શહેરા-
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મીઠાલી ગામે ડાંગરીયા ફળીયામાં રહેતા ઇસમના ખેતરમાં ગલગોટાના ફુલના છોડની વચ્ચે ગેરકાયદેસર રીતે ગાંજાના ૧૦ નંગ છોડ સહિત ૧૬ કિલોથી વધુનો જથ્થો ઝડપાયો છે. શહેરા પોલીસે ૧,૬૧,૨૦૦ લાખ રૂપિયાના જથ્થા સાથે એક ઇસમની અટકાયત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શહેરા પોલીસને બાતમી મળી હતીકે મીઠાલી ગામે ડાંગરીયા ફળીયામાં રહેતા ઇસમે પોતાના ખેતરમાં વાડો બનાવીને ગાંજાનું વાવેતર કર્યુ છે. પોલીસે બાતમીના આધારે તપાસ કરતા મકાનની પાસે આવેલા વાડામાં તપાસ કરતા ગલગોટાના ફુલના છોડ અને ટીંડોળાના વેલ ચઢાવેલા હતા, તેની વચ્ચે થોડા થોડા અંતરે ગાંજાના આઠ ફૂટ સુધીના છોડ નજરે પડ્યા હતા. પોલીસે ગાંજાના છોડનો ૧૬.૧૨૦ કિલો વજન સહિતનો કુલ ૧,૬૧,૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઘટના સ્થળેથી પોલીસે દલસુખભાઇ સાયબાભાઇ બારીયાની અટકાયત કરી હતી અને ગાંજાના છોડના બીજ ક્યાથી લાવ્યો હતો તે બાબતે પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી એનડીપીએસ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.