નવી દિલ્હી:
પહેલી એપ્રિલથી નવા નાણાંકીય વર્ષની શરૂઆત થશે જેમાં સામાન્ય જનતાને અનેક મોરચે મોંઘવારીનો મોટો આંચકો લાગશે. નવા નાણાંકીય વર્ષથી રોજિંદી જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થઈ જશે.
-મારૂતિ સુઝુકી સહિતની તમામ ઓટો કંપનીઓએ 1 એપ્રિલ, 2021થી કાર અને બાઈકોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કિંમતોમાં થઈ રહેલા આ વધારા પાછળ ઉત્પાદન ખર્ચમાં વધારો થયાનું કારણ રજૂ કરવામાં આવ્યું છે. મારૂતિ સુઝુકી ઉપરાંત નિશાન અને રેનોની કાર પણ મોંઘી થઈ જશે. હીરોએ ટુ વ્હીલરની કિંમતોમાં વધારાની જાહેરાત કરી છે. ઉપરાંત ટ્રેક્ટરના ભાવ વધવાના હોવાથી ખેડૂતોને પણ આંચકો લાગવાનો છે.
-પહેલી એપ્રિલથી ટીવી પણ મોંઘા થઈ જશે. છેલ્લા કેટલાક મહિનાઓથી ટીવીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે નવા નાણાંકીય વર્ષથી ટીવીના ભાવમાં 2,000થી 3,000નો વધારો થાય તેવી શક્યતા છે. ચીનથી આયાતના મોરચે પ્રતિબંધ બાદ ટીવીની કિંમતમાં ઉછાળો આવ્યો છે.
-નાણાં મંત્રી નિર્મલા સીતારામણે બજેટમાં ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાની જાહેરાત કરી હતી. તેમાં મોબાઈલ પાર્ટ્સ, મોબાઈલ ચાર્જર, એડોપ્ટર, બેટરી અને હેડફોન વગેરેનો સમાવેશ થાય છે. ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારા બાદ પ્રીમિયમ રેન્જ સ્માર્ટફોન સૌથી મોંઘા થઈ જશે.
-આ ગરમીમાં એસી અને રેફ્રિજરેટર ખરીદનારાઓને પણ આંચકો લાગી શકે છે. નવા વર્ષથી આ બંને વસ્તુઓ પણ મોંઘી થઈ જશે. કંપનીઓએ કાચા માલની કિંમતોમાં વધારાને પગલે ભાવ વધશે તેવું કારણ આપ્યું છે. એર કંડિશનરની કિંમતોમાં 1,500થી લઈને 2,000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. ગત મહિને ગ્લોબલ માર્કેટમાં ઓપન-સેલ પેનલની કિંમતોમાં 35 ટકાનો વધારો થયો હતો.
-DGCAએ પહેલી એપ્રિલથી એર સિક્યોરિટી ફીઝમાં વધારો કરવા જઈ રહ્યું છે. આ કારણે હવાઈ મુસાફરી મોંઘી થઈ જશે. ડોમેસ્ટિક ફ્લાઈટ્સના ભાડામાં ઓછામાં ઓછા 5 ટકાનો વધારો થશે. ઘરેલુ યાત્રા કરનારા મુસાફરોએ એરપોર્ટ સિક્યોરિટી ફીઝ પેટે 200 રૂપિયા અને વિદેશી મુસાફરોએ 12 ડૉલર ચુકવવા પડશે.
-પહેલી એપ્રિલથી વીમા કંપનીઓ ટર્મ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ મોંઘા કરવાની તૈયારીમાં છે. એક અહેવાલ પ્રમાણે નવા નાણાકીય વર્ષ 2021-2022માં ટર્મ ઈન્સ્યોરન્સના પ્રીમિયમમાં 10થી 15 ટકાનો વધારો થઈ શકે છે. હકીકતે કોરોના સંકટ દરમિયાન વીમા કંપનીઓની વીમા કિંમત અને ખર્ચ ખૂબ વધી ગયા છે. ટર્મ પોલિસીમાં સંપૂર્ણ જોખમ કવર જ થાય છે, તેમાં કોઈ મેચ્યોરિટી રકમ નથી મળતી.
-સ્ટીલ ઉત્પાદક કંપનીઓ કિંમતોમાં વધારો કરવાની તૈયારીમાં છે. જેએસડબલ્યુ સ્ટીલ, જેએસપીએલ, એમ/એનએસ અને ટાટા સ્ટીલ હોટ રોલ્ડ ક્વાયલ એટલે કે, એચઆરસીની કિંમતોમાં ટન દીઠ 4,000 રૂપિયાનો વધારો થઈ શકે છે. ઘરેલુ માર્કેટમાં કાચા માલમાં ભારે વધારો અને ઓડિશામાં ઉત્પાદનમાં આવેલા ઘટાડાના કારણે સ્ટીલના ભાવ વધી રહ્યા છે. અગાઉ ડિસેમ્બર 2020માં સ્ટીલના ભાવમાં ટન દીઠ 2,500 રૂપિયાનો વધારો થયો હતો.