'મન હોય તો માળવે જવાય’ આ કહેવત ચોકકસ શ્યામજી કૃષ્ણ વર્માના જીવન પ્રસંગો પરથી બની હોય મને તેવું લાગે છે. કારણ કે, ઇ.સ. ૧૮૭૪માં આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ મુંબઈ આવ્યા હતા, ત્યારે શ્યામજી તેમના પરિચયમાં આવ્યા હતા. ત્યારે દયાનંદે, શ્યામજીને વિદેશમાં જઈ ભારતીય સંસ્કૃતિનો પ્રસાર કરવાની સલાહ આપી હતી. આથી તેમને આર્યસમાજના પ્રચાર - પ્રસારનું કામ કરવાની શરૂઆત કરી હતી. સંસ્કૃતના વિદ્વાન તરીકે તેમની ખ્યાતિ પ્રસરવા લાગી હતી. તેઓ આખા ભારતમાં પ્રવચનો કરવા માટે ફરવા લાગ્યા હતા. અને તેમની ઈચ્છા વિદેશ જઈને પોતાના જ્ઞાનનો વ્યાપક ફેલાવો કરવાની હતી. પરંતુ પૈસાના અભાવને કારણે તે કરવું તેમણે અશક્ય લાગતું હતું. પરંતુ થોડા સમય પછી, તેમને ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રાધ્યાપક મોનીયેર વિલિયમ દ્વારા આર્થિક મદદ મળી હતી. તે સિવાય તેમની પત્ની અને મિત્રો તરફથી પણ આર્થિક મદદ મળી હતી. તે ઉપરાંત કચ્છ રાજ્યમાંથી શિષ્યવૃત્તિ પણ મળી હતી. આ બધી આર્થિક સહાયતા ખરેખર તેમના સદભાગ્યને અને મજબૂત મનોબળને કારણે જ શક્ય થઈ હતી.
તેમણે લંડનમાં એક સભાનું આયોજન કરીને 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી’ની સ્થાપના કરી. તે પહેલાં તેમણે 'સોસિયોલોજિસ્ટ’ નામના સાપ્તાહિક દ્વારા ભારતીય સ્વાતંત્ર્ય માટે ઉગ્ર પ્રચાર તો શરૂ કરી જ દીધા હતા. તેમણે લંડનમાં મોટું મકાન ખરીદ્યું હતું. અને તેણે 'ઇન્ડિયા હાઉસ' નામ આપ્યું હતું. જે વિદ્યાર્થીઓ ભારતથી લંડન ભણવા જતા તેમના માટે તે મકાન એક હોસ્ટેલ જ હતી. થોડા વર્ષો પછી તે ભારતીય ક્રંતિવીરો માટે કાર્યશાળા બની ગઈ હતી.
સમયની સાથે શ્યામજી વધુ ઉગ્ર રાજકારણી બનતા ગયા હતાં. ભારતની સ્વતંત્રતા મેળવવા સશસ્ત્ર ક્રાંતિના તે પ્રખર હિમાયતી થઈ ગયા હતા. પરિણામે તેમણે લંડનમાંથી પેરિસ જતા રહેવું પડ્યું હતું ત્યાં જઈને પણ તેમણે પોતાની પ્રવૃત્તિઓ છોડી નહોતી. તે વખતે જે જે દેશમાં સ્વતંત્રતા માટેની ચળવળો ચાલી રહી હતી. તેમાં તેઓ જાેડાવા લાગ્યા હતાં.
માભોમથી વિખૂટા પડીને આખું આયખું રઝળપાટ કરનાર અને ભારતની સ્વતંત્રતા માટે ઝઝુમનાર આ મહાન ક્રાંતિવીર એક સામાન્ય મજૂર પિતાનું સંતાન હતાં. એમ કહી શકાય કે કાદવમાંથી કમળનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ ભૂલા ભણસાળી અને તેમનું મૂળ નામ કૃષ્ણલાલ ભણસાળી હતું. ૧૮૫૭ના આઝાદી માટેના નિષ્ફળ બળવા પછી પહેલીવાર સુયોજિત જૂથ દ્વારા ક્રાંતિની જ્યોત જલાવી હતી. એ જ્યોતમાં તેલ પૂરનાર તરીકે તેમણે મદનલાલ ધિંગરા, વીર સાવરકર, સરદારસિંહ રાણા અને માદામ ભિખાઇજી કામા જેવા દેશપ્રેમીઓને તૈયાર કર્યા હતાં.
જે લોકો નિઃસ્વાર્થ ભાવથી પોતાના દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપી દે છે તે લોકો ધન્ય છે. તેમની કીર્તિની મહેંક આખા વિશ્વમાં ફેલાઈ જાય છે. શ્યામજી કૃષ્ણવર્મા પણ એવા જ એક નરરત્ન હતાં. તેમણે પોતાના દેશવાસીઓ માટે સ્વતંત્રતાની ચિંતા કરીને પોતાનું જે કંઈ હતું તે બધું સ્વાતંત્ર્ય યજ્ઞમાં હોમી દીધું હતું.
તેમના જીવન પ્રસંગો પરથી આપણે પણ શીખવા મળે છે કે, આપણે જે જીવન મળ્યું છે તે ફક્ત પોતાના માટે જ જીવીને તેણે વ્યતિત કરી દેવા કરતા દેશ માટે કંઈક કરવું જાેઈએ. આજની પેઢીએ ભણીઘણીને આગળ વધીને દુનિયાના દરેક દેશમાં ભારતનો રાષ્ટ્ર ધ્વજ લહેરાવવો જાેઈએ. દેશને માન અપાવવું જાેઈએ.