ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉને ખુબ જ જલ્દી વધુ એક પિકનીક સ્પોટ મળવા જઇ રહ્યુ છે. પીજીઆઇની પાસે રસુલપુર ઇથોરિયા સ્થિત વન વિભાગના વિશ્રામ ગૃહને પર્યટન સ્થળના રુપમા વિકસાવવામાં આવી રહ્યુ છે. નવાબગંજ પક્ષી વિહારની તર્જ પર તૈયાર કરાયેલા આ વિશ્રામ ગૃહ પરિસરમાં આવેલા તળાવનું સુંદરીકરણ પણ કરાવવામાં આવી રહ્યુ છે.
અધિકારીઓએ જણાવ્યું કે, આ સ્થળ સંપુર્ણ રીતે વિકસી જશે ત્યાર બાદ મોટી સંખ્યામાં દેશી-વિદેશી પક્ષીઓ પણ જોવા મળશે. ક્ષેત્રીય વન અધિકારી રવિ સિંહના જણાવ્યા અનુસાર, 15 હેક્ટરમાં બનેલા વિશ્રામગૃહમાં પાંચ હેક્ટરનું તળાવ પણ છે. તેની સફાઇ કરાવવાની સાથે સાથે તેના કિનારા પર વૃક્ષ- છોડ પણ લગાવાઇ રહ્યા છે.
આમ થતા લોકોને દેશી અને વિદેશી પક્ષીઓનો દિદાર થઇ શકશે. પરિસરમાં હરણ, મોર જેવા વન્યજીવ પણ હશે. સેલ્ફી પોઇન્ટ બનાવવાની સાથે ઝુલા પણ લગાવવામાં આવી રહ્યા છે. લોનમાં લોકોના બેસવાની વ્યવસ્થાની સાથે ફાઉન્ટેન પણ બનાવવામાં આવી રહ્યો છે. સૌથી મોટી વાત એ છેકે પર્યટકોને ફ્રીમાં પ્રવેશ અપાશે.
ક્ષેત્રીય વન અધિકારીએ જણાવ્યું કે, વિશ્રામ ગૃહમાં બે સુટ્સ બનાવાયા છે. તેનું એક દિવસનું ભાડુ માત્ર 200 રુપિયા હશે. લોકો ત્યાં આવીને જ બુકિંગ કરાવી શકશે. તેમાં કીચનની પણ સુવિધા હશે. લોકો જાતે જમવાનુ પણ બનાવી શકશે. આ સાથે વિભાગ તરફથી કેન્ટીનની સુવિધા પણ આપવામાં આવશે.