જાે કાલે ઊઠીને તમે તમારી જીવનકથા લખવા બેસો તો...! પ્લીઝ, કલીન બોલ્ડ ન થઈ જતા. એક ધારદાર સવાલનો અણધાર્યો શૉટ ફટકાર્યો છે, પણ આમ જુઓ તો એ બહુ મજાનો છે. જસ્ટ થીંક, જાે કાલે ઊઠીને તમે તમારી જીવનકથા લખવા બેસો તો વાર્તામાં શું-શું લખાશે ?!
કેટલા શબ્દોમાં એ વર્ણવી શકાશે કે તમે આનંદના કેવા ને કેટલા ઘૂંટડા ભર્યા? મોજના કેવા રાસડા લીધા? શેના ટેસડા કીધા? સુખના નામે શું મેળવ્યું, શેનાથી ભોળવાયા, છેતરાયા ને છેવટે શેનાથી ધરાયા? મનોરંજનના નામે શું-શું વેઠ્યું? ખુશીઓના કેવા ખજાના શોધ્યા? કેવા જલસા કર્યા? 'દિલ સે’ જીવ્યા? શાંતિનો કેવોક સ્વાદ ચાખ્યો? કેવી ઉજાણી જાણી ને કેટલી માણી ? ધિંગામસ્તીનાં કેવાં ધિંગાણા ખેલ્યાં? સફળતાના કેટલા જામ પીધા? સગવડોના કેટલા ખડકલા કીધા? કેવી સંપત્તિના નશામાં આળોટ્યા? ઊંડાણના કયા આયામે પહોંચ્યા ને ઊંચાઈના ક્યા સ્તરને આંબ્યા?
કેટલાં દવલાંને વહાલાં કર્યાં? કેટલા વહાલાઓએ દીધેલા ડંખોને હસતા મોંએ જીરવ્યા? કોની રમતનો ભોગ બની સંજાેગની દુહાઈ દીધા વગર એકલા અને અપમાનને ગળે વળગાડ્યાં છતાં, ઉમ્રભર તેને દુઆઓ દેતા રહ્યા ? પોતે જખ્મી હોવા છતાં, કોઈ ગુલાબી દિલની સારવારમાં કેવા દીવાના થયા? કેટલી ખાલી છીપોને પણ બાંધી મૂઠી રાખી લાખેણી કરી? કોનું જીવવાનું બહાનું થયા? કોનાં દર્દીને દિલમાં વસાવ્યાં? કોનાં આંસુને પોતાની આંખોથી વહાવ્યાં?
કેટલાં પાનાં ભરીને એ લખાશે કે તમે ક્યારે-ક્યારે, કોની-કોની પીઠ થાબડી, શાબાશી દીધી, ચાનક ચઢાવી, હિંમત બઢાવી? કોઈને મઝધારમાં કિનારો દીધો અને મુશ્કેલીમાં સહારો દીધો? તમારો સમય, તમારી શક્તિ, તમારી સંપત્તિ દેખાડો કર્યા વગર ક્યારે બીજા માટે વપરાયાં? કોની આંખોમાં તમે સપનાં સજાવ્યાં? કોના દિલમાં આશા-અરમાન જગાવ્યાં? કોનાં પગલાં માટે તમે 'રેડ કારપેટ’ બિછાવી?
કઈ વિચારધારાથી પ્રભાવિત થયા – મોહિત થયા? કઈ વિચારધારાનો બહિષ્કાર કર્યો? કઈ વિચારધારા માટે જીવ્યા - ઝઝૂમ્યા ?
શું ભયંકર વિષમ પરિસ્થિતિઓને માત દેતાં દેતાં સાવ છેલ્લે તમે થાકી ગયા - હારી ગયા? 'ઘણુંય કરી શકાયું હોત પણ કંઈ ન કરી શકાયું’વાળા પશ્ચાત્તાપના તાપમાં શેકાતા રહ્યા? ન કોઈને કંઈ દીધું, ન કોઈથી કંઈ લીધું, જીવન ‘કોરા કાગઝ રહ ગયા’ લાગતું રહ્યું? જિંદગીનો નિચોડ 'દર્દ-દુઃખ’ લાગ્યો - એવુંય થયું, ઘણી કોશિશો છતાં થયું!
થોડીક કઠોર પ્રામાણિકતા ખ્યાલમાં રાખીને જીવનકથા લખો તો કેવા શબ્દો તમારી ઓળખ, તમારી બ્રાન્ડ કે તમારી ઈમેજ બનશે... આવા શબ્દો?- પ્રામાણિક, રમૂજી, સંવેદનશીલ, સ્માર્ટ, આનંદી, સ્વપ્નશિલ્પી, લોકપ્રિય, જાગૃત, શાર્પ-માઈન્ડેડ, ડાયનેમિક, બાહોશ, ધારદાર, ટેલન્ટેડ, ઈન્ટેલીજન્ટ, હૅપ્પી, વિઝનરી, અટલ, સત્યનિષ્ઠ, પ્રેમાળ, ક્રિએટીવ, મજબૂત, કૉન્ફિડન્ટ, ઉદાર, સક્સેસફૂલ, શાંતિપ્રિય, ૠજુ, પરિવર્તનશીલ, વિશ્વસનીય, નીડર, સહિષ્ણુ, પ્રતિષ્ઠિત, નિખાલસ, નિઃસ્વાર્થ, સૌંદર્યવાન, વાણી-વર્તન વ્યવહારમાં એકરૂપ, હિંમતવાન, જવાબદાર, કટિબદ્ધ, જ્ઞાની, દાની, સ્પષ્ટવક્તા, પંક્ચ્યુઅલ, પૉઝિટીવ, આશાવાદી, જીવંત, ફૂલમાઈન્ડ, એક્સપર્ટ, વગેરે વગેરે...
અને આમાંથી કેટલા? - ગેરજવાબદાર, અસ્તવ્યસ્ત જીવનશૈલી ધરાવનાર, સર્જનાત્મક્તાહીન, આળસુ, બેદરકાર, ફાંકોડી, ક્રોધી, ભાવનાશૂન્ય, ભુલક્કડ, આખાબોલા, ઢોંગી, તુંડમિજાજી, લપ્પી, ગપ્પી, દંભી, અહંકારી, ચાલબાજ, મૂડી, રુચિહીન, અધીર, તરંગી, નિરુત્સાહી, અવિશ્વસનીય, અશાંત, દયાહીન, અસંગત, અસહિષ્ણુ, નેગેટિવ, ચાર્મલેસ, હોપલેસ, બેકાર, સંદતર નિષ્ફળ, અપરિવર્તનશીલ, ધૂર્ત, અસામાજિક, શંકાશીલ, જૂઠા, મૂડલેસ, વગેરે વગેરે.....
કેટલી ભૂમિકા ભજવી, કેવી ભજવી? તમારાથી સમયનો ખરો ઉપયોગ થયો? તમારા જીવનને કોઈ અર્થ મળ્યો? પોતાને ગમતા-ન-ગમતા સવાલોના કેટલા ને કેવા જવાબ જડ્યા? કેટલા ફળ્યા? જિંદગી એટલે શું સમજાયું? સમજાયું એવું જીવાયું ? જાણ્યું છતાં શું અજાણ્યું રહી ગયું? શું વહી ગયું?
શું પોતાની ક્ષતિઓ, ખામીઓ, ભૂલો, દોષો, દુર્ગુણો સામે લડતા રહ્યા... ખૂબીઓ, અચ્છાઈઓ, ગુણોને વિકસાવતા રહ્યા... જિંદગીને વધુ ખૂબસૂરતીથી સજાવતા રહ્યા...?
કદાચ તમારી જીવનકથા પુસ્તકમાં નહીં લખાય, પણ સમયનાં પાનાંઓ પર તો લખાય જ છે, એ તમારા હૈયા પર તો છપાય જ છે અને તમારી આસપાસ વસતી વસ્તી દ્વારા વંચાય પણ છે.(કેવી અને કેટલી વંચાય છે તે એક અલગ સવાલ છે.)
બી કૅયરફૂલ, જિંદગીમાંથી સમય સતત, ઓછો થઈ રહ્યો છે. કલ ખુદ સે યે શિકાયત ન રહ જાયે ઃ 'કાશ, હું આમ કરી શકત, તો....’ આપણી લાઈફ સ્ટૉરીમાં આપણે જ હીરો હોઈએ છીએ અને મોટે ભાગે 'હીરો’ કેવો હોવો જાેઈએ, તે આપણે જાણતા હોઈએ છીએ. કુછ સમજે, બીડુ...!
-ઃ ઠ ફેક્ટર ઃ-
“જે આપણે વિચારીએ છીએ એ
દરેકે દરેક બાબત કરવાનું શક્ય નથી જ,
પરંતુ શક્ય હોય તે બધી જ બાબતો હું કરીને જ જંપીશ!”
(ગુજરાતીની સર્વપ્રથમ સોપ ઑપેરા સીરિયલ 'સપનાંનાં વાવેતર’નો એક સંવાદ)