ચોમાસાની શરૂઆતથી જ લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળતી હોય છે પરંતુ આ ઋતુમાં ખાવા-પીવાની બાબતમાં ખૂબ ધ્યાન રાખવું પડે છે. કારણકે આ ઋતુમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે, મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો તેમજ વાયરલ ઇન્ફેકશનમાં પણ વધારો થાય છે.
જેથી આ ઋતુમાં લાકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું પડે છે અને ખાણી-પીણી બાબતે પણ સાવધાની રાખવી પડે છે. એટલા જ માટે કેટલીક હળવી અને સ્વાસ્થયવર્ધક વાનગીઓ ખાવાથી વર્ષા ઋતુને પણ આનંદથી માણી શકાય છે.
સૂપ :
લોકોને વરસાદની ઋતુમાં સૌથી વધુ ચટાકેદાર ખાવાનુ પસંદ હોય છે, જેમકે, ચાટ, પકોડા, કચોરી, વગેરે પરંતુ આવી ભારે અને ચટાકેદાર વાનગીની જગ્યાએ પાચનમાં હળવા અને સ્વાસ્થ્ય પૂર્ણ ખોરાકનું સેવન કરવું જોઇએ. વિવિધ લીલા શાકભાજી અને ફળોના સૂપ બનાવીને પીવાથી ભરપૂર માત્રામાં વિટામીન અને ન્યુટ્રીશન મળે છે. તેમજ તે પચવામાં પણ હળવા હોય છે.
તુલસી અને આદુવાળી ચા :
વરસાદમાં એક ગરમા ગરમ ચા મળી જાય તો બીજું શું જોઇએ? પરંતુ જો તુલસી અને આદુવાળી ચા પીવામાં આવે તો તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટના કારણે વાયરલ ઇન્ફેકશનથી બચી શકાય છે.
ડ્રાય ફ્રુટ્સ :
ડ્રાય ફ્રુટ્સ એ દરેક ઋતુ માટે ફાયદાકારક છે. પરંતુ વરસાદની ઋતુમાં તેને સૌથી વધુ ખાવા જોઇએ. કારણકે, તેનાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો સંચાર થાય છે. જે રોગોને શરીરથી દૂર રાખે છે.સ્મૂધી :
વરસાદની ઋતુમાં જયુસના સ્થાને સ્મૂધીનું સેવન કરવું જોઇએ. તાજા ફળ અને શાકભાજીમાંથી બનેલી સ્મૂધી વધુ હેલ્ધી હોય છે. સ્મૂધી ફકત બનાવવામાં જ સરળ નથી, પરંતુ તેમાં સમયની પણ બચત થાય છે. સ્મૂધીમાં ચીયા સીડ ઉમેરવાથી શરીરમાં ઉર્જાનો સંચાર પણ થાય છે.
બાફેલા શાકભાજી :
આ ઋતુમાં લીલા શાકભાજીને બાફીને ખાવા જોઇએ. શાકભાજીને થોડાક જ બાફીને ખાવાથી તેમાં રહેલા પોષક તત્વો જળવાઈ રહે છે. તેમજ શરીર માટે હાનિકારક જીવાંણુ નાશ પામે છે. તેમાં પણ બાફેલી બ્રોકલી, મશરૂમ, ગાજર, ટામેટા, વગેરે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.