ભવિષ્યમાં અમેરિકા જઈને કામ કરવાનો વિચાર હોય તો આ ૧૦ સેક્ટર પર નજર રાખવી


નવીદિલ્હી,તા.૨૬

અમેરિકા પોતાની ઈકોનોમીના કારણે આટલો પાવરફૂલ દેશ બન્યો છે. તેથી તેની ટોપ ૧૦ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ લોકોને રોજગારી મળે છે. આ લિસ્ટમાં પબ્લિક સ્કૂલ સૌથી આગળ છે જ્યારે આઈટી કન્સલ્ટિંગ ઈન્ડસ્ટ્રી ૧૦મા ક્રમ પર આવે છે. ભવિષ્યમાં અમેરિકા જઈને કામ કરવાનો વિચાર હોય તો આ ૧૦ સેક્ટર પર નજર રાખવી જાેઈએ.

અમેરિકા એટલે દુનિયાનો સૌથી પાવરફૂલ દેશ. મિલિટરી અને ઈકોનોમી બંને રીતે અમેરિકા એક સુપરપાવર છે અને બીજું કોઈ તેની નજીક પણ આવી શકે તેમ નથી. અમેરિકાને હાર્ડ વર્ક કરનારા લોકો માટે સ્વર્ગ ગણવામાં આવે છે કારણ કે આ દેશ લોકોને પુષ્કળ તક આપે છે અને દુનિયાભરમાંથી આવેલા લોકો અહીં મહેનત કરીને સફળ થયા છે. અમેરિકાની ઈકોનોમી આખી દુનિયામાં સૌથી મોટી હોવાના કારણે દેખીતી રીતે અહીં રોજગારીની તક પણ વધારે હોય છે. પરંતુ આ દેશમાં કયા સેક્ટર- કઈ ઈન્ડસ્ટ્રી સૌથી વધુ રોજગારી આપે છે તે જાણવું જરૂરી છે. ઘણા લોકોને લાગે છે કે અમેરિકા ટેક્નોલોજીનો દેશ છે તેથી આઈટી સેક્ટરમાં સૌથી વધુ લોકો કામ કરતા હશે. પરંતુ આ ધારણા ખોટી છે. એક રિસર્ચ એવું કહે છે કે અમેરિકામાં પબ્લિક સ્કૂલ્સમાં સૌથી વધુ લોકો કામ કરે છે. હાલમાં લગભગ ૬૮ લાખ ૩૦ હજારથી વધુ લોકોને પબ્લિક સ્કૂલને લગતી ઈન્ડસ્ટ્રીમાં જાેબ મળેલી છે. તેમાં કિંડરગાર્ડનથી લઈને પાંચમા ધોરણ સુધીની સ્કૂલો એટલે કે એલિમેન્ટરી સ્કૂલ, પછી છઠ્ઠાથી આઠમા ધોરણ સુધીની મિડલ સ્કૂલ અને ૯મા ધોરણથી ૧૨મા ધોરણ સુધીની હાઈસ્કૂલ સામેલ છે. એજ્યુકેશન માટે બજેટનો એક મોટો હિસ્સો ફાળવવામાં આવે છે જેના કારણે આ સેક્ટરમાં જાેબની તક પણ પુષ્કળ છે. અમેરિકામાં હેલ્થ સેક્ટર પણ એક મોટી ઈન્ડસ્ટ્રી છે અને તેમાં ૨૦૨૪ના આંકડા પ્રમાણે લગભગ ૫૮ લાખ લોકો કામ કરે છે. ખાસ કરીને સ્પેશિયલાઈઝ્‌ડ અને ઈમરજન્સી કેરમાં અહીં હંમેશા અનુભવી લોકોની જરૂર પડતી હોય છે. કોવિડ વખતે અમેરિકાના હેલ્થ સેક્ટર પર ભારે સ્ટ્રેસ આવ્યો હતો અને ત્યાર પછી તેમાં ઈન્વેસ્ટમેન્ટ પણ વધારવામાં આવ્યું છે. અમેરિકામાં ત્રીજી સૌથી મોટી ઈન્ડસ્ટ્રી એ ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટની ઈન્ડસ્ટ્રી છે. અમેરિકન ફૂડની ચેઈન્સ હવે આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે અને એકલા અમેરિકામાં આ ઈન્ડસ્ટ્રી સાથે લગભગ ૪૭ લાખ લોકો સંકળાયેલા છે. છેલ્લા પાંચ વર્ષમાં અમેરિકન ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીની સાઈઝ વધીને ૩૬૭ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત અમેરિકામાં ૪૩ લાખથી વધુ લોકો પ્રોફેશનલ એમ્પ્લોયર ઓર્ગેનાઈઝેશન સાથે કામ કરે છે. અને ૩૬ લાખ લોકોને ઓફિસ સ્ટાફિંગ અને ટેમ્પરરી એજન્સીઓમાં કામ મળેલું છે. આ બધા ટોપના સેક્ટર છે જે અમેરિકામાં સૌથી વધુ લોકોને એમ્પ્લોયમેન્ટ આપે છે અને તેના કારણે યુએસએ સૌથી મોટી સાઈઝનું અર્થતંત્ર ધરાવે છે. પબ્લિક સ્કૂલિંગની જેમ જ કોલેજ અને યુનિવર્સિટીઓ પણ અમેરિકાને મજબૂત બનાવવામાં પોતાનું કામ કરે છે અને લગભગ ૩૧ લાખ લોકો આ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. અમેરિકામાં કોલેજ અને યુનિવર્સિટીની ઈન્ડસ્ટ્રીની સાઈઝ લગભગ ૫૮૨ અબજ ડોલર કરતા પણ વધુ મોટી છે એવું રિસર્ચ કહે છે. ભારતીયો જ્યારે અમેરિકા જાય ત્યારે તેમની પાસે કોઈ સ્પેશિયલ સ્કીલ ન હોય તો મોટા ભાગે ગ્રોસરી સ્ટોર અથવા સુપરમાર્કેટમાં કામ કરવાનું વિચારતા હોય છે. સુપરમાર્કેટ અને ગ્રોસરી સ્ટોર પણ અમેરિકાની ઈકોનોમીમાં એક મહત્ત્વનો સ્થંભ છે અને તેમાં આશરે ૨૮ લાખથી વધુ લોકો કામે લાગેલા છે. તેમાં ફ્રેશ અને પ્રિપેર્ડ ફૂડ, પોલ્ટ્રી, મીટ, સીફૂડ, ડબ્બામાં મળતું ફુડ અથવા ફ્રોઝન ફૂડ સામેલ છે. આ ઉપરાંત વેજીટેબલ્સ, ફ્રુટ, ડેરી પ્રોડક્ટ પણ તેમાં આવી જાય છે. આ ઈન્ડસ્ટ્રીની સાઈઝ હવે વધીને ૮૪૫ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. અમેરિકામાં ટોચની સાત ઈન્ડસ્ટ્રીની વાત આપણે કરી લીધી. ત્યાર પછી આઠમા નંબર પર અમેરિકન બેન્કિંગ ઈન્ડસ્ટ્રી આવે છએ જેમાં લગભગ ૨૬ લાખ લોકોને રોજગારી મળી છે. અમેરિકા એટલે બિઝનેસ અને જાેખમ લેવાનું સાહસ. અને આ સાહસ માટે ડોલરની જરૂર પડે. તેથી અમેરિકાને આટલું પાવરફૂલ બનાવવામાં અમેરિકન બેન્કોની મોટી ભૂમિકા છે અને આ બેન્કો ઢગલાબંધ નોકરી પણ ઓફર કરે છે. આ ઉપરાંત અમેરિકામાં મેનેજમેન્ટ કન્સલ્ટિંગની ઈન્ડસ્ટ્રી પણ ઘણી મોટી છે અને તેમાં ૨૫ લાખ ૮૦ હજારથી વધુ લોકો કામે કરે છે. આ ઈન્ડસ્ટ્રીની સાઈઝ પણ ૩૩૦ અબજ ડોલરની હોવાનું માનવામાં આવે છે. ત્યાર પછી ૧૦ મા નંબર પર આઈટી ઈન્ડસ્ટ્રી આવે છે. ભારતમાંથી લાખો એન્જિનિયરો અમેરિકા ગયા છે અને આઈટી ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે અને આ સેક્ટરે લગભગ ૨૫.૪૦ લાખ લોકોને જાેબ આપી છે. અમેરિકન આઈટી કન્સલ્ટિંગ ઈન્ડસ્ટ્રીની સાઈઝ ૬૬૫ અબજ ડોલર છે. આ તમામ ઈન્ડસ્ટ્રી અમેરિકાને પાવરફૂલ ઈકોનોમી બનાવે છે અને તેમાં જ સૌથી વધુ જાેબ પણ મળે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution