અમદાવાદ-
ગુજરાતમાં સરકારનો મોટો નિર્ણય કર્યો છે. ખાનગી લેબમાં RT-PCRના ટેસ્ટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિને જોતાં કોરોના વાયરસના ટેસ્ટમાં વધારો કરવામાં આવે તે ખૂબ જરૂરી છે ત્યારે રાજ્યના ડેપ્યુટી સીએમ દ્વારા ટેસ્ટિંગને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાનગી લેબમાં તથા ખાનગી લેબ દ્વારા ઘરેથી કોરોના વાયરસના ટેસ્ટ કરવાના ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
રાજ્યમાં વધતા જતા કોરોનાના કોહરામ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. RT-PCR ટેસ્ટની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જે અનુસાર હવે ઘરે આવીને ટેસ્ટ કરવાનો ચાર્જ 1100 માંથી 900 કરાયો છે. તો લેબમાં જઈ ટેસ્ટ કરવાનો ચાર્જ 800નો 700 કરાયો છે. આ નવા ઘટાડેલા ભાવ 20 એપ્રિલ 2021થી અમલમાં આવશે. મા કાર્ડની મુદ્તમાં પણ ત્રણ મહિનાનો વધારો કરી જૂન 2021 સુધી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ કેન્દ્ર સરકારે કોરોનામાં ઉપયોગી એવી રેમડેસિવિર ઇન્જેકશનના ભાવમાં પણ ઘટાડો કર્યો હતો. રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. દૈનિક નોધાતા કેસમાં પણ સતત વૃદ્ધિ થઇ રહી છે. દૈનિક નોધાતા કેસમાં રોજ ૫૦૦ થી ૬૦૦ નો વધારો જોવા મળી રહ્યો છે. તો રાજ્યમાં કુલ સંક્રમીતોની સંખ્યા પણ ૪ લાખને પાર કરી ચુકી છે.