મહંમદ માંકડની એક નવલકથાનું શીર્ષક છે,'નામ ધીમેથી લેજાે’.પરંતુ નામ લેવા માટે નામ યાદ આવવુ જરૂરી છે. એટલે ભૂલી જવાનો રોગ જેને લાગ્યો હોય એને કહેવું પડે કે,'નામ યાદ આવે તો કહેજાે’.
નામ અને યાદશક્તિની આ રામાયણ આજે અમસ્તી નથી માંડી. કારણ કે ભૂલી જવું એ નાની ઉંમરે એક આદત ગણાય પરંતુ મોટી ઉંમરે ભૂલી જવાની અધિકતા એક રોગ બની જાય છે. આ રોગને તબીબોએ તબીબી ભાષામાં અલ્ઝાઇમર એવું નામ આપ્યું છે અને આ નામ પણ આમ તો અઘરું,અટપટું અને યાદ ના રહે એવું જ છે ને! ભૂલકણાપણાની આ રામાયણ એટલે માંડી છે કે સપ્ટેમ્બર મહિનાને, અલ્ઝાઇમર રોગની શક્યતા અને નિવારણ માટે લોકોને જાગૃત કરવા અલ્ઝાઇમર મન્થ તરીકે ઉજવવામાં આવે છે અને તા.૨૧મી સપ્ટેમ્બર જે હમણાં જ ગઈ, એ દિવસે વિશ્વ અલ્ઝાઇમર દિવસ ઉજવાય છે. ૨૦૨૪માં 'ઉંમરની સાથે યાદદાસ્ત ઘટે એ છેતરામણી માન્યતા છે ..વિસ્મૃતિની તકલીફ જણાય તો યોગ્ય સારવાર કરાવો’ એવા સંદેશ સાથે તેની ઉજવણી થઈ રહી છે. આ સંદેશ એવું કહે છે કે ઉંમરની સાથે યાદશક્તિ ઘટે એને સ્વાભાવિક ઘટના ગણ્યા વગર સારવાર લો.
તબીબોનું કહેવું છે કે વારંવાર ભૂલી જવા લાગો તો શક્ય તેટલી વહેલી સારવાર કે સલાહ લેવી. કારણ કે આ રોગ મનમાં મજબૂત મૂળિયાં નાખી દે તો સારવાર અઘરી અને સારવારની અસરકારકતા ઘટે.
આ બીમારીનું છોડીને ભૂલી જવાના વિષયનો થોડોક, ભૂલ્યા વગર ઊંડો વિચાર કરવા જેવો ખરો. ઘણીવાર મોટા અકસ્માતમાં મગજના જ્ઞાનતંતુઓને ઇજા થવાથી વ્યક્તિ કાયમી કે થોડા સમય માટે યાદદાસ્ત ગુમાવી દે છે. ક્યારેય આ રીતે ગુમાવેલી યાદદાસ્ત ધીરજપૂર્વક સારવાર લેવાથી ધીમેધીમે પૂરેપૂરી અથવા આંશિક પાછી આવે છે. આ શરીરશાસ્ત્ર કે તબીબી વિજ્ઞાનની બાબત આમ તો ગણાય. પરંતુ આ હકિકતનો ફિલ્મ કે નાટ્ય અને હવે સિરિયલોના નિર્દેશકોએ ફિલ્મો,નાટકો અને ટીવી સિરિયલોમાં ભરપૂર ઉપયોગ કર્યો છે. કદાચ પ્રિયંકા ચોપરાની હમણાં જ આવેલી એક હોલિવુડ ફિલ્મમાં અકસ્માતથી યાદદાસ્ત ભૂલવાની વાતને વણી લેવામાં આવી હતી. જાે કે ફિલ્મો ઈત્યાદિમાં તેનો ઉપયોગ સારવારની જાગૃતિ કેળવવા માટે નહીં, પરંતુ કથાનકને રસપ્રદ બનાવવા, દર્શકોમાં ઉત્સુકતા જગાવવા અને નાટ્યાત્મક વળાંકો આપવા માટે થાય છે. ફિલ્મ કે નાટકના કથાનકમાં જેટલી સંખ્યામાં યાદદાસ્ત ગુમાવવાની ઘટના વણી લેવામાં આવી છે, એટલા કિસ્સા કદાચ દવાખાનામાં બનતા નહીં હોય.
એક તરફ જીવતો માણસ પોતાનું પાછલું જીવન અકસ્માત કે આવા રોગથી ભૂલી જાય છે. પરંતુ વિધિની વિચિત્રતા કેવી છે! કેટલાક લોકોને મરણ પછી નવા જન્મમાં એના પાછલા જન્મનું, ગામ, કુટુંબ, ઘર, શેરી અને પરિવારજનો યાદ રહી જાય છે. આ ઘટનાને પુનર્જન્મ તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર આ કિસ્સા વિચિત્ર પરંતુ રસપ્રદ લાગે છે. કોઈ દશ બાર વર્ષ કે તેથી નાની ઉંમરનો છોકરો કે છોકરી, પોતે ગયા જન્મે ફલાણા ગામે રહેતો હતો એવું બધું કહે ત્યારે કુટુંબીજનો વિમાસણમાં મૂકાય છે. અને એવા બાળકને જ્યારે, એ કહેતો હોય તે ગામ અને પરિવારમાં લઈ જવાય,અને એ પચાસ - પંચાવન વર્ષની સ્ત્રીને પોતાના પૂર્વજન્મની પત્ની તરીકે સંબોધે,પોતાના તે સમયના સંતાનોના ખુશી ખબર પૂછે ત્યારે ખૂબ વિચિત્ર,રસપ્રદ સ્થિતિ સર્જાય છે.
તબીબી વિજ્ઞાનીઓએ જીવતાંજીવ પાછલું ભૂલી જવાના રોગનું સંશોધન અને અભ્યાસ કર્યો છે પરંતુ પાછલા જન્મની યાદશક્તિ, નવા જન્મમાં જાગૃત થાય એનો કોઈ ખુલાસો હજુ સુધી આપી શક્યા નથી.
અને માણસનું મન કેટલું વિચિત્ર છે. રોગને લીધે કે અન્ય કારણોસર એ ન ભૂલવા જેવું ઘણું ભૂલી જાય છે. ભૂલી જવું એ કોઈ કામ કરવું જરૂરી હોય અને ના કર્યું હોય તો તેના માટેનો હાથવગો ખુલાસો બની રહે છે.'અરે! હું તો ભૂલી જ ગયો સાહેબ, સોરી’ આ પ્રકારનો સંવાદ અને ખુલાસો સરકારી કે ખાનગી કચેરીઓમાં છાશવારે થતો જ રહે છે.
ક્યારેક વળી ભયથી યાદશક્તિ ગુમ થઈ જાય છે. પરીક્ષાની પૂરતી તૈયારી કરી હતી પણ પેપર લખતા સમયે બધું ભુલાઈ ગયું એવું સંતાનો ઘણીવાર મા બાપને કહેતા હોય છે.
તો રાજનેતાઓ ચુંટણીઓમાં ચાંદતારા બતાવે અને પછી ભૂલી જાય એ પરંપરા પડી ગઈ છે. અને અહીં પાછું એવું બને છે કે સામેવાળા પક્ષ કે ઉમેદવારે અમુક તમુક વાયદા કર્યા હતા અને પાળ્યા નથી એ બરાબર યાદ રહી જાય પરંતુ પોતાના વાયદા સહેતુક ભૂલી જવાય છે.
અને કોઈના કટુ વચનો, કોઈની તોછડાઈ, કોઈકથી થયેલું મનદુઃખ,આ બધું જેટલું જલ્દી ભુલાઈ જાય એટલું સારું. પરંતુ નથી ભુલાતું. મરણ પથારી સુધી યાદ રહે છે.આ પણ કેટલી મોટી વિચિત્રતા..
બાપ રે! મેડમે દૂધની થેલી લાવવાનું કહ્યું હતું અને લખવાની લાહ્યમાં હું તો ભૂલી જ ગયો! યાદ રાખજાે, આ ભૂલ માફ થતી નથી. એટલે ઘરવાળી કહે એ યાદ રાખવાનું ક્યારેય ના ભૂલતા. નહીંતર જાેવા જેવી થશે...