ વખત જેલમાંથી કુલપતિની ચૂંટણી માટે ઓનલાઈન વોટિંગ પ્રક્રિયામાં ભાગ લેશે. ઈમરાનના એક સહયોગીના જણાવ્યા પ્રમાણે ઈમરાને ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ૧૯૭૨માં કેબલ કોલેજ, ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર અને રાજકીય વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. તેણે ૧૯૭૧માં તેની પ્રથમ ટેસ્ટ ડેબ્યૂ મેચ રમી હતી અને તે ઓક્સફોર્ડ યુનિવર્સિટી ક્રિકેટ ટીમના કેપ્ટન પણ હતા. આ સિવાય ખાન ૨૦૦૫ થી ૨૦૧૪ સુધી બ્રેડફોર્ડ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ હતા. આ વખતે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કુલપતિની ચૂંટણી યોજાવાની છે.
મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને જેલમાંથી જ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ચાન્સેલરની ચૂંટણી લડવાનો ર્નિણય કર્યો છે. ૧૦ વર્ષની સજા થઈ હોવા છતાં તે જેલમાંથી જ ઓનલાઈન ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે. ખાનના વિદેશ મામલાના સલાહકાર સૈયદ ઝુલ્ફી બુખારીએ કહ્યું કે તેઓ જનતાની માંગ પર ચાન્સેલર પદ માટે ચૂંટણી લડવા માંગે છે.
આ પહેલા ગુરુવારે બુખારીએ કહ્યું હતું કે તેમણે ઈમરાન ખાન સાથે ચૂંટણી લડવા અંગે વાત કરી હતી. આ અંગે ૨૪-૪૮ કલાકમાં ર્નિણય લેવામાં આવશે. બુખારીએ કહ્યું કે ભૂતપૂર્વ વડા પ્રધાન સર ટોની બ્લેર અને બોરિસ જાેન્સન યુનિવર્સિટીમાં ચાન્સેલર પદ માટે મેદાનમાં છે.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના સ્થાપક ઈમરાન ખાન ઓગસ્ટ ૨૦૧૮ થી એપ્રિલ ૨૦૨૨ સુધી પાકિસ્તાનના વડાપ્રધાન હતા. પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા દાખલ કરવામાં આવેલા પ્રથમ તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં દોષિત જાહેર થયા બાદ ખાનને ગયા વર્ષે ૫ ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. તેને નવ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેની સામે વધુ ત્રણ કેસ પેન્ડિંગ છે. છેલ્લા એક વર્ષથી તે રાવલપિંડીની ઉચ્ચ સુરક્ષાવાળી અદિયાલા જેલમાં બંધ છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના ચાન્સેલર ૮૦ વર્ષીય લોર્ડ પેટને તાજેતરમાં રાજીનામું આપ્યું છે. તેઓ ૨૧ વર્ષ સુધી યુનિવર્સિટીના ચાન્સેલર હતા.
તેમના રાજીનામા બાદ કુલપતિની જગ્યા ખાલી પડી છે. અત્યાર સુધી અહીંથી સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ સંપૂર્ણ શૈક્ષણિક ડ્રેસમાં યુનિવર્સિટી પહોંચતા હતા અને યુનિવર્સિટીની કુલપતિની ચૂંટણીમાં મતદાન કરતા હતા. આ પહેલીવાર છે જ્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટીના ચાન્સેલરની ચૂંટણી ઓનલાઈન વોટિંગ દ્વારા કરવામાં આવશે. ૩.૫ લાખથી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મતદાનમાં ભાગ લેશે. યુનિવર્સિટી અનુસાર, તેના સ્નાતકો અને મોટાભાગે રાજકારણીઓને ચાન્સેલર બનવાની તક મળે છે.