લોકસત્તા વિશેષ : હરણી વિસ્તારમાં આવેલી કોર્પોરેશનની જમીન જાહેર હરાજીમાં ખરીદયા બાદ તેની કિંમત ચુકવ્યા વગર સિધ્ધેશ્વર ગ્રુપ દ્વારા આશરે રૃપિયા ૨૮ કરોડની કિંમતની જમીન પર બારોબાર ગેરકાયદે કબ્જાે જમાવી દેવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. શહેરમાં સિધ્ધેશ્વર ગ્રુપ (એસ.પી.)ના નામથી નવા પ્રોજેક્ટ મુકતું આ ગ્રુપ બાંધકામ પરવાનગીના નિયમોને કોરાણે મુકી પ્રોજેક્ટ કરવા માટે જાણીતું છે. ત્યારે હરણી ટીપી સ્કીમ નંબર ૧ના ફાયનલ પ્લોટ નંબર ૧૪૨ની આશરે ૪૧ હજાર ચોરસ ફૂટ જમીનની કિંમત ચુકવ્યા વગર બારોબાર ગેરકાયદે કબ્જાે જમાવી તેના પર બાંધકામ શરૃ કરી ખોટી રીતે નાગરીકોના બુકિંગ શરૃ કરવાને લઈ મોટો વિવાદ થયો છે.
લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર ટીપી સ્કીમ નંબર ૧ના ફાયનલ પ્લોટ નંબર ૧૪૨ની આશરે ૪૧ હજાર ચોરસ ફૂટ જમીન માટે કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર હરાજીમાં શહેરમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ સિધ્ધેશ્વર ગ્રુપ (એસ.પી.) દ્વારા સૌથી વધુ કિંમત એટલેકે પ્રતિ ચોરસ ફૂટના આશરે ૬૮૦૦ રૃપિયા ચુકવી આશરે ૪૧ હજાર ચોરસ ફૂટની આ જમીન અંદાજે રૃપિયા ૨૮ કરોડમાં ખરીદી હતી. પરંતું આ જમીન પર બાંધકામ કરતા પૂર્વે કે કબ્જાે કરતા પૂર્વે તેઓએ કોર્પોરેશનમાં જમીનની પુરે પુરી કિંમત ભરવાની રહેતી હોય છે. પરંતું આવી કોઈ પણ કિંમત ચુકવ્યા સિવાય જમીનનો ગેરકાયદે કબ્જાે કરી ત્યાં પાકું બાંધકામ કરી વેચાણ કરવા માટેની કામગીરી પણ ગેરકાયદે શરૃ કરી દેવામાં આવી છે. ત્યારે કાયદાનો ભંગ કરી ગેરકાયદે કબ્જાે કરી કરવામાં આવી રહેલી પ્રવૃતિને લઈ હોબાળો મચ્યો હોવાનું જાણવા મળ્યું છે.
શું છે કોર્પોરેશનની જાહેર હરાજીનો નિયમ
કોર્પોરેશનની જાહેર હરાજીના નિયમો મુજબ હરાજીમાં ભાગ લેવા માટે સૌ પ્રથમ રૃપિયા ૧૦ લાખ અનામત જમા કરાવવાની હોય છે. જે બાદ હરાજીમાં જાે સૌથી ઉંચી બોલી બોલવામાં આવી હોય તો તે જમીનની કિંમતના ૨૦ ટકા રૃપિયા ૧૫ દિવસમાં જમા કરાવવાની હોય છે. બાકીની ૮૦ ટકા રકમ ૬ મહિનામાં ચુકવવાની હોય છે. હરાજીમાં ઉંચી બોલી બોલનાર જાે બાકીની રકમ ૬ મહિનામાં ચુકવી શકતા નથી તો તેઓને વધુ ૬ મહિનાની તક આપવામાં આવે છે. પરંતું આ ૬ મહિનાનું ૧૮ ટકા લેખે વ્યાજ વસુલવામાં આવે છે. આ રકમની ચુકવણી બાદ જ કોર્પોરેશન જમીનનો દસ્તાવેજ કરી આપી કબ્જાે સુપ્રત કરતું હોય છે. ત્યાં સુધી જમીન ખરીદનાર સ્થળ પર કોઈ પણ પ્રકારનું કામકાજ કરી શકતો નથી.
ગેરકાયદે કબજા ઉપરાંત ગેરકાયદે વેચાણ પણ શરૂ
સિધ્ધેશ્વર ગ્રુપ (એસ.પી.)ને જાણે કાયદાની કોઈ બીક જ ન હોય તે રીતે કોર્પોરેશનની માલિકીની જમીન પર ગેરકાયદે કબ્જાે કરી ત્યાં કોઈ પણ જાતની પરવાનગી વગર ગેરકાયદે બાંધકામ શરૃ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પોતાની માલિકીની જ જે જમીન જ નથી ત્યાં તંભુ તાણી ગેરકાયદે રીતે બુકિંગ ઓફીસ પણ ઉભી કરી દેવામાં આવી છે. સિધ્ધેશ્વર પ્રાઈમ પ્લસ નામે શરૃ કરવામાં આવેલી ઓફિસમાં ૧૫થી વધુનો સ્ટાફ બેસાડી ત્યાં ગેરકાયદે રીતે લોકોને છેતરવાની પ્રવૃતિ ચાલતી હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
સુરેશ પાનસુરિયા ક્રિકેટના સટ્ટામાં પકડાયો હતો
શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે જાણીતું સિધ્ધેશ્વર ગ્રુપ (એસ.પી.) દ્વારા કાયદાની પરવા વગર શરૃ કરવામાં આવેલી બાંધકામ પ્રવૃતિએ વિવાદ ઉભો કર્યો છે ત્યારે આ ગ્રુપના અગ્રણી એવા સુરેશ પાનસુરિયા ક્રિકેટના સટ્ટાના પણ શોખીન હોવાનું કહેવાય છે. થોડા સમય અગાઉ પોલીસ વિભાગે હાથ ધરેલી કાર્યવાહીમાં હરણી વિસ્તારની જ અન્ય એક જમીન પર ચાલતા પ્રોજેક્ટની ઓફિસમાં સુરેશ પાનસુરિયા ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમતા ઝડપાઈ ગયા હતા.