લેખકઃ અસ્મિતા માવાપુરી |
કર્ણદેવ સોલંકી નામ ભાગ્યે જ કોઈક જાણતું હશે. તેઓ સોલંકી યુગના રાજા હતાં. તેઓ ખૂબ જ મહત્વાકાંક્ષી અને સમર્થ રાજવી હતાં. અનેક જીતો મેળવીને તેઓ કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના રાજા બની ગયાં હતાં. તેમના શૌર્યને આખો દેશ જાણતો હતો.
એક દિવસ,પાટણના રાજમહેલમાં એક પુરોહિત કર્ણદેવની માતા ઉદયમતીને મળવા માટે આવ્યાં હતા. તેઓ પલક ઝબકાવ્યા વગર રાજમહેલના વૈભવને જાેઈ રહ્યાં હતાં. તેમના હાથમાં રેશમી કપડાંમાં ઢાંકેલી એક છબી હતી. તેઓ કર્ણાટકના ચંદ્રપુરથી આવ્યા હતાં. તેઓ મહારાજા જયકેશીની કુંવરી મયણલ્લાદેવીની છબી, કર્ણદેવ માટે લઈને આવ્યા હતાં.
તેમની વાત સાંભળી માતા ઉદયમતી તરત જ સમજી ગયા હતા કે, મહારાજા જયકેશીએ પોતાની કુંવરીનું માંગુ મોકલ્યું છે. એટલે તેમણે વિલંબ કર્યા વગર પોતાના કુંવર કર્ણદેવને બોલાવી કન્યાની છબી દેખાડી. કન્યાની સુંદરતા જાેઈ તે તરત જ વિવાહ માટે રાજી થઈ ગયા હતાં.
લગ્ન નક્કી થઈ ગયાં, પરંતુ લગ્ન વખતે મયણલ્લાદેવીને જાેતાં જ કર્ણદેવ ખૂબ જ ક્રોધિત થઈ ગયા હતાં. કારણ કે કન્યા છબીમાં જેવી સુંદર દેખાતી હતી. હકીકતમાં તેવી રૂપાળી ન હતી. તે રંગે થોડી શ્યામ હતી. તેથી કર્ણદેવે તેની સાથે પરણવાની જ ના કહી દીધી હતી. પરંતુ માતાએ તેણે ખૂબ જ સમજાવ્યો હતો. એટલે આખરે તેમણે મયણલ્લા સાથે લગ્ન કર્યા હતાં.
આ મયણલ્લા દેવી પાછળથી પાટણના રાજમાતા મીનળદેવી તરીકે પ્રસિદ્ધ થયા હતાં. પાટણની ગાદી પર કર્ણદેવે અમુક વર્ષો સુધી રાજ્ય કર્યું. અને જ્યારે માળવાનો રાજા પાટણ પર ચડાઈ કરીને આવ્યો, ત્યારે કર્ણદેવ પોતે યુદ્ધ લડ્યાં અને વીરગતિ પામ્યા હતાં.
પતિના મરણ પછી દીકરો સિધ્ધરાજ નાનો હતો, તેથી મીનળદેવીએ જાતે જ રાજ્યનું શાસન પોતાના હાથમાં લીધું હતું. તેઓ ખૂબ જ ચતુર અને કુશળ રાણી હતાં. તેમણે ખૂબ જ સમજદારીથી બધો વહીવટ સાચવી લીધો હતો. તેની સાથે તેમણે પોતાના કુંવર સિધ્ધરાજને ઉત્તમ પ્રકારની તાલીમ આપવાનું પણ શરૂ કરી દીધું હતું. તેમની મહેચ્છા હતી કે ભવિષ્યમાં પોતાનો કુંવર એક કુશળ અને શ્રેષ્ઠ રાજા બનીને સોલંકી વંશનું નામ ઊંચું કરે.
મીનળદેવીએ પોતાના કારભાર દરમિયાન લોકહિતનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. તેઓ ખૂબ જ ન્યાયપ્રિય હતાં. તેમણે ધોળકામાં એક તળાવ બાંધવાનું નક્કી કર્યું હતું. તળાવનો આકાર નકશા મુજબ ગોળ રાખવાનો હતો. પરંતુ તેવું કરવાથી એક વૃદ્ધ ગરીબ ડોસીનું ઘર વચ્ચે આવતું હતું. તે જગ્યાએ ગોળાકાર ખંડિત કરીને ખાંચો કરવો પડે તેમ હતું. તેના કારણે તળાવની શોભા પણ બગડી જતી હતી. તેથી મીનળદેવીએ તે ડોસીને જાેઈએ તેટલા રૂપિયા આપવા કહ્યું, પણ તે ડોસીએ ઘર વેચવાની ના કહી દીધી. તેણે પોતાનું ઘર બહુ જ વ્હાલું હતું. તે મીનળદેવીને કરગરી પડી. એટલે મીનળદેવીએ ડોસીનું ઘર સલામત રાખીને તળાવ બંધાવ્યું હતું.
જાે મીનળદેવીએ ધાર્યું હોત તો, તેમણે ડોસીનું ઘર પડાવી નાખ્યું હોત. પણ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવી તેમના સ્વભાવમાં ન હતું. ડોસીનું ઘર સલામત રાખવામાં આજે પણ ત્યાં ખાંચો રહી જ ગયો છે. અને જ્યારે પ્રવાસીઓ ત્યાં આવે છે ત્યારે તે મલાવ તળાવ જાેઈ કહે છે, “ન્યાય જાેવો હોય તો મીનળદેવીએ બંધાવેલ આ મલાવ તળાવ જુઓ.”
ખરેખર મીનળદેવી ખૂબ જ પ્રજાપ્રેમી અને ન્યાયપ્રિય લોકમાતા હતા. તેમણે હંમેશા લોકોના હિતને જ ધ્યાનમાં રાખીને પોતાનો વહીવટ કર્યો હતો. બાકી આજના યુગમાં તો ક્યાં કોઈને બીજાની પડી છે. લોકો પોતાની ઈચ્છા પૂરી કરવા માટે બીજાને કેટલું નુકશાન થશે તેની ચિંતા પણ નથી કરતા. પોતાના સ્વાર્થને પૂરો કરવા બીજાની ભાવનાઓની કદર તક નથી કરતા.