લેખકઃ સિદ્ધાર્થ મણિયાર |
વિશ્વમાં અભ્યાસ હોય કે મનોરંજન યુઝર્સ યુટયુબનો ઉપયોગ વધારે કરી રહ્યાં છે. ત્યારે વિશ્વમાં ૨.૪૯ બિલિયન યૂટ્યૂબ યુઝર છે જયારે ભારતમાં યુટ્યુબ યુઝરની સંખ્યા ૪૬૨ મિલિયન જેટલી છે. જેમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. વિશ્વના તમામ વિડીયો સ્ટ્રીમિંગ સોફ્ટવેર કે વેબસાઈટમાં સૌથી મોટું પ્લેટફોર્મ યૂટ્યૂબ જ છે. દરરોજ લાખો યુઝર્સ યુટ્યુબનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં,વિડીયો જાેવા જ નહીં યુઝર્સ યુટ્યુબનો ઉપયોગ વિડીયો અપલોડ કરી આવક માટે પણ કરે છે. પરંતુ યુટ્યુબના નિયમો કંઈક એવા છે કે, યુઝરના વિડીયો પર લાખો વ્યૂ અને હજારો કમેન્ટ હોવા છતાં યુટ્યુબ તેને ગમે ત્યારે ડીલીટ કરી શકે છે. જે માટે યુટ્યુબ દ્વારા યુઝરને જરૂરી કારણો પણ આપવામાં આવતા હોય છે. યુટ્યૂબની માલિકી ગૂગલની છે. યુટ્યુબ દ્વારા અન્ય યુઝરની ફરિયાદ કે પછી અન્ય કારણોને લીધે લાખો અને કરોડો વ્યુ ધરાવતા વિડીયો ડીલીટ કરવામાં આવતા હોય છે. જેની પાછળ યુટ્યુબે બનાવેલા નિયમો કારણભૂત હોય છે. ત્યારે યુઝરે કોઈ પણ વિડીયો અપલોડ કરતા પહેલાં યુટ્યુબના નિયમો જાણવા ખુબ જ જરૂરી બને છે. જેથી ભવિષ્યમાં તેનો વિડીયો ડીલીટ થઇ શકે નહીં. જાેકે, કોઈ પણ વિડીયો ડીલીટ કરતા પહેલા યુટ્યૂબની ટીમ દ્વારા યુઝરને તેની જાણ પણ કરવામાં આવે છે. તે સમયે યુઝર દ્વારા જાે યોગ્ય અને સચોટ ઉત્તર આપવામાં આવે તો વિડીયો ડીલીટ થતો નથી. પરંતુ જાે યુઝર તેનો યોગ્ય જવાબ આપી શકતા નથી કે જવાબ જ નથી આપતા તો યૂટ્યૂબ દ્વારા વિડીયો ડીલીટ કરી દેવામાં આવે છે.
યૂટ્યૂબ પરથી વિડીયો ડીલીટ થવાના સામાન્ય કારણો
- કૉપિરાઇટ ઈશ્યુ આવે તો
- વિડીયોમાં કોઈ વ્યક્તિ કે જગ્યાનો ફોટો કે વિડિયોનો ઉપયોગ થયો છે જે માટે સંલગ્ન વ્યક્તિ કે સંસ્થાની મંજૂરી લેવામાં આવી ન હોય
- યુટ્યૂબની ગાઇડલાઇન અનુસાર વીડિયોમાં કોઈ ઈશ્યુ હોય તો
- અન્ય કારણોમાં વીડિયોમાં નગ્નતા અથવા લૈંગિક સામગ્રી, ઉત્પીડન અને ગુંડાગીરી, હિંસા અને હિંસક ઉગ્રવાદને પ્રોત્સાહન વગેરેનો સમાવેશ થાય છે.
ભારતમાંથી ૨૨.૫૪ લાખ વિડીયો ડીલીટ કરાયા
યૂટ્યૂબે તેની ગાઇડલાઇન ફોલો ન કરતા ભારતના યુઝર દ્વારા અપલોડ કરવામાં આવેલા ૨૨.૫૪ લાખ વિડીયો પ્લેટફોર્મ પરથી દૂર કર્યા છે. એટલું જ નહીં આવા વિડીયો અપલોડ કરનાર લખો ચેનલ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. યુટ્યુબ દ્વારા ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૩ના ત્રણ મહિનાનો કોમ્યુનિટી ગાઈડલાઈન્સ એન્ફોર્સમેન્ટ રિપોર્ટ રજૂ કર્યો છે. જે રિપોર્ટમાં અનુસાર યુટ્યુબે વિશ્વભરમાંથી જુદા જુદા દેશના કરોડો વિડીયો પ્લેટફોર્મ પરથી દૂર કર્યા છે. જેમાં સૌથી મોટી સંખ્યા ભારતીય યુઝરના વીડિયોની છે. યુટ્યુબના અહેવાલ અનુસાર વિશ્વમાંથી કુલ ૯૦,૧૨,૨૩૨ વિડિયો ડિલીટ કરાયા છે. જેમાં ભારતીય વીડિયોની સંખ્યા ૨૨,૫૪,૯૦૨ છે. જયારે બીજા ક્રમે ૧૨,૪૩,૮૭૧ વીડિયો સાથે સિંગાપોર છે. તેમજ ત્રીજા સ્થાને ૭,૮૮,૩૫૪ વીડિયો સાથે યુએસએ છે.
દૂર કરાયેલા ૨૬.૪૩ ટકા વિડીયો માઈનર માટે નુકશાનકારક
યૂટ્યૂબ પરથી દૂર કરવામાં આવેલા ૯૬ ટકા વીડિયો ઓટોમેટિક ફ્લેગિંગથી જ દૂર થઇ ગયા છે. જેનો અર્થ એ છે કે, આ વીડિયોની સમીક્ષા કોઈ વ્યક્તિ દ્વારા નહીં પરંતુ સિસ્ટમ દ્વારા કરાય છે. જે પૈકીના ૫૧.૧૫ ટકા વિડિયો પર એક પણ વ્યુ ન હતા. જયારે ૨૬.૪૩ ટકા વિડિયો ૧૦ જેટલા વ્યુ ધરાવતા હતા. તો માત્ર ૧.૨૫ ટકા વિડીયો પર ૧૦,૦૦૦થી વધુ વ્યૂ હતા. અનુસાર ૩૯.૪ ટકા વીડિયોના કન્ટેન્ટ ખતરનાક હોવાનું સામે આવ્યું હતંુ. જયારે ૩૨.૪ ટકા વિડિયો માઈનોર એટલે કે બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી દૂર કરાયા છે. તે સિવાયના ૭.૫ ટકા વીડિયોના કન્ટેન્ટ હિંસક અથવા અશ્લીલ હોવાથી તેને દૂર કરવામાં આવ્યા છે.
યૂટ્યૂબ દ્વારા ૨૦,૫૯૨,૩૪૧ ચેનલ પર પ્રતિબંધ મુકાયો
યૂટ્યૂબ દ્વારા તેની ગાઇડલાઇનનું પાલન ન કરનાર વિડીયો ડીલીટ કરવામાં આવે છે તેની સાથે સાથે તેની ઓનર ચેનલને પણ નોટિસ આપવામાં આવે છે. તેમ છતાં જાે ચેનલ દ્વારા ગાઇડલાઇન ફોલો ન કરવામાં આવે તો તેને પહેલા થોડા સમય માટે બંધ કરીને વોર્નિંગ આપવામાં આવે છે. જે બાદ પણ ચેનલ દ્વારા ગાઇડલાઇન ફોલો કરવામાં ન આવે તો તે ચેનલ પર પ્રતિબંધ મુકવામાં આવે છે અને અંતે તેના તમામ વિડીયો સાથે આખી ચેનલ જ ડીલીટ કરી દેવામાં આવે છે. યૂટ્યૂબ દ્વારા તાજેતરમાં જ ૨૦,૫૯૨,૩૪૧ ચેનલને ડીલીટ કરવામાં આવી છે. જેમાંથી ૯૨.૮ ટકા ચેનલ સ્પેમ, ગેરમાર્ગે દોરનારી અથવા ફ્રોડ કંન્ટેટ ધરાવતી હતી. જેથી તેમને દૂર કરવામાં આવી છે.
પાકિસ્તાની સિંગર ચાહત ફતેહ અલીખાંના ગીત ‘બદો બદી’ને ડીલીટ કરાયું
તાજેતરમાં જ યુટ્યુબ દ્વારા પાકિસ્તાની સિંગર ચાહત ફતેહ અલી ખાનના ગીત પોપ્યુલર ગીત ‘બદો બદી’ને યૂટ્યૂબ પરથી ડીલીટ કરવામાં આવ્યું છે. યૂટ્યૂબ પાસેથી મળતી માહિતી અનુસાર આ ગીત હટાવવા પાછળનું કારણ કોપીરાઈટ ઈશ્યુ હતો. આ ગીત ૧૯૭૩માં બનારસી ઠગ નામની ફિલ્મ માટે આ ગીત નૂરજહાંએ સ્વરબદ્ધ કર્યું હતું. એટલું જ નહીં, તે ગીત અને ચાહતના ગીતના શબ્દો પણ એક જ સરખા હતાં. જેથી ચાહતનું ગીત યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઓરિજનલ કંપોજિશનના રાઇટ્સ નૂરજહાં પાસેથી હોવાથી તેમની ટીમ દ્વારા કૉપીરાઇટ ક્લેમ કરાયો હતો.