આજે હું એ સમયની વાત કહેવા જઈ રહી છું, કે જ્યારે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ભારતના રાષ્ટ્રપતિ તરીકેની ફરજ બજાવતાં હતાં. આજથી લગભગ બાવીસ વર્ષ પહેલાંની વાત છે. એટલે કે ઇ.સ. ૨૦૦૨નું વર્ષ. તે વર્ષમાં કલામ સાહેબ ભારતના રાષ્ટ્રપતિ તરીકેનો હોદ્દો સંભાળી રહ્યાં હતાં. ત્યારે રમઝાન માસની શરૂઆત થઈ રહી હતી. એટલે રાષ્ટ્રપતિ ભવનની વર્ષો જૂની પ્રણાલિકા મુજબ રમઝાન માસમાં ભારતના રાષ્ટ્રપતિ દેશની ગણમાન્ય મોટી મોટી હસ્તીઓને ઇફતાર પાર્ટી આપવી પડે. અને એ સમયે તો રાષ્ટ્રપતિ કલામ પોતે જ મુસ્લિમ હતા. એટલે રમઝાનની ઈફ્તારનું જાેરદાર આયોજન કરવાનું નક્કી થયું હતું.
પરંતુ ડૉ. અબ્દુલ કલામ કંઇક અલગ વિચારના હતાં. તેઓ પાર્ટી કરવાને બદલે એટલી રકમમાંથી ગરીબોને જરૂરિયાતની ચીજ-વસ્તુઓ આપવામાં માનતાં હતાં. તેથી તેમણે પોતાના પી.એમ. નાયરને કહ્યું, “આ ઇફતાર પાર્ટીમાં તો બધા ધનિક લોકો જ આવશે. એ લોકો તો કાયમ જ સારી વાનગીઓ જમતા હોય છે, એટલે તે લોકોને જમાડો કે ના જમાડો શો ફેર પડે ? મારો એવો વિચાર છે કે આ વખતે ઇફતાર પાર્ટી કરીને આ ધનિકોને જમાડવાને બદલે આપણે અનાથલાયના બાળકોને સારું ભોજન કરાવીએ અને તેમને જરૂરિયાતની ચીજવસ્તુઓ આપીએ તો કેવું સારું થાય ! એટલે તમે તપાસ કરો કે ઇફતાર પાર્ટી કરવામાં કેટલો ખર્ચ થશે ?”
પી.એમ. નાયરે, કલામના મિત્ર જેવા હતાં. એટલે તેઓ પણ તરત જ તેમની વાતથી સહમત થઈ ગયાં અને તેમની વાત માની આ બાબતે તપાસ કરી. અને તેમને કહ્યું, “સર, ઇફતાર પાર્ટી માટે લગભગ બાવીસ લાખ જેટલો ખર્ચો થશે.”
પી.એ. નાયરની વાત સાંભળી, ડૉ. કલામે કહ્યું, “સારું, તો તમે એક ટીમ બનાવો અને અનાથાલાયોના બાળકો માટે કપડાં, ધાબળા, મીઠાઈ વગેરેની વ્યવસ્થા કરાવો. મારે તો બસ નાના બાળકોને રાજી કરવા છે. બાળકો રાજી થશે, તો અલ્લાહ રાજી જ છે. ગરીબ ઘરના બાળકોની ખુશી એ જ આપણા માટે ઇફતાર પાર્ટી છે.”
પી.એમ. નાયરે, ડૉ. કલામની સૂચના મુજબ ટીમ બનાવી અને બધી તૈયારીઓ શરૂ કરાવી. પછી ડૉ. કલામે, નાયરને બોલાવી એક વધારાનો એક લાખ રૂપિયાનો ચેક આપ્યો અને કહ્યું, “નિયમ મુજબ સરકારી તિજાેરીમાંથી તો ખર્ચ થશે જ પણ આ એક લાખની રકમ મારા તરફથી હું મારી અંગત બચતમાંથી આપુ છું. એટલે તમે કોઈને આ વિશે વાત નહીં કરતા અને આ રકમને પણ બાળકો માટે જ વાપરો.”
આમ, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે ઇફતાર પાર્ટીના બદલે અનાથાલયના બાળકો માટે જરૂરિયાતની ચીજ-વસ્તુઓની સગવડ કરી આપી હતી. તેમણે ૨૦૦૭ સુધી ભારતના રાષ્ટ્રપતિ તરીકેની ફરજ બજાવી હતી. અને મુસલમાન હોવા છતાંય તેમને આ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન એક પણ ઇફતાર પાર્ટી કરવાને બદલે,પાર્ટીમાં જે રકમ ખર્ચ થાય તે રકમમાંથી બાળકોને રાજી કર્યા હતાં.
આમ, ડૉ. કલામ પોતે ઊંચા પદ પર હોવા છતાંય સામાન્ય માણસની સુખાકારીનો વિચાર હંમેશા રાખતા હતા. અને આવા વ્યક્તિઓ હંમેશા દરેકના હ્રદયમાં આદરપાત્ર સ્થાન મેળવે છે. તેથી તેમના જીવનનો આ પ્રસંગ જાણી આપણે પણ તેમનાથી પ્રેરણા મેળવવી જાેઈએ. ઘણા લોકો પોતાના ઘરમાં કંઇક પણ શુભ પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે ખૂબ જ પૈસા ખર્ચ કરતા હોય છે. ત્યારે તેઓ એક વખત પણ વિચાર નથી કરતા કે પોતે જેટલા રૂપિયા ખર્ચ કરી રહ્યા છે તેટલા રૂપિયામાંથી કોઈ ગરીબને જીવન જરૂરિયાતની કોઈ ચીજ-વસ્તુની સગવડ કરી આપી હોય તો, તેમને કેટલી દુઆ મળશે ! તેથી દરેકે કલામની જેમ બીજા માટે પણ થોડો વિચાર કરતા શીખવું જાેઈએ.