ગુરુને સમર્પિત થાવ તો હરિ મળે

ગુરુપૂર્ણિમાનું પાવન પર્વ આવે છે અને દરેક વ્યક્તિ પોતાના ગુરુ, શિક્ષકો અને આચાર્યોને વંદન કરે છે, બિરદાવે છે, તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરે છે. ગુરુનું જ્યારે પણ સન્માન કરવાની કે ગુરુને જ્યારે પણ યાદ કરવાની ભાવના આવે ત્યારે આપણે કહીએ છીએ કે, ગુરુ ગોબિંદ દોનો ખડે, કાકો લાગુ પાય... બલિહારી ગુરુ આપકી, ગોબિંદ દિયો બતાય... ગુરુનું આપણા જીવનમાં જે મહત્ત્વ છે તેના આ દોહા દ્વારા સદીઓથી યાદ કરીએ છીએ પણ ખરેખર તેને સમજી શકીએ છીએ ખરા? એક સમય હતો જ્યારે આપણે મુગલોના શરણે હતા અને હવે ગુગલના શરણે છીએ. ગુગલ આપણને નોલેજ આપી શકે છે પણ જ્ઞાન આપણને ગુગલ નહીં આપી શકે. જીવનનું જે સાચું સત્વ અને તત્ત્વ છે તે પામવા માટે ગુગલની નહીં,પણ ગુરુની જરૂર છે. ગુગલ ઉપરથી મેડિટેશનના ફાયદા અને પ્રક્રિયાઓ સમજી શકાતી હશે પણ આ મેડિટેશન દ્વારા જીવન અને શિવને જાેડવાની પ્રક્રિયા ગુરુ જ સમજાવી અને સાર્થક કરાવી શકે છે.

જીવનમાં ગુરુનું મહત્ત્વ શું છે અને શા માટે શિષ્ય અને ગુરુની પરંપરા અદ્વિતિય હતી તેના ઘણા કિસ્સા સમાજમાં છે. ગુરુને કેટલાક શિષ્યો શા માટે વધારે પસંદ હોય છે અને વર્તમાન પ્રણાલિમાં પણ શિક્ષકોને કેટલાક વિદ્યાર્થીઓ ઘણા વહાલા હોય છે કે તેમના માટે વધારે સંવેદના હોય છે તેની પાછળના ઘણા કારણો છે. પણ છતાં એક કારણ એવું છે જેના કારણે ગુરુ-શિષ્યની પરંપરા સદીઓથી ચાલતી આવી છે અને લોકોને તેનો ભાગ બનવું ગમે છે.

ઘણા સમય પહેલાંની આ વાત છે. એક આશ્રમમાં ગુરુને ત્યાં ઘણા શિષ્યો ભણવા આવતાં હતાં. ગુરુનું જ્ઞાન અને ખ્યાતિ ખૂબ જ ફેલાયેલા હતાં. તેના કારણે વિવિધ રાજ્યો અને પ્રદેશોમાંથી તેમના આશ્રમમાં શિક્ષણ લેવા માટે મોટી સંખ્યામાં બાળકો આવતાં હતાં. આ દરમિયાન એક રાજ્યના રાજાનો એકનો એક પુત્ર આ આશ્રમમાં અભ્યાસ માટે આવ્યો. રાજકુંવર અહીંયા અભ્યાસ કરતો હતો તે દરમિયાન તેની મિત્રતા એક રામાનુજ નામના બાળક સાથે થઈ. રામાનુજ સામાન્ય નગરજનનું સંતાન હતો જ્યારે રાજકુંવર તો રાજપાટમાં રહેનારો બાળક હતો. આશ્રમમાં તેમનું જીવન સમાન હતું છતાં રાજકુંવરના કેટલાક લક્ષણો જતા નહોતાં. આ કારણે ઘણી વખત તેને આશ્રમમાં રહેવામાં, કામ કરવામાં, ભણવામાં અને બીજા ઘણા કામમાં મુશ્કેલી પડતી હતી. બીજી તરફ રામાનુજ ખૂબ જ સરળ અને સહજ બાળક હતો. ગુરુનો જે પણ આદેશ હોય તેનું તે શબ્દશઃ પાલન કરતો. તેના કારણે રામાનુજ હવે ગુરુજીને માનિતો શિષ્ય પણ થઈ ગયો હતો. આ વાતની જાણ જ્યારે રાજકુંવરને થઈ ત્યારે તેને થોડું માઠું લાગ્યું અને તેણે આ સંદેશો પોતાના પિતાને મોકલાવ્યો. તેણે કહ્યું કે, આશ્રમમાં તેની સાથે ઓરમાયું વર્તન થાય છે. સામાન્ય માણસનો છોકરો ગુરુજીનો માનિતો શિષ્ય થઈ ગયો છે અને મને મહત્ત્વ મળતું નથી.

પુત્રનો સંદેશો મળતા રાજા ત્યાં પહોંચ્યાં. રાજાએ જઈને ગુરુજીને પ્રણામ કર્યા અને સમગ્ર વાત જણાવી. ગુરુજી રાજાની વાત સાંભળીને હસી પડ્યાં. તેમણે રાજાને કહ્યું કે, આવતીકાલે તમે એક બળદ અને પાંચ ઘેટા લઈને આશ્રમમાં આવજાે. રાજાએ ગુરુજીની વાત સાંભળી અને બીજા દિવસે તેમના કહ્યાં પ્રમાણે સેવકોની સાથે એક બળદ અને પાંચ ઘેટાં લઈને તેઓ આશ્રમમાં પહોંચ્યાં. ગુરુજીને પોતાના માનિતા શિષ્ય રામાનુજને બોલાવ્યો અને રાજકુંવરને પણ બોલાવ્યો. ગુરુજીએ રાજકુંવરને આદેશ કર્યો કે, આ બળદને ઉંચકીને સામંની ઝુંપડીમાં મુકી આવો. રાજકુંવરે તરત જ તર્ક કર્યો કે, ગુરુજી આ કામ શક્ય નથી. મારી ઉંમર નાની છે, બળદ મોટો છે. તેનું વજન વધારે છે. મારાથી આ શક્ય ન બને. ગુરુજીએ ત્યારબાદ રામાનુજને કહ્યું તો તે તરત જ ગુરુજીને વંદન કરીને બળદ પાસે પહોંચી ગયો. તેણે બળદને ઉચકવાના પ્રયાસ શરૂ કરી દીધાં. તે સફળ ન થયો પણ ગુરુજી તેના જાેઈને પ્રસન્ન થયાં. ત્યારબાદ ગુરુજીએ કહ્યું, રાજકુંવર પેલા પાંચેય ઘેટાને સ્પર્શ કર્યા વગર અહીંયાથી બહાર કાઢી આવો. રાજકુંવરે ફરી તર્ક કર્યો કે, પાંચય ઘેટાં કેવી રીતે સ્પર્શ કર્યા વગર એકસાથે બહાર જઈ શકે. આવું બધું શક્ય નથી. ગુરુજીએ રામાનુજને કહ્યું. રામાનુજે થોડું ઘાસ લીધું અને એક ઘેટા પાસે મુક્યું. તે ખાવા લાગ્યું. રામાનુજે થોડા થોડા અંતરે ઘાસ આશ્રમની બહાર સુધી મુકી દીધું. ઘેટાં તેને ખાતા ખાતા બહાર નીકળી ગયાં.

રાજાએ જ્યારે આ જાેયું ત્યારે તેમને પણ પોતાની ભુલ સમજાઈ. તેઓ માત્ર પુત્રપ્રેમમાં અંધ થઈને આશ્રમ સુધી આવી ગયાં હતાં. તેમણે ગુરુજીની માફી માગી અને પોતાના રાજ્ય જવા રવાના થઈ ગયાં. રાજકુંવર પણ વિલાયેલા મોઢે આશ્રમમાં અભ્યાસ કરવા જતો રહ્યો. વાત એવી છે કે, રાજા અને તેના રાજકુંવરની પાસે તર્ક હતાં, ક્રોધ હતો, પોતાની ક્ષમતાનું અભિમાન હતું. તેનો ઘડો આ બધાથી છલકાયેલો હતો. બીજી તરફ રામાનુજ સાવ સામાન્ય, ગરીબ પરિવાર અને સામાન્ય પરિવારનો બાળક હતો. તેને માત્ર એટલી જ સમજ હતી કે ગુરુજી પાસેથી જ્ઞાન મેળવવાનું છે, શિક્ષણ મેળવવાનું છે. તે ગુરુજીને સમર્પિત થઈ ગયો હતો.

ગુરુના ચરણોમાં જ્યારે સમર્પિત થઈ જઈએ છીએ, તેમને જ્યારે આપણું સર્વસ્વ ન્યોચ્છાવર કરી દઈએ છીએ ત્યારે આપણા કરતાં તેમની જવાબદારી વધી જાય છે તે આપણે સમજવું જાેઈએ. શરણે આવેલાનો ઉદ્ધાર કરવો તે ગુરુજીની ફરજ અને જવાબદારી છે. આપણે ગુરુજીને જીવનનો રથ હંકારવા માટે સારથી બનાવીએ છીએ અને પછી રથ કેવી રીતે હાંકી શકાય તેનું જ્ઞાન પાછળ બેસીને આપવા પ્રયાસ કરીએ છીએ એટલે દુઃખી થઈએ છીએ. સદગુરુના ચરણોમાં સમર્પિત થવાથી જ મનનો અંધકાર દૂર થાય છે અને જ્ઞાનની જ્યોત પ્રગટે છે જે હરિનો ભેટો કરાવી છે. આ જીવને શિવ સાથે ભેગો કરે છે. અંતે એટલું કહી શકાય કે દરેકને કૃષ્ણ મળી શકે છે પણ પહેલાં આપણે અર્જુન થતા શિખવું પડે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution